21 - ગઝલ થઈ ગઈ..... / સ્નેહી પરમાર
પેન, કાગળ, આપનો અહેસાસ, ગઝલ થઈ ગઈ,
જ્યોતમાં પ્રગટ જરા અજવાશ, ગઝલ થઈ ગઈ.
મ્હેકનો સાગર થયો'તો એ ક્ષણે ઉપર તળે,
જુલ્ફનો ખૂલ્યો હજી જ્યાં પાશ, ગઝલ થઈ ગઈ.
એક ક્ષણ માટે મળી ગઈ’તી નજરથી જ્યાં નજર,
એક ક્ષણ માટે થંભી ગ્યા શ્વાસ, ગઝલ થઈ ગઈ.
છે તરસનું છેલ્લું ચરણ, આ નદી કોણે કહ્યું ?
એથી પણ આગળ વધીને પ્યાસ, ગઝલ થઈ ગઈ.
હા, હતો એવોય જાદૂ ‘સ્નેહી'ની ગઝલો મહી,
મૂકીને રાધા. અધૂરો રાસ, ગઝલ થઈ ગઈ.
0 comments
Leave comment