1 - પરિચય / પીડા પર્યંત / સ્નેહી પરમાર
શ્રી સ્નેહી પરમાર મિલનસાર સ્વભાવને કારણે વિદ્યાર્થીઓમાં, શિક્ષક ગણમાં, કવિ મિત્રો અને આગેવાનો સાથે તેમજ શહેરની વિવિધ સંસ્થાઓમાં કોઈને કોઈ રીતે સંકળાયેલા રહી સર્વના સહૃદયી મિત્ર તરીકે સ્થાન પામ્યા છે. એટલે જ તેમનું ઉપનામ ‘સ્નેહી’ યથાર્થ છે. તેઓ અહીંની મેઘાણી સાહિત્ય વર્તુળ નામની સંસ્થામાં જોડાઈ સક્રિય કાર્ય કરી રહ્યાં છે. શ્રી પરમાર સભા સંચાલનના માહિર ગણાય છે. ઉદઘોષક તરીકે સારી નામના મેળવી છે. શહેરના કોઈપણ કાર્યક્રમમાં તેમની હાજરી અચૂક હોય જ. આમ બહુમુખી પ્રતિભા ધરાવતા સ્નેહી પરમારે નાની ઉંમરમાં મોટું કાઠું કાઢ્યું છે જે તેના ઉજળા ભવિષ્યનું પાસું છે.
શ્રી સ્નેહી પરમારની સર્જન યાત્રાનો સાક્ષી છું એટલે તેમનો પરિચય લખવાનું મારા ભાગે આવ્યું તેનો આનંદ છે. તેઓ અહીં આવ્યા પછી કલમ ઉપાડી તેમ કહી શકાય, કારણ કે આ પ્રથમ સંગ્રહની લગભગ રચનાઓ બગસરામાં જ લખાઈ છે. તેઓને પીડા અને અંધકાર વિષે વધુ ખેંચાણ છે, તેથી તેઓ અંધારનો મહિમા ગાતા લખે છે...
‘નહીંતર પ્રકાશની કશી કિંમત રહે નહીં,
દીવાની નીચે થોડો અંધાર જોઈએ.’
તેમની રચનાઓમાં સંવેદનાઓ અને સંવાદ સુપેરે ડોકિયા કરે છે. એટલે જ તેમણે સંગ્રહનું નામ ‘પીડા પર્યત’ રાખ્યું હશે, તેઓ પીડા વિષે જુદી રીતે જ વાત કરે છે...
'આંખથી દદડી રહી છે એક ધારા,
છેક ભીતરમાં ઝરણને ઠેશ લાગી.’
શ્રી સ્નેહીએ કાવ્ય ક્ષેત્રે ગઝલોમાં વધુ કામ કર્યુ છે. ગીતો, સોનેટ અને અછાંદસમાં પણ હાથ અજમાવ્યો છે. તેમની ગઝલો મેઘધનુષ જેવી સપ્તરંગી લાગે છે, તેમાં ક્યાંક ક્યાંક ભગવા રંગના છાંટણા પણ દેખાય છે. આમ કવિતાને સિધ્ધ કરવાની તેમની મથામણ તેમને કવિતાના ઉંચા શિખરે પહોંચાડશે તેવી શુભેચ્છાઓ સાથે તેમની એક શેર વંચાણે લઈ તેમના કાવ્ય સંગ્રહને હૃદયથી આવકારીએ.
‘હોય ત્રેવડ તો નાખ ભઠ્ઠીમાં,
‘સ્નેહી’ તો સોળ આની સોનું છે.’- શિવજી રૂખડા (બગસરા)
0 comments
Leave comment