50 - છાતી જઈએ છત્રીસની ..... / સ્નેહી પરમાર


રેતીમાં ઘર ચણવા માટે છાતી જોઈએ છત્રીસની,
આંધીને નોતરવા માટે છાતી જોઈએ છત્રીસની.

મરતાં મરતાં જીવવા માટે તૂટેલી કાયા બસ છે,
જીવતાં જીવતાં મરવા માટે છાતી જોઈએ છત્રીસની.

હોડી, સઢ, પતવાર, હલેસાંની તો ઐસી તૈસી,
ખાલી દરિયો તરવા માટે છાતી જોઈએ છત્રીસની.

સાવ સરળ છે કામ અરીસો બનવાનું ને સજવાનું,
દર્પણ ખુદને ધરવા માટે છાતી જોઈએ છત્રીસની.

એક પગથિયું પણ શક્યા નહીં ચઢી, ઈડરિયો જીતનારા,
છાતીને સર કરવા માટે છાતી જોઈએ છત્રીસની.

સૂરજ જેવી લાલચટક આ શક્યતાના મંડપમાં,
મીણપરીને વરવા માટે છાતી જોઈએ છત્રીસની.


0 comments


Leave comment