2.1.1 - નીતિન મહેતાની કવિતાનું સંવેદન અને વિષયવસ્તુ / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   આ સંગ્રહની કાવ્ય રચનાઓ સંદર્ભે નીતિન મહેતાનું કથન નોંધવા જેવું છે. ૧૯૬૯ થી ૧૯૮૬ સુધીની રચનાઓમાંથી કેટલીક અહીં પસંદ કરીને મૂકી છે. ઇતિહાસ ને વર્તમાન બંનેની ગતિનો ઊંચો કે નીચો ગ્રાફ કેવો દોરાયો છે ને સમય કેવો ઝિલાતો આવ્યો છે તેની જાણકારી પણ આ નિમિત્તે થાય. કેટલાક શબ્દો અલગ અલગ વાસ્તવના સંદર્ભો રૂપે વારંવાર પ્રયોજાયા છે. ચિત્તમાં જન્મતા પદાર્થ અને સમયના કેન્દ્રોની બદલાતી રેખાઓ જોવા માટે આ પુનરાવર્તન શક્તિ છે કે સીમા તેની નિર્મમતાથી તપાસ થઇ શકે. આખરે તો કવિતા જ બોલશે. નિજ ભાષામાં.’’ (નિર્વાણ, નીતિન મહેતા, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯, ૧૯૮૮, પ્રકાશક : મહેન્દ્ર શાહ, ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, મૂ.રૂ.૧૧૯)

   આમ ઉપરોકત વિધાનમાં આપણને સંકેત મળી રહે છે કે આ સંગ્રહની રચનાઓમાં વિષયો કેવી રીતે પુનરાવર્તન થઈને આવે છે. આ સંગ્રહમાં કુલ ચુમ્માલીસ રચનાઓ છે. એના વિષયો અને સંવેદનોમાં વ્યાપકતા તેમ જ વિવિધતા છે. કવિએ મુંબઇ નિવાસ કર્યો છે માટે મુંબઈના સામાન્ય માણસના લોહીમાં વણાઇ ગયેલી મુંબઇની લોકલ ટ્રેન વિશે આ સંગ્રહમાં કાવ્યો છે. ઉપરાંત મૃત્યુ, દરિયો, ચુસાયેલો ગોટલો, ઉકરડો, કવિતા, જેવા વિષયો અને એ સંદર્ભે કવિનું નિજી સંવેદન આલેખાયેલું છે. ‘ટ્રેન વિશે’ કાવ્યમાં કવિ લખે છે :
‘પ્રિયે
તું અને ટ્રેન બંને
ઘણીવાર તો સાથે જ
યાદ આવો છો
વિચારું છું
સવારે નવ ને એકવીસની
બડા ફાસ્ટ સમયસર તો હશે ને ?
હાડકાઓમાંથી
એક ટ્રેન અડધી રાતે
પસાર થઇ જાય છે
તું યાદ આવે છે ને ટ્રેન જેવી. ‘
(નિર્વાણ, નીતિન મહેતા, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯, ૧૯૮૮, પૃ.૪)
   આગળ કહ્યું તેમ અહીં જોઇ શકીએ કે મુંબઈની ટ્રેન જીવન સાથે કેવી રીતે વણાઇ ગઇ છે. માણસની રોજ-બરોજની જીવનચર્યા અને માનવીય સંબંધો ટ્રેન ઉપર અવલંબાયેલા છે, માટે ટ્રેન અને પ્રિયે બન્ને સાથે જ યાદ આવે છે. પ્રિયેની અસ્તીત્વ જેમ સાથે વણાઇ ચૂકી છે. ટ્રેન વિશેના એવા જ બીજા એક કાવ્યમાં ટ્રેનનાં ભીતરનું વાતાવરણ લોકોના વ્યવહારોનું વાસ્તવદર્શી ચિત્ર આલેખાયું છે:
‘બોરીવલીથી
સાડા નવની ફાસ્ટ ટ્રેન
ધક્કામુક્કી
સંસાર હૈ ઐસા ચલતા હૈ
ઓહો ઘણા વખતે મળ્યા નહીં ?
કેમ મજામાં ?
શું હેં.... હેં.... હેં....
હા..હા... હા... ખી ખી ખી
હા..હા... હા... ખી ખી ખી
હાક થૂ...
સાલા ઓરિત કી મશકરી કરતા હૈ
ગરમી વધુ પડે છે
સાલી ગવર્મેન્ટ ખરાબ છે.
હાક છીં
અંબે માત કી જે
છાપાનું જરા બીજું પાનું આપોને
એ ય ગાંડું તેરી મા બેન હૈ કી નહીં ‘
(નિર્વાણ, નીતિન મહેતા, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯, ૧૯૮૮, પૃ.૧૮)
   અહીં એક પછી એક વાક્યોને કાપી જુદા સંદર્ભોવાળા વાક્યોથી કાવ્ય નિપજાવ્યું છે. દરેક પંક્તિનો પોતાનો જુદો સંદર્ભ છે. એક પંક્તિ એની આગળની કે પાછળની પંક્તિ સાથે કોઇ સંદર્ભથી જોડાયેલી નથી આમ છતાં આખું કાવ્ય ટ્રેનના ડબ્બામાં બનતી રોજ-બરોજની ઘટનાઓ, પ્રશ્નોનો વાસ્તવિક ચિતાર આપે છે અને એનું મુખ્ય કારણ છે : નીતિનભાઇએ પ્રયોજેલી વાતચીતની ભાષા. મુંબઈની ટપારીઓની ભાષાથી માંડી સામાન્ય વાતચીતની માનવીની ભાષા પ્રયોજી કાવ્ય નિપજાવ્યું છે. આ સંગ્રહની ઘણી રચનાઓમાં જાતીય સંવેદન-આદિમ આવેગોને કલારૂપ મળ્યું છે. ‘અંતે’ કાવ્ય અરૂઢ શૈલી તેમ જ કલ્પનોના સફળ વિનિયોગથી આસ્વાદ્ય બન્યું છે:
‘તને જોતા મારામાંથી
સમુદ્ર ઊછળીને પંખી બની
તારી છાતી પર બેસી જાય છે
મારી આંખોમાં
થીજી ગયેલી નદીઓ વંટોળિયો થઈ
તારા શરીર પર ફરી વળે છે.
ઝેર પાયેલા મારા હાથથી
તને જગ્યાએ જગ્યાએ દંશ દઉં છું’
(નિર્વાણ, નીતિન મહેતા, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯, ૧૯૮૮, પૃ.૧૮)
   પંખીનું સમુદ્ર બનીને ઊછળી જવું, થીજી ગયેલી નદીઓ વંટોળિયો થઇ શરીર પર ફરી વળે, ઝેર પાયેલા હાથથી જગ્યાએ જગ્યાએ દંશ દેવા, જેવા કલ્પનોમાં આદિમ આવેગોને વિશિષ્ટ કલારૂપ મળ્યું છે.

   મૃત્યુ એ મનુષ્યના ચિંતનનો સનાતન વિષય રહ્યો છે. દરેક વિચારક-સંવેદનશીલ વ્યક્તિના મનમાં મૃત્યુનું ચિંતન ચાલતું હોય છે. આધુનિકયુગમાં તો આ વિષયવસ્તુ સાહિત્યના વિષયનું એક મહત્ત્વનું પરિબળ રહ્યું છે. સુરેશ જોષીના સાહિત્યમાં આપણે મૃત્યુના સંદર્ભો વારંવાર આવતા જોઇ શકીએ છીએ. નીતિન મહેતા પણ ‘મૃત્યુ’ કાવ્યમાં લખે છે:
‘હું મરણ પામું એ પહેલાં મને
કેટલાક રોગ થાય તો
મને ઘણું જ ગમે.
ત્વચા પર પવન કરવત
ફેરવતો રહે
આંખમાં પીળું ઘર બંધાતું જાય
પાકી ઇંટો વચ્ચેથી આવતી
દમિયલ હવા મારા
શ્વાસને સ્ટીલના બનાવી દે
તો મને ઘણું ગમે. ‘
(નિર્વાણ, નીતિન મહેતા, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯, ૧૯૮૮, પૃ.૧૧)
   મૃત્યુ પહેલા ચિત્તમાં ચાલતા સંચલનો અહીં નવીન કલ્પનો દ્વારા મુકાયા છે. ત્વચા પર પવનની કરવત, આંખમાં પીળું ઘર, દમિયલ હવા જેવા રોગ અને વૃદ્ધાવસ્થાના શારીરિક પ્રશ્નોને જાણે આનંદથી સ્વીકારવાના હોય તેમ કવિ આલેખે છે. એક રીતે અહીં સહજનો સ્વીકાર છે તો હોવાપણાની પીડા છે. નીતિન મહેતાની કવિતાના સંવેદન વિશે મણિલાલ હ. પટેલ લખે છે:
‘નીતિનની કવિતામાં હોવાની પીડા અને હોવાપણાની અર્થહીનતાના સંકતો મળે છે. નગરજીવનનું ‘એબસર્ડ’ એ વર્ણવે છે. જિન્દગી છેવટે થકવી દે છે ! મારા આ સમકાલીનોનું અછાંદસ પણ આધુનિકો કરતાં વધારે નોખું અને પ્રત્યાયન હોવા સાથે અર્થપૂર્ણતા પણ ધારે છે.’
(કવિતા : કાલની આજની, મણિલાલ હ.પટેલ, પૃ.૧૭)
   મૃત્યુ વિશેના આ જ કાવ્યમાં જુગુપ્સાપ્રેરક કલ્પનો દ્વારા શરીર સાથે જોડાયેલી પીડાઓ તીવ્ર રીતે અભિવ્યક્ત થઇ છે:
‘પાંડુર ચંદ્ર મારાં અસ્થિઓના
પોલાણમાં રહેવા આવે
મારાં સફેદ આંગળાંઓમાંથી
બણબણ કરતી માખીઓ ઊડે
ત્યારે નખની વચ્ચે ધીમું ધીમું
ઘાસ ઊગે તો મને ઘણું જ ગમે.
કદાચ હું જ ‘ ધ સેવન્થ શીલ’ ના
નાયકની જેમ દાવ ખેલી લઉં
અને શતરંજનાં પ્યાદા ગતિ
કરે જ નહીં તો મને જરા પણ ન ગમે
પણ હું શતરંજની ચાલ ચાલતો હોઉં’
(નિર્વાણ, પૃ.૧૨૭)
   આ કાવ્યમાં ‘સફેદ આંગળામાંથી બણબણ કરી માખીઓ ઊડે’ એમ જુગુપ્સાપ્રેરક કલ્પન સાથે જ ‘નખની વચ્ચે ધીમું ધીમું ઘાસ ઊગે’ જેવા વિરોધાભાસી કલ્પન દ્વારા કવિએ એ પીડાઓ સાથે જ જીવન અને આનંદનો પણ મહિમા કર્યો છે. વળી ‘ધ સેવન્થ શીલ’ ફિલ્મના નિર્દેશ દ્વારા એમાં આવતી મૃત્યુની વાત કાવ્યના વિષય સાથે અનુસંધાન સાધે છે. દુનિયાના મહાન ફિલ્મ દિગ્દર્શકોમાંના એક ઇંગમાર બર્ગમેન (સ્વીડન)ની પ્રસિદ્ધ ફિલ્મ ‘ધ સેવન્થ શીલ’ મૃત્યુ પર આધારિત છે. આ ફિલ્મમાં નાયક ઉમરાવનો જીવ લેવા માટે યમ આવે છે. ઉમરાવ યમને શતરંજ રમવા માટે આમંત્રિત કરે છે એને ખબર છે કે યમને શતરંજ રમવી ગમે છે. પણ સાથે સાથે એ શરત કરે છે કે જ્યાં સુધી રમત ચાલે ત્યાં સુધી યમરાજે એનો જીવ લેવો નહીં, અને જો પોતે શતરંજમાં જીતી જાય તો યમરાજે તેને છોડી દેવો. આમ મૃત્યુને હાથતાળી આપવાની વાત ફિલ્મમાં છે. કાવ્યમાં તો નાયકને જો પ્યાદા ગતિ ન કરે તો ન ગમે કારણ કે એને તો મૃત્યુ જોઇએ છે. એટલે ફિલ્મના સંદર્ભનો સફળ વિનિયોગ કાવ્યમાં થયો છે.

   ‘જાજરૂની માખી’ ‘ચુસાયેલા ગોટલો’ જેવા ઉમાશંકર, સુન્દરમને હાથે ગાંધીયુગમાં લખાયેલા કાવ્યો અને સંવેદનની વિડંબણારૂપ કાવ્યો નીતિન મહેતા એ લખ્યા છે.
‘સંડાસનું બારણું શરીરની લીલાથી
રોજ રોજ ખોલવું જ પડે
આજે પણ બારણું ખોલતાં જ
મેં એક માખી જોઇ
તે મારા પગમાં પડી
અને વિનંતિના સ્વરે કહે
કવિવર! મને મોક્ષ આપો
પહેલાં તો મેં નાકનું ટેરવું ચઢાવ્યું
ઊંહ...
ત્યાં ગાંધીજી યાદ આવ્યા
મને કહે : વત્સ સમાનતાનો ભાવ રાખ
મારામાં નમ્રતાનો જુસ્સો આવ્યો
જય નર્મદ, યાહોમ કરીને
મેં માખી પર પેશાબ કર્યો
માખી મારા ગંગાજળમાં
ડૂબકાં ખાતી તરી ગઇ
આમ ગાંધીજીનો વાસનામોક્ષ થયો
બહાર આવ્યો
જોયું તો એક માખી ઊડતી હતી’
(નિર્વાણ, નીતિન મહેતા, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯, ૧૯૮૮, પૃ.૩૧)
   જુગુપ્સાપ્રેરક વિષયો પર કવિતા કરવી એ આધુનિકતાનું એક લક્ષણ રહ્યું છે. ગાંધીજી વિશે ગાંધીયુગમાં ઘણાં કાવ્યો લખાયા, જેમાં તેમના સત્ય, અહિંસા, પ્રેમ જેવા જીવન મૂલ્યોને કાવ્યોમાં ઉતારવાનો પ્રયત્ન થયો પણ આધુનિકયુગમાં ગાંધીજી કવિતામાં જુદા સંદર્ભે આવ્યા. જેમ કે લાભશંકર ‘તડકો’ કાવ્યમાં ‘તડકો ગાંધીજીની ટાલ’ એવું કલ્પન આપે છે. અહીં માખી કાવ્યનાયકના ‘ગંગાજળ’માં ડૂબકા ખાતી તરી ગઇ બનાવી ગાંધીજીનો વાસનામોક્ષ થતો આલેખ્યું છે. કવિ આધુનિક સમયમાં થયેલો મૂલ્યહાસ વિડંબનાના સૂરમાં મૂકવા માંગે છે. પણ અહીં તો ગાંધીજીની વિડંબના થાય છે, જે ઉચિત નથી. કાવ્ય સમગ્રને જોતા કાવ્યત્વ જેવું કંઇ નક્કર અહીં નિપજતું નથી અને આ કાવ્યમાત્ર આધુનિકતાવાદી પ્રયોગોની કક્ષાએ રહીં જાય છે.

   આ ઉપરાંત ‘નિર્વાણ’ તથા તે પછી વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલાં કાવ્યોમાં દરિયો, ઘર, પ્રવાસ, મન જેવા કાવ્યોમાં નિજી મથામણો અને નગરજીવનના વિષયો અને સંવેદનો આલેખાયા છે.

   મુંબઇ છોડીને નીતિન મહેતા સાત-આઠ વર્ષ માટે મ.સ. યુનિવર્સિટી, વડોદરામાં જોડાયા પણ પછી પાછા મુંબઈ યુનિવર્સિટીમાં ગયા. આ સંવેદનને વ્યક્ત કરતી નીતિન મહેતાની ચાર-પાંચ રચનાઓ એક સ્થિત્યંતર જેવી છે. મહાનગર પણ માણસની નશોમાં કેવું તો ઘર કરી જાય છે. ખારા જળનું માછલું જાણે મીઠા જળમાં રહી શકતું નથી. આ સંદર્ભે ‘આવી ગયોને’ કાવ્ય જોવા જેવું છે. એજ રીતે ધૂળ જેવા વિષય પર લખાયેલી એમની કવિતા ‘ધૂળ’ જે રીતે વ્યાપક બનીને આવે છે સાથે સાથે એના સૂક્ષ્મ અને સંકુલ અર્થો પ્રકટાવે છે એ પણ નીતિનભાઈની કવિદૃષ્ટિનો વિશેષ છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment