77 - શ્હેરની સડકો ઉપર…. / આદિલ મન્સૂરી


શ્હેરની સડકો ઉપર
ધૂળમાં ઢંકાયેલો તડકો રડે,
વાહનો તાક્યા કરે
અવકાશને,
ભીડમાં
ચગદાઈ જાતા
સૌ અવાજો
મૌનની દીવાલની
છાયા તળે
પોઢી જતા,
હારમાં ઊભા મકાનો
એકબીજાને દબાવે,
શૂન્યનજરે વાટ જોતી
બારીઓના હોઠ ફફડે,
માર્ગમાં
ભૂલાં પડેલાં વૃક્ષ પરથી
પાનખર ટપક્યા કરે,
પીઠ ઘસતો સૂર્ય
ધીમે ચાલતો,
ચાલ્યો જતો
શ્હેરની સડકો ઉપર...


0 comments


Leave comment