57 - ઘરથી રીસાઈને કોઈ ચાલ્યું ગયું, આંખ જોતી રહી / આદિલ મન્સૂરી


ઘરથી રીસાઈને કોઈ ચાલ્યું ગયું, આંખ જોતી રહી,
એના શ્વાસો મહીં મોત ખખડ્યાં કર્યું, આંખ જોતી રહી.

હોઠથી સ્મિતને કોઈ છીનવી ગયું, આંખ જોતી રહી,
ચાલતાં ચાલતાં સ્વપ્ન તૂટી પડ્યું, આંખ જોતી રહી.

આખો દિવસ બળી; સાંજના નીરમાં સૂર્ય ઠંડો પડ્યો,
ઘરના અંધારમાં તેજ ડૂબી ગયું, આંખ જોતી રહી.

અંતનું ફીણ જે હોઠ પર આવીને ત્યાં જ થીજી ગયું,
દૂરથી જોઈને માએ ડૂસકું ભર્યું, આંખ જોતી રહી.

બારણે બારણે ભૂખરી શૂન્યતા ઘરમાં વ્યાપી ગઈ,
વળગી દીવાલને મૌન રડતું રહ્યું, આંખ જોતી રહી.


0 comments


Leave comment