35 - તકદીરની અદાથી ..... / સ્નેહી પરમાર
ઊંચી કરી નિગાહ બસ ફકીરની અદાથી,
આવી મળ્યો આ મત્લો પણ પીરની અદાથી.
ત્વચાના રાજમાર્ગો બન્યા ધન્ય ધન્ય ધન્ય,
નીકળ્યા છે આજ એ ફરવા રુધિરની અદાથી.
તે તો ધજાની જેમ દિશા ફેરવ્યા કરી છે,
ઊભો છું હું હજીયે ત્યાં મંદિરની અદાથી.
પૂજયા કરે છે આંખો મીંચીને એજ લોકો,
તસવીરનેય કાયમ, તસવીરની અદાથી.
ચાલ્યા જવાની વાતે, બીજું કશું થયું ના,
તૂટી ગયો ભરોસો તકદીરની અદાથી.
હું પણ મૂકી શકું ના બ્રહ્માસ્ત્રનો મલાજો,
ફેકે છે સ્મિત જયારે એ તીરની અદાથી.
0 comments
Leave comment