31 - વ્યર્થ છે..... / સ્નેહી પરમાર


વાદળાં મોસમનાં કોરાં વ્યર્થ છે,
સીમ સૂક્યા બાદ ફોરાં વ્યર્થ છે.

હાથ લાગે હાથને ખાલીપણું,
બંધ દરવાજે ટકોરા વ્યર્થ છે.

કાલ અજગર જેમ ભરડો લેય પણ,
આ સમયના હાર-તોરા વ્યર્થ છે.

શ્યામતા ના હોય તો મીરાં કહે,
ચાંદનીનાં અંગ ગોરાં વ્યર્થ છે.

એક પંખી બાગ છોડીને ગયું,
ફૂલના મઘમઘ કટોરા વ્યર્થ છે.

છે જમાનો રેશમી હરકત તણો,
લાગણીનાં પાણકોરાં વ્યર્થ છે.


0 comments


Leave comment