40 - ચાલી જશે ..... / સ્નેહી પરમાર
એક છત નીચે બનેલી વારતા ચાલી જશે,
એક રાજા એક રાણીની કથા ચાલી જશે.
ફૂલને લાગી જશે તાસીર પથ્થરની અને,
બાગમાંથી ઋતુઓની આવ-જા ચાલી જશે.
માછલી તટ પર તડપતી રહી જશે થીજી જશે,
લ્હેર તો દરિયાની છાતી ખૂંદવા ચાલી જશે.
તો પછી આ રંગ, પીંછી, ટેરવાં શાં કામનાં ?
જો કલાકારોને છોડીને કલા, ચાલી જશે.
એક ક્ષણ માટે મીંચી જાશે જો ‘સ્નેહી' આંખ તો,
વાંસળીનો સાથ છોડીને હવા, ચાલી જશે.
0 comments
Leave comment