14 - ધરતીને આભ કરવાના મનમાં ઉમંગ છે / આદિલ મન્સૂરી


ધરતીને આભ કરવાના મનમાં ઉમંગ છે,
દીવાનગીને જોઈને બુદ્ધિ યે દંગ છે.

આકાશને સજાવ્યું છે તારાનાં તોરણે,
સૂરજનું મોત જાણે ખુશીનો પ્રસંગ છે.

એ જાય છે તો એને હું રોકી નહીં શકું,
એ વાત છે જુદી કે એ જીવનનું અંગ છે.

મેંદીને રક્તથી હું જુદી શી રીતે કરું ?
મુજ દિલ ને તારા હાથ ઉભય એકરંગ છે.

મૃત્યુ સિવાય પૂરી નહીં થાય આ ગઝલ,
ચારે તરફથી કાફિયો જીવનનો તંગ છે.

'આદિલ', મેં એક એવીય વ્યક્તિને જોઈ છે,
છાયામાં જેની મેઘધનુષ કેરા રંગ છે.


0 comments


Leave comment