53 - બિસ્તરમાં તારી યાદની પરીઓ ઢળી ગઈ / આદિલ મન્સૂરી


બિસ્તરમાં તારી યાદની પરીઓ ઢળી ગઈ,
આ દૃશ્ય જોઈ રૂમની બારી છળી ગઈ.

આકાશ લઈને માથા ઉપર છત ઢળી ગઈ,
દીવાલ મારા મનના વિચારો કળી ગઈ.

એના બદનની આગથી ચાદર બળી ગઈ,
તકિયાને ટોળ કરવાની એક તક મળી ગઈ.

સિગરેટ એશટ્રેમાં બુઝાઈ ગઈ, અને
કોફીના કપમાં કાળી વ્યથા ઓગળી ગઈ.

પડછાયા સાથે ચાલતી શંકાની ડાકણો,
શેરી સુધી ગઇ અને પાછી વળી ગઈ.

શેરીમાં અન્ધકારના કૂતરા ભસી પડ્યા,
આકાશથી પ્રકાશની ડાળો લળી ગઈ.


0 comments


Leave comment