19 - અચાનક ..... / સ્નેહી પરમાર


હવામાં લ્યે આકાર દેવળ અચાનક,
સમજણ બની જાય શ્રીફળ અચાનક.

પડે કાંકરી એક ખળખળ નદીમાં,
નદી આખ્ખી થઈ જાય સમથળ અચાનક.

ટકોરા સમી એક ઘટના બને તો,
ખૂલી જાય ભીતરની સાંકળ અચાનક

તું આવે ને થઈ જાય અંધારું, સઘળે,
ને મારી ફળીમાં હો ઝળહળ અચાનક

હવે હાથ ઝાલી મને અહીંથી લઈ જા,
મટી જાય લોકોની અટકળ અચાનક.


0 comments


Leave comment