1 - પીડાના પર્યાયરૂપ કવિતા / પ્રસ્તાવના / પીડા પર્યંત / ભગવતીકુમાર શર્મા


કવિશ્રી ‘સ્નેહી’ પરમારને હું હજી સુધી પ્રત્યક્ષ મળ્યો નથી, એમને વિશે સાંભળ્યું છે ખરું. કવિતાને પામવા માટે કવિની પ્રત્યક્ષતા અનિવાર્ય નથી. ક્યાંક તો પ્રત્યક્ષતા વ્યવધાનરૂપે પણ નીવડી શકે ! કાલિદાસ, ભવભૂતિ, શેલી, ગાલિબ, ટાગોર, નરસિંહ, મીરાં વગેરે અનેક કવિ-પ્રતિભાઓ સાથેનો આપણો પ્રત્યક્ષ પરિચય શૂન્ય, પરંતુ તેઓની કવિતા સાથેનો આપણો ભાવાનુંબંધ સઘન, સભર છે, અને તે જ આપણે માટે પર્યાપ્ત અને ધન્યકર્તા છે.

કવિને ઓળખવાનો રાજમાર્ગ તેની કવિતામાંથી પસાર થાય છે. કવિશ્રી ‘સ્નેહી’ પરમારની આ કવિતાઓમાંથી પસાર થતાં કવિના ભાવકોશનો આપણને લગભગ તાદૃશ પરિચય થાય છે. કેવોક છે કવિનો આ ભાવકોશ ? તો કવિશ્રી ‘સ્નેહી’ની કવિતાઓની સાખે આમ કહી શકાય કે આપણા કવિ અત્યંત સંવેદનશીલ અને ઋજુહૃદયી છે, ચિરઝુરાપો એ તેમની કવિતા સર્જન પ્રવૃત્તિનો સ્થાયી ભાવ છે અને કવિનું આંતર વિશ્વ આખે આખું પીડાના પર્યાય સમાન છે. તેમની કવિતામાં મિલનની રાગ-રમણા કરતાં વિરહ વ્યથાની ધીમીધીમી, પણ અતિ દાહક આચનો અનુભવ અનેક ગણો તીવ્ર છે. કવિશ્રી ‘સ્નેહી’ નિતાંતપણે આત્મલક્ષી ઊર્મિ કવિ છે. જીવન અને જગતને તેઓ મહદ્ અંશે પોતાનાં સંવેદનોને સન્દર્ભે જુએ, મૂલવે અને આલેખે છે. જીવન અને જગતની ગતિવિધિઓ સાથે તેઓ ઝાઝી સમાધાનશીલતા દાખવી શકે તેમ નથી, પરઁતુ તેમની કવિતામાં ઉગ્ર, ઉઘાડો આક્રોશ નથી, ભાવકને ભીતરથી શારી નાખે તેવો કણસાટ છે, તેમની કવિતા મુખ્યતઃ અમુખર છે, અને સાચી કવિતાને એજ શોભે.

કવિશ્રી ‘સ્નેહી’ પરમારની કાવ્યાભિવ્યક્તિનું પ્રમુખ માધ્યમ, અલબત, ગઝલ છે અને સાંપ્રત ગુજરાતી કવિતાની મુખ્ય ધારા સાથે તે સુસંગત છે. અતિલેખનને કારણે આજની ગુજરાતી ગઝલ ક્યાંક, ક્યારેક લપટી પડી ગયેલી ગતાનગતિક લાગે, પરંતુ ગઝલના પરંપરાગત અને હવે તો અતિપરિચિત કાવ્ય પ્રકારમાં પણ કંઈક નવોન્મેષો પ્રગટાવવાનો શ્રી ‘સ્નેહી’નો અભિગમ વર્તાઈ આવ્યા વિના રહેતો નથી. અને એ જ તેમની ગઝલોની નોંધપાત્ર વશેકાઈ છે. આપણા કવિ ગઝલના બાહ્ય સંવિધાન અને આંતરમર્મથી વાકેફ છે. એક શેરના સ્વતંત્ર પણ સ્વાયત્ત અને કાવ્યલક્ષી ભાવવિશ્વને ઉજાગર કરવાની ક્ષમતાનો ખાસ્સો કસ તેમણે કાઢ્યો છે. ગઝલનું લાઘવ અને શેરનું ઓછાબોલાપણું તેમને સહજસાધ્ય છે. ગઝલના શેરમાં કદીક નિર્થકતાને પણ તેઓ સફળતાથી તાકે છે. અલબત્ત, આ ગઝલોમાં અનવદ્ય છંદશુદ્ધિની ન્યૂનતા તથા ક્યારેક કાફિયારદીફનું વૈચિત્ર્ય ગઝલનાં શાસ્ત્રજ્ઞાને ક્યારેક કઠી શકે, પરંતુ તેવું રચના-સમાર્જન સહેલાઇથી થઈ શક્યું હોત. શ્રી ‘સ્નેહી’ પરમાર આપણા એક વિકાસમાન ગઝલ કવિ છે. આ કાવ્ય સંગ્રહમાંની કેટલીક રચનાઓ ગુજરાતી ભાષાનાં શિષ્ટ, સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થઈ ચૂકી છે અને તે રીતે કવિ તરીકે શ્રી ‘સ્નેહી’ને સ્વીકૃતિ પણ સાંપડી છે. હવે જ્યારે આ કવિતા ગ્રંથસ્થ થઈ રહી છે ત્યારે તેને મૂલવવા આસ્વાદવાનું ભાવકો માટે વધારે સુગમ બનશે.

આ સંદર્ભે આપણે કવિશ્રી 'સ્નેહી' પરમારની ગઝલોના કેટલાક ચૂંટેલા, મને ગમેલા શેરોમાંથી પસાર થવાનો ઉપક્રમ અપનાવીએ.
'ખૂલવાનો અર્થ જાણી લ્યો પ્રથમ,
દ્વાર ખખડાવો, દીવાલો ખૂલશે.'
અહીં દ્વાર ખખડાવીએ અને ઊઘડે દીવાલ : એ વાતમાં નાવીન્ય છે.
મત્લાનો આ શેર જોઈએ :
‘તૃણ સાથે હતો હું જરા વાતમાં,
કોઇ ઊંચકી ગયું છે અને ચાંચમાં.’
અહીં પંખીનો ઉલ્લેખ માત્ર ટાળીને પંખીપણાને કેવું સંકેતવામાં આવ્યું છે !

આ બે શેર જોવા જેવા છે :
‘અમારી ય ગરિમા વધારો.
પધારો, પીડાજી! પધારો !
મને લાલ જાજમ બનાવો,
હવે આપ બાજી સુધારો!’
‘પીડાજી’ને પધારવાના ઈજનમાં વ્યંગ અછતો રહેતો નથી. બાજી સુધારવામાં ‘લાલ જાજમ'નો સંદર્ભ પીડાની રક્ત ઝાંયને સૂચવે છે.

મત્લાના આ શેરમાંનો પડકાર પણ માણવા જેવો છે :
‘ફૂંક મારી ઉડાડ પોતાને,
ચાલ, પરચો બતાડ પોતાને.'
સ્પર્શાનુભૂતિની તીવ્રતાને વ્યક્ત કરતી આ બે પંક્તિઓ :
‘એવી રીતે તું સ્હેજ જ્યાં અડે :
તળિયાનું લોહી તાળવે ચઢે !’
(લોહીના નીચા દબાણના મારા જેવા કાયમી દર્દીએ આ નુસ્ખો અજમાવવા જેવો ખરો !)
પીડાની કણસ વચ્ચે ક્યાંક આવી પ્રફુલ્લિતા પણ શબ્દકર્મની સંગાથે જોવા મળે છે :
‘રમણાઓ રસઘેલી લઈને ઊડવાનું છે,
સાથે મઘની થેલી લઈને ઊડવાનું છે.'

આ શેરમાંની વેદના જુઓ :
‘હાથ લાગે હાથને ખાલીપણું,
બંધ દરવાજે ટકોરા વ્યર્થ છે.'
અહીં ‘હાથ' શબ્દ સાથે ‘હાથ લાગે' જેવો રૂઢિપ્રયોગ અને પછી આવતો ‘ખાલીપો’ આકર્ષક પંક્તિ રચે છે.

‘બારણાં’ કવિનું પ્રિય કલ્પન લાગે છે.
‘નકૂચા અમે સૌ હઠાવી લીધા છે
અને બારણે હાથ વાસી લીધા છે.'
અહીં બારણે હાથ વાસી દેવાની વાતમાં નાવીન્યનો ચમકારો છે.
‘ચઢયું છે રવાનીએ જળનું ય જોબન
નદીને કિનારાએ ચુંબન કર્યું છે ?'
અહીં ‘ચુંબન કર્યું છે’ જેવી વાચાળ રદીફનેય કવિએ કેવી સૂક્ષ્મતાથી નિભાવી છે!

પરંતુ હવે અટકું. આ કાવ્ય સંગ્રહમાં આવા અન્ય રસસ્થાનો ઘણાં છે. તેમાં યથેચ્છ વિહરવાના ભાવકના અધિકારને બાધિત કરનાર હું કોણ ? ગઝલ કર્મથી ખાસ્સા સભર એવા કવિશ્રી ‘સ્નેહી’ પરમારના આ કાવ્યસંગ્રહનું સફળ શુભેચ્છાઓ સાથે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને કવિશ્રીને પણ મારી અંતરની મંગલ કામના પાઠવું છું.

- ભગવતીકુમાર શર્મા
સુરત
તા. ૨૩-૭-૨૦૦૪0 comments


Leave comment