25 - રસ્તો શું છે ? ..... / સ્નેહી પરમાર
દેખ અજવાશમાં બકોરું છે,
શોધ કઈ બાજુ મીણ ઓછું છે.
માર્ગ એ ગામના જ જાણે છે,
આમ તો ગામ સાવ ઓરું છે.
ક્યાં નો રસ્તો છે એ જ પૂછે છે,
કોઈ પૂછતું નથી, રસ્તો શું છે?
એક બાજુ તમારી ઇચ્છા છે,
એક બાજુ અમારું હોવું છે.
હોય ત્રેવડ તો નાખ ભઠ્ઠીમાં,
‘સ્નેહી' તો સોળ આની સોનું છે.
શ્વાસ લઈ આવ્યા, શ્વાસ લઈ ચાલ્યા,
એ જ પામ્યા ને એ જ ખોયું છે.
સાંજ વેળા જ હાથમાં ચીતરું,
એમનું નામ એવું ગોરું છે.
0 comments
Leave comment