2 - મુક્તક – ૧૧ – ૧૫/ આદિલ મન્સૂરીદરિયામાં જીવન જાય ને કાંઠો ન મળે,
જેને કદી પોતાનો યે ટેકો ન મળે,
શું હાલ હશે એનો; વિચારો; જેને
ઘરમાંથી નીકળવાનોય રસ્તો ન મળે.


******


દેખાવની દીવાલ ચણે તેથી શું ?
ખુદને કોઈ વિદ્વાન ગણે તેથી શું ?
એનાથી કશો ફેર નથી પડવાનો
કો' મૂર્ખ બનારસમાં ભણે તેથી શું ?


******


રાત્રીની બખોલોમાં લપાઇ જાતો,
અંધારના જંગલમાં ભલે અટવાતો,
દ્રષ્ટિનો નથી દોષ જરાયે એમાં
ઘૂવડને અગર સૂર્ય નથી દેખાતો.


******


માનું છું પ્રથમ શબ્દને તોલી લઇએ,
ક્ષણભરનું મિલન છે જરા બોલી લઇએ,
ઓછો છે સમય, આંખને વાચા આપી.
'આદિલ' આ મિલન કેફમાં ડોલી લઇએ.


******


ખોટા છે છતાં એમની ટીકા ન કરો,
આ વાતની જાહેરમાં ચર્ચા ન કરો,
આ એમની પડતીનો સમય છે 'આદિલ'
દેખી ન શકો આપ તો જોયા ન કરો.0 comments


Leave comment