29 - ઊડવાનું છે..... / સ્નેહી પરમાર


રમણાઓ રસઘેલી લઇને ઊડવાનું છે,
માથે મધની થેલી, લઈને ઊડવાનું છે.

આળી આળી પાંખો ને ખરબચડું નભ છે,
લડવાની મુશ્કેલી લઈને ઊડવાનું છે.

રજકણ, ધુમ્મસ બાદ હવે છે સાતમો કોઠો,
ઝરમર ઝરમર હેલી લઈને ઊડવાનું છે.

ઊડવું તો છે હળવા ફૂલ થવાની ઘટના,
જંગ એ કપરો ખેલી લઈને, ઊડવાનું છે.

‘સ્નેહી’ આનંદથી રહેજો કહી ચાલ્યા અહીંથી,
મારે પાંખ સંકેલી લઇને ઊડવાનું છે.


0 comments


Leave comment