32 - ખુલ્લે આમ કહી દીધું ..... / સ્નેહી પરમાર
કહી દીધું અમે તો સાવ, ખુલ્લે આમ કહી દીધું,
તમે અમને ગમો છો જાવ, ખુલ્લે આમ કહી દીધું.
નથી આવડતા કોઈ દાવ, ખુલ્લે આમ કહી દીધું,
નગરમાં દાંડિયુ પિટાવ, ખુલ્લે આમ કહી દીધું.
પછી મારા ગુલાબી શર્ટને ઇલ્ઝામ તું દેજે,
તું તારી આંખને સમજાવ, ખુલ્લે આમ કહી દીધું.
તમારી આંખનાં વમળોમાં ડૂબી છે ડૂબાડી છે,
અમે સપનાં ભરેલી નાવ, ખુલ્લે આમ કહી દીધું.
તમે મળવાની બાબતમાં બહુ કંજૂસ થઈ ગયાં છો,
અમે થાક્યા કરીને રાવ, ખુલ્લે આમ કહી દીધું.
અમે ખુદને જ ખુદમાંથી ઉઠાવી ચાલવા થાશું,
પછી પૂછશે નહીં કો’ ભાવ, ખુલ્લે આમ કહી દીધું
0 comments
Leave comment