1 - પગરવ પ્રસ્તાવના – આ અર્થના વેપારની વાત જ ક્યાં છે ? / હરિન્દ્ર દવે


ઝરમરતી રાત, તમરાઓનું સંગીત, અને ભીંજાઈને થરથરતા દીવાઓએ સ્હેજ ઓરી ખેંચી ઓઢેલી આકાશની ચાદર –

આ હવાનું પાતળું વસ્ત્ર પણ ભીંજાઈ ગયું છે;
સદીકે મુકર્રમ, કોઈ ઈલાજ નથી;

આજ રોકાય નહીં આ વરસાદ,
ઘર સુધી ચાલ પલળતા જઈએ.

તરબોળ ભીંજાવાની પણ મઝા છે. કોરા રહી ગયેલાને એની કલ્પના પણ ન આવે. કલ્પના આપવી પણ કેમ કરીને? આકાશની ચાદર ખેંચી લઈએ તો હમણાં પ્રકૃતિનો બધો ભરમ પ્રકટ થઇ જાય; ‘વરના દર મહફિલે – રિંદા ખબરે નેસ્ત કિ નેસ્ત !’ પણ એ આપણું, આદિલનું અને શિરાઝનું રહસ્ય છે – ‘મસલહત નેસ્ત કિ અજ પર્દા બિરુ ઉફતદ રાઝ’ – આ રહસ્યને પડદાની બહાર કાઢવું ઉચિત નથી.

એટલે સૌ અમે કહીએ છીએ ને –
‘ ભાષાના અધિકારની વાત જ ક્યાં છે?’

તમે પૂછશો, કે શિરાઝને ટાંકવા જેટલું ફારસી ક્યાંથી શીખી લાવ્યા? એ આદિલ જાણતો હશે, એટલે જ એણે આ લખ્યું હશે ને ! ભાષા એટલે વહેતો પ્રવાહ – આપણે ક્યાં હવે ત્યાં બંધ બાંધવા જવું છે? એટલે જ તમારા પ્રશ્નનાં ઉત્તરમાં જ આદિલ કહે છે :

ભાષાના અધિકારની વાત જ ક્યાં છે?
આ શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે?
છે ચિત્રનાં જેવો જ અનુભવ ‘આદિલ’
આ અર્થના વેપારની વાત જ ક્યાં છે?

વરસાદ, એટલે વરસાદ, એટલે વરસાદ.

પણ વાત અહીં જ અટકે છે? તમે શૂન્યના બિંદુ પર આવીને ઊભા રહો એટલે કંઇ અંત આવી જતો નથી; એ પ્રસ્થાનનું નવું બિંદુ પણ હોય ! પેલો હેગેલ કાનમાં કહી જાય છે – Nothingness was not an end, but a point of departure.

તો આ ‘ક્યાં છે?’ કહીને કવિએ માત્ર વિવેક જ કર્યો છે?

પિકાસોનાં સંગીતકારો મર્મમાં હસી રહ્યા છે – માત્ર રંગો જ છે, સ્વરો કેવા ! અને છતાં સ્વર વિનાના એ રંગોને તમે – તમે એટલે પિકાસો પણ – સંગીતકાર કહો છો : તો આ ભાષા, આ શબ્દો એ સામગ્રી રંગ જેવી જ છે? આ ચિત્ર શેનું દોરાય છે? અને જો એ તમને કોઈ અર્થસંક્રાંતિ ન આપી શકે તો એ પ્રતિભાવ અનુભવની કક્ષાએ આવી શકે?

‘છે ચિત્રના જેવો જ અનુભવ’ – એમ તો આપણે છાતી ઠોકીને કહી દીધું. પણ પછી ધીમે અવાજે આગળ ચાલીએ છીએ – ‘આ અર્થના વેપારની વાત જ ક્યાં છે?’ ‘સાચે જ, એવું નથી?’ એવો પ્રશ્ન એ પંક્તિની સમાંતરે ચાલ્યો આવે છે. જો ક્યાંક કોઈ જતું ન હોય તો આ પગરવ શા માટે?

શબ્દ જે તુજ હોઠ પર આવ્યા હતા
એ તો મારા મૌનના પડઘા હતા.

એક પરમ મૌન – એ અભિવ્યક્ત થતું જ નથી, માત્ર એના પડછંદા રૂપે શબ્દ વહે છે, અને શબ્દ એટલે વ્યાખ્યા. શબ્દ એટલે અર્થની સદીઓ જૂની રૂઢિનો ભાર વહન કરતી પાલખી : વાત આ શબ્દના વહેવારની નથી. વાત તો પેલા પરમ મૌનની છે. અને આ અર્થમાં પેલો પગરવ – એ ક્યાંક ‘કોઈ જતું હોય’ એનો નથી, ક્યાંક ‘કોઈક છે’ એનો છે. ભાષા, શબ્દ કે અર્થથી પર એવા મૌનમાં રહેલ સૂર – એને લય કે તાલ નથી. છતાં એ લય વિનાનો કે તાલ વિનાનો પણ નથી.

કોઈક ભૂલભૂલામણીમાં ફરતા હોઈએ એવું લાગે છે : મેલાર્મેનો શિશમહલ – એકએક શબ્દ અરીસા જેવો છે; અને આ બહુવિધ અરીસાઓ એકમેકની પ્રતિબિમ્બલીલાને અસીમ વિસ્તર્યા કરે એ જ કવિતા? – પણ આ તો આપણે આમ ને આમ અભિમન્યુના સાતમાં કોઠામાં પ્રવેશી ગયા – હવે જયદ્રથનાં તીરની પ્રતીક્ષા કરવાની?

ના, કવિતામાં કંઈક જુદો ચમત્કાર બને છે – પેલા અરીસાઓ ગોઠવાઈ તો ગયા છે, પણ એમાંથી કંઇ સૌ આમતેમ ફેરવી મનગમતા આકારો ઉપસાવી શકે તેવું કેલિડોસ્કોપ જ બનશે? – જે નથી એવા આકારોનો આભાસ, એ જ આ લીલાનું રહસ્ય, એવી વાત આપણે ક્યાંથી માનીએ? – ‘દર મહેફિલે રિંદા ખબરે નેસ્ત કિ નેસ્ત !’

તો આ અર્થના વેપારની વાત જ ક્યાં છે, એમ કહીને પણ આપણે અર્થ પાસે આવીએ છીએ. પણ એ કયો અર્થ?

‘આમાંથી અર્થ નીકળે છે, આ કવિતા નહીં’ એમ એક નવકવિએ એક વાર એક રચના જોઈ ચિત્કાર કર્યો હતો. એમનો ચિત્કાર સાચો હતો. કવિતા જો આપણને અર્થ આપે તો એનું વાતચીતના ગદ્યથી વધારે મહત્વ નથી. ભાષા, શબ્દ કે અર્થના રસ્તાઓથી આ ભૂલભૂલામણીમાં પ્રવેશીએ ત્યારે આપણે અટવાઈ જઈએ છીએ. મેલાર્મેને જે મૃત્યુ પછીના નવજન્મમાંથી સાંપડી હતી એ Spiritual Coffer ની ચાવી તમને – તમને એટલે મેલાર્મેને પણ –આપી દઉં – આ ભૂલભૂલામણીને ભેદી પાર ઉતારવા માટે એક ચોથો રસ્તો છે, અનુભવનો.

T નો કોયડો ઉકેલાઈ જાય ત્યારે ચાર પ્લાસ્ટિકના ટૂકડાઓમાં કોઈ રહસ્ય બાકી ન રહે એવું અહીં બનતું નથી : અહીં કોયડો ઉકેલાયા પછી જ રહસ્યની દુનિયા આરંભાય છે –


આજ રોકાય નહીં આ વરસાદ
ઘર સુધી ચાલ, પલળતા જઈએ...

હજી ઝરમરતી રાતમાં તમરાઓનું સંગીત શમ્યું નથી – ભીના અને લાંબો વખત ઓઢીને પડી રહેવાને કારણે જેનો કંપ ઘટ્યો છે એવા દીવાઓ પરથી આકાશની ચાદર સ્હેજ ખસી ગઈ છે, હટી ગઈ નથી. આપણા ભીંજાયેલા વસ્ત્રને હવામાં આપણે સૂકવીશું, પણ આ હવાના ભીંજાયેલા વસ્ત્રનું શું કરીશું? –

છેવટે ‘આદિલ’ હવા પલળી ગઈ વરસાદમાં.

યાદ છે ને, આ અર્થની નહીં, અનુભવની વાત છે !

તારા આવાજનું હવે અજવાળું ક્યાં રહ્યું?
ઘૂમે છે ખંડિયેરમાં પડઘાનો અન્ધકાર.

અવાજ એ કાનની વાત છે : અજવાળું આંખની. પણ ઇન્દ્રિયો પાંચ છે? સ્પર્શ, રૂપ, સ્વાદ, ગંધ અને શ્રવણ એ પાંચ નામો છે – પણ એક જ ઇન્દ્રિયની વાત આપણા તત્વમર્મજ્ઞો કરે છે. સ્પર્શની : હવાના માધ્યમ દ્વારા કાનને સ્વરનો સંયોગ થાય ત્યારે અવાજ સંભળાય છે – નેત્રને પ્રકાશ સ્પર્શે છે ત્યારે અજવાળું અનુભવાય છે : ગીતામાં આ ‘સંયોગથી ઉત્પન્ન થયેલા ભોગ’ની વાત છે – અહીં કવિ પણ શ્રવણ અને દર્શનને એક સ્તર પર મૂકે છે – અને પછી અમૂર્તના સ્પર્શનો મૂર્ત અનુભવ આપે છે – એક શબ્દ જાગ્યો, શમી પણ ગયો.પરંતુ ખંડેરમાં હજી એના પડઘા સંભળાય છે. અવાજનું અજવાળું રહ્યું નથી, પડઘાના અન્ધકાર વડે હવે આપણે એ અવાજને યાદ કરવાનો રહે છે.

મ્હેકે ભલે ને સ્પર્થનાં ફૂલોની ચાંદની
આંખોથી અન્ધકારનું રેશમ સરી ન જાય.

થોડું ગણિત આડે આવે છે :
ફૂલો = ચાંદની
અંધકાર = રેશમ

પણ કવિ વૈયાકરણી પાસે પહોંચી જાય તો બચાવ શોધી શકે : આ તો ષષ્ટિ વિભક્તિ દ્વારા જોડાયેલો સબંધ છે. પણ આપણે ગણિતને ભૂલી જઈએ. અહીં ચાંદની મ્હેક્યો સ્પર્શ પણ છે – અન્ધકારનો રેશમસ્પર્શ પણ છે. પણ એમાંથી રચાય છે શું?

‘આદિલ’ હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો,
પથ્થરની દોસ્તીમાં ત્વચા પણ મરી ગઈ.

સ્પર્શનું આ રહસ્ય એક તત્વચિંતકને મળ્યું છે – બીજું કવિને. એના પર તમે વિવરણ કરી શકો, પણ એ અર્થનો વેપાર બની જાય. એ કેડીએ જઈએ તો સાતમાં કોઠે રસ્તો બંધ થઇ જાય. પણ આ બે પંક્તિ – તમને અનુભવનાં કોઈ સ્તર પર મૂકી દે છે? – તમારા માટે અહીં કવિતા બની છે કે નહીં એની કસોટી બસ આટલી જ છે – હું આ અનુભવનાં સ્તર પરથી કહું છું.

એક બીજી વાત –
આપણા આ કવિના અભિવ્યક્તિનાં ગઝલ, મુક્ત પરંપરિત અમે કવચિત છંદના બાહ્ય ઉપાદાનો વિશે પણ આપણે વાત કરી લઈએ.

ગુજરાતી ભાષામાં કવિતામાં અને વિશેષ કરીને ગઝલમાં ભાષા બહુ લીસી બની ગઈ છે ! ચપટા શબ્દો અનુભવના શિખર સુધી આંબે એવી ઊંચાઈએ ભાગ્યે જ જાય છે. ત્યારે ‘આદિલ’ની આ રચનાઓ એક ભાવસૃષ્ટિ રચે છે – આ શબ્દોમાં પોલાણ નથી લાગતું – એ અરીસાઓની પાછળનો સિંદૂર અકબંધ લાગે છે.

કવિતાના સ્વરૂપોમાં ભાષાને, શબ્દને અને અર્થસંક્રાંતિને અનિવાર્યપણે જુદા સ્તર પર લઇ જવી પડે છે : એ જુદી ભાષા હોય છે. ગુજરાતી ભાષા હોવા છતાં ગુજરાતી ભાષાનું નવું રૂપ જો ઊભું ન કરી શકાય તો કવિતા એટલે અંશે ઓછી ઊતરી કહેવાય. ‘આદિલે’ ગઝલના સ્વરૂપમાં આવી સમાંતર ભાષા રચવા પ્રયત્ન કર્યો છે :

કાળી અમાસ રાતની દીવાલ પર કદી
માંડી જુઓ જો કાન તો સંભળાય ચાંદની.

બીજી પંક્તિનું માધુર્ય માણવા માટે પહેલી પંક્તિમાંનું સમીકરણ સહન કરવું જ રહ્યું –

ભડકે બળે છે ચારે દિશાઓની શૂન્યતા,
મારા સિવાય કોઈ નથી, હું ય પણ નથી.

આ પેલી nothingness ની વાત આવી – અને તેના બે તબક્કા પણ આપણે જોયા. આત્મભાનનો અને આત્મભાનનાં વિલયનો.

- ઝરમર હજીયે વરસે છે – અને સંગીત પણ હજી ગુંજી રહ્યું છે ! ભીના દીવાઓએ ઓઢેલી ચાદર હટી ગઈ છે?

જરા નજરને ઝીણી કરી દૂરસુદૂર સુધી જોતા રહીએ – સ્હેજ હાથ લંબાવી એ પાછી ઓઢી શકાતી હોય તો .....

પણ આ ઝરમર રોકાય એમ નથી –
સંગીત ગુંજતું જ રહ્યું છે;
અને ભીના દીવાઓનું નમણું તેજ પાંપણો પાછળ રહેલા અન્ધકારનાં રેશમને સ્પર્શી જાય છે.
- સદી કે મુકર્રમ, ચાલો, બીજો કોઈ ઈલાજ નથી;
આજ રોકાય નહીં આ વરસાદ
ઘર સુધી ચાલ પલળતા જઈએ.


0 comments


Leave comment