10 - હાથ ઝાલીને... / સ્નેહી પરમાર


પ્રતીક્ષાની ઘડી ને જાગરણનો હાથ ઝાલીને,
લખું છું કોઈ મીઠી સાંભરણનો હાથ ઝાલીને.

નથી વંટોળ એ પાગલ હવાનો મ્હેક-પર્વ છે,
ફરે છે ફૂદડી રજકણ, પરણનો હાથ ઝાલીને.

થશે તબદીલ બધાં પ્રશ્નો તમારા પણ જવાબોમાં,
ક્યામતમાં જશું જો એક જણનો હાથ ઝાલીને.

તૂટી જાશે પછી આ વાદળીનો ગર્વ જો જો ને,
નીકળશે પ્યાસ જ્યારે એક રણનો હાથ ઝાલીને.

એને ડુબાડવાના વ્યર્થ ઉધામા તું રહેવા દે,
શીખ્યો છે ચાલતાં એ, ખારવણનો હાથ ઝાલીને.


0 comments


Leave comment