1 - ખૂલશે... / સ્નેહી પરમાર
હેતનો અનગળ ખજાનો ખૂલશે,
બંધ થાશે દ્વાર પાંખો ખૂલશે.
ખૂલવાનો અર્થ જાણી લો પ્રથમ,
દ્વાર ખખડાવો દીવાલો ખૂલશે.
આ જગતની કોઇપણ દુર્ગમ જગા,
જાતની ભોગળ હઠાવો ખૂલશે.
ફૂલની સમજણ લઈ ખખડાવજો,
ખોલનારો આખ્ખે-આખ્ખો ખૂલશે.
ત્યારે તારાં દ્વાર થાશે દ્વારકા,
મારી ભીતરનો સુદામો ખૂલશે.
ખોલવા ઊપર લખી આખ્ખી ગઝલ,
ક્યારે ‘સ્નેહી’ તારી આંખો ખૂલશે ?
0 comments
Leave comment