48 - તો લખો ..... / સ્નેહી પરમાર
ફેણ દરિયાઓ ઉછાળે તો લખો,
એ પછી કાંઠો વટાવે તો લખો.
શૂળમાં ખૂંપેલ પીંછું જોઈને,
લોહીમાં ફફડાટ વ્યાપે તો લખો.
આવ-જા કરતી રહે બેઘર હવા,
જીવ અટકી જાય ઝાંપે તો લખો.
ના શબદ-દેવીને પણ વીનવો કદી,
એજ અંગૂઠો દબાવે તો લખો.
તો અલખ જેવુંય લખવું શક્ય છે,
વેદના ધૂણી ધખાવે તો લખો.
તો જ મૂળઘરમાં શબદ સ્થાપી શકો,
ખુદ મળો ખુદના પડાવે તો લખો.
પારણામાં એણે કહી,તી એ ગઝલ,
મા બની કોઈ સુણાવે તો લખો.
0 comments
Leave comment