12 - અફવા હતી... / સ્નેહી પરમાર


તારી આંખોમાં ગુલાબી આભની અફવા હતી,
ચાંદ તો સાચો હતો પણ ચાંદની અફવા હતી.

તે કરેલા વાયદાઓ વાયકા હોવા ઘટે,
એય અફવા છે કે તારી લાગણી અફવા હતી.

કોણ જાણે શું થશે મોંઘા બિયારણનું હવે,
આપણા ખેતર ઉપરની વાદળી અફવા હતી.

આંધળે બહેરું કુટાયું આપણા વિશ્વાસનું,
આંધળા લોકોની જીભે આંધળી અફવા હતી.

તેજ લીસોટા સમી ઘટના બની'તી એક દી,
કોઇનું ઝૂંપડું ગયાની પાતળી અફવા હતી.

રંગ સાથે ગંધની રમણા અલૌકિક ભીતરે,
જૂઈની ચારે તરફની સાદગી અફવા હતી.

સૂર્યના ઝાંપા લગી શું આગિયો પહોંચી શકે?
ઝેરના પ્યાલા તો ‘સ્નેહી' જાંબલી અફવા હતી.


0 comments


Leave comment