16 - કાવ્ય મસીહા... / સ્નેહી પરમાર


વસે છે અહીં પારધીના કબીલા,
પ્રગટશે અહીં કોઈ કાવ્ય મસીહા.

અહીં કોઈએ સત્યની ઓથ લીધી,
ખરીદી રહ્યું છે પણે કોઈ ખીલા.

જૂઓ વાદળાંઓનાં ટોળાં રમે છે,
નવા કૃષ્ણ-રાધા, નવી રાસલીલા.

તમે જે જગાને ગણો છો કલુષિત,
ફક્ત એજ જન્માવી જાણે છે હીરા.

ઊઠાવી ગયો એક ચહેરો ધુતારો,
હજી લાગણી માંડ થઈ તી સગીરા.

હજી ચાલતા તારો મોહન શીખે છે,
એ સરહદ ઉપર બેઠી છે એક મીરાં.


0 comments


Leave comment