18 - ચામડી..... / સ્નેહી પરમાર
ચામડીને ચંદ્રમુખી કહી અને ફૂલવી શકો,
ચામડીની જાત પૂછી લો અને મૂંઝવી શકો.
લો, કહો આ ચામડી વસ્ત્રો નથી તો બીજું શું?
ચામડી પહેરી શકો, ધોઈ શકો, સુકવી શકો.
ચામડીને ના ખબર ખુદના અસલ નિર્માણની,
તે છતાં પણ, ચામડીનો જન્મ દી ઉજવી શકો !
ચામડીમાં ચામડીનું બિંબ આબેહુબ મળે,
એ રીતે ઊટકો તમે, જો એ રીતે ઊટકી શકો.
ચામડીની સાત પેઢીમાં નથી કોઈ ભણ્યું,
તે છતાં, હુંડી લખે એ, ને તમે ચૂકવી શકો.
એક ટચલી આંગળીએ, ઊંચકો પર્વત કદી,
એક દિ એવું બને, ના ચામડી ઊંચકી શકો.
0 comments
Leave comment