54 - પીડા ..... / સ્નેહી પરમાર


આપી નથી અવરને કદી સંઘરી નથી,
કુબજા નથી પીડાતો, બેશક પરી નથી.

પીડાનો એક અર્થ તારી ગેરહાજરી,
પીડાનો લાખ અર્થ તારી હાજરી નથી.

એવું તો શું ઘટે છે મારા રક્તમાં હજી,
તલવાર દુશ્મનોની હજી થરથરી નથી.

જન્મે છે જ્યાં હજી કશુંય ઠોસ નિર્વિવાદ,
પીડા હજીય મૂળ સુધી વિસ્તરી નથી.

પીડાના સંદર્ભો તો દોસ્ત જન્મજાત છે,
પીડા સમયની સાથે ફેરા ફરી નથી.

ઇચ્છા પ્રથમ ચરણ પીડાનું હોય તો ભલે,
મૃત્યુય આ સફરનું ચરણ આખરી નથી.


0 comments


Leave comment