6 - લોબાનની ખુશબૂ... / સ્નેહી પરમાર
ઊઠી લોબાનની ખુશબૂ શરૂ થ્યા જાપ મારામાં,
મૂકીને સાથિયા પર પગ પધાર્યા આપ મારામાં.
તમે થિરકાટ વશ, થડકારવશ, હળવે રહી અડક્યાં,
છનન છન છન ત તા થૈ થૈ થયો આલાપ મારામાં.
તમે ચાલ્યાં જવાની વાતના બહુ ઢોલ પીટો મા,
તમે આવ્યાં હતાં સાજન બહુચુપચાપ મારામાં.
તમે જાઓ અગર બેસો હવે ના ફેર પડવાનો
ઊભા છો દેહથી સામે, ને આપોઆપ મારામાં.
હજારો જન્મની ખારાશ સાથે ઘૂઘવ્યો, તૂટ્યો,
હવે તું પણ કશું શિવલિંગ જેવું સ્થાપ મારામાં.
0 comments
Leave comment