6 - ધીરે ધીરે વિસ્તરે છે ચાંદની / આદિલ મન્સૂરી


ધીરે ધીરે વિસ્તરે છે ચાંદની,
રાતને પાગલ કરે છે ચાંદની.

નીંદમાં ડૂબી ચૂકેલા શ્હેરને,
મુગ્ધ થઈ જોયા કરે છે ચાંદની.

રાતભર સુમસામ રસ્તાઓ ઉપર,
એકલી ફરતી ફહે છે ચાંદની.

રાતનીયે આંખ ઘેરાઈ ગઈ,
તે છતાં જાગ્યા કરે છે ચાંદની.

ચાંદ જોઈ યાદ આવો છો તમે,
તમને જોઈ સાંભરે છે ચાંદની.

આપને નીરખું કે નીરખું ચાંદને?
બેઉના મુખથી ઝરે છે ચાંદની.

ચાંદ તો ડૂબી ગયો દરિયા મહીં,
ને સપાટી પર તરે છે ચાંદની.


0 comments


Leave comment