14 - લલકાર જોઈએ... / સ્નેહી પરમાર


ધ્રૂજે દિશાઓ એવો લલકાર જોઈએ,
પ્રત્યેક શબ્દમાં રણટંકાર જોઈએ.

ગજનાદ હો કલમમાં ને ટેરવામાં ચીસો,
છાતીમાં દોટ દેતા તોખાર જોઈએ.

અત્તરની બોટલોમાં રસ સ્હેજ પણ નથી,
ચોખ્ખી છે વાત આપણે આકાર જોઈએ.

નહિતર પ્રકાશની કશી કિંમત રહે નહીં,
દિવાની નીચે થોડો અંધાર જોઈએ.

દુશ્મનના રથ ઉપર પણ હો આપની કૃપા,
ઘમસાણ યુદ્ધ વચ્ચે પણ પ્યાર જોઈએ.

હા, બૂંગિયાની ઘટના અહીં પણ બની શકે,
મહેફિલમાં એટલે તો પરમાર જોઈએ.


0 comments


Leave comment