49 - સૂરજની પીઠ જોઇને પાણી ઠરી ન જાય / આદિલ મન્સૂરી


સૂરજની પીઠ જોઇને પાણી ઠરી ન જાય,
ને શૂન્યતાની ડાળથી પર્ણો ખરી ન જાય.

મ્હેકે ભલેને સ્પર્શનાં ફૂલોની ચાંદની,
આંખોથી અન્ધકારનું રેશમ સરી ન જાય.

આવી છે રાત ચ્હેરા ઉપર મેશ ચોપડી,
દીવો કરો કે ઊંઘમાં સપનાં ડરી ન જાય.

બેસી રહેજો બારણાં વાસી નગરજનો,
ઘરમાં સમયની ધૂળ પવન પાથરી ન જાય.

સંકોચવું પડે ન પછે કોઈને જીવન,
જો ઈંતેઝારની આ ક્ષણો વિસ્તરી ન જાય.

‘આદિલ’ તૃષાથી પ્રાણની પ્યાલી ભરી અમે,
જોતા રહેજો મૃત્યુ એ ખાલી કરી ન જાય.


0 comments


Leave comment