2.1.2 - નીતિન મહેતાની કવિતાની અભિવ્યક્તિરીતિ / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   મેં આગળ કહ્યું તેમ નીતિન મહેતા સમયની દૃષ્ટિએ આધુનિકોત્તર કવિ હોવા છતાં એમની કવિતા આધુનિકતા તરફના ઝોકવાળી છે. એ વિધાન અભિવ્યક્તિ સંદર્ભ પણ એમની કવિતા માટે એટલું જ લાગું પડે છે. એમની અછાંદસ રચનાઓ એમના પુરોગામીઓ સુરેશ જોષી, ગુલામ મહોમ્મદ શેખ, લાભશંકર ઠાકરથી રચનારીતિની દૃષ્ટિએ કોઇ ખાસ જુદી પડતી નથી પણ એ કવિઓ કરતા વધારે અર્થક્ષમ જરૂર છે. જેમ કે: ‘યાત્રા’ કાવ્યમાં:
‘સવારે રસ્તા પર
ચાલતો હતો
ને સામેની બારીમાંથી
કાચની જેમ હું તૂટી ગયો
તો બાજુની ગલીના વળાંકમાંથી
હું નીકળ્યો ત્યાં તો પેલા
પીળા ઘરના
ડાઇનીંગ ટેબલ પર બેઠો બેઠો
સૂપ પીતો હું
મકાનને ત્રીજે માળે ફિટિંગ કરતા
લાલ મજૂરની જેમ કાળું ધડ઼ કરતો
હું ખડી ગયો.
હાથ હવામાં છૂટી ગયો
કાનમાં ખળખળ કરતો દરિયો
ફાટી પડયો
રાત્રિના જળના કાંઠા પર પીળું
ઘર બની લાલ મજૂરનું મોજું ફેકાઈ ગયું.’
(નિર્વાણ, નીતિન મહેતા, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯, ૧૯૮૮, પૃ.૪૨)
   આ કાવ્યમાં કાવ્યનાયકની સવારથી રાત્રિ સુધીની ગતિવિધિ માત્ર ગતિવિધિ પૂરતી મર્યાદિત ન રહેતા એક યાત્રા બની જાય છે. નીતિનભાઇની કવિતામાં આાંતરપાઠ નો પણ સફળ વિનિયોગ થયો છે. આ સંદર્ભે ‘ગાય’ કાવ્ય જોવા જેવું છે, તો ‘પ્રવાસ’ કાવ્ય એમાં રહેલી અભિવ્યક્તિરીતિ, કલ્પન-પ્રતીકોના ઉચિત વિનિયોગ દ્વારા આસ્વાદ્ય બન્યું છે.
‘થયો છે પ્રવાસ શરૂ
તારાથી મારા સુધીનો
મારાથી મારા સુધીનો
વચ્ચે હશે એક નદી
જે ઓળગી તું
આવશે મારી પાસે
હું ફકત ખીણમાં ઊભો રહીશ
મારી જ પાસે એકલો
તું આવશે અને
કયાંકથી ફૂટશે અવાજો
કયાંકથી ધૂમરી ખાતાં નગરો
વિખરાશે આંખોમાં
નસમાં ગૂંચળું વાળી પડેલાં
સપનાંઓને ઊગશે વાણી
આ બધા તને પહોંચાડશે
તારાથી મારા સુધી? ‘
(નિર્વાણ, નીતિન મહેતા, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯, ૧૯૮૮, પૃ.૪૦)
   કાવ્યની શરૂઆતમાં જ આવતી પંક્તિ ‘થયો છે પ્રવાસ શરૂ /તારાથી મારા સુધીનો/ મારાથી મારા સુધીનો’માં જ કવિની સર્જનાત્મકતાનો ઉન્મેષ દેખાય છે. સામાન્ય કવિ તારાથી મારા પછી મારાથી તારા સુધી એ પ્રકારની પંક્તિ યોજના કરે પણ અહીં તો મારાથી મારા મૂકી ખરા અર્થમાં પ્રિયને પામવું એટલે પોતાને પામવું જેવું દર્શાવી ‘પ્રવાસ’નું મૂલ્ય ઊંચકી લીધું છે. વળી આગળ આવતું કલ્પનઃ
‘કદાચ તારાથી મારા સુધી
આવતાં બધાં થઇ જશે પંખીઓ
અને લોહીનો બદલાતો રંગ બની
સમાઈ જશે મારી છાતીમાં’
(નિર્વાણ, નીતિન મહેતા, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯, ૧૯૮૮, પૃ.૪૧)
   માં સંવેદનની ભીનાશ લઈને આવે છે. એટલે શરૂઆતથી જ અભિવ્યક્તિની ઉપરોકત વિશેષતાઓના કારણે આ કાવ્ય સંગ્રહના અન્ય કરતાં નોખું સંવેદન નીપજાવે છે.

   કવિતા કેતા સમગ્ર સાહિત્ય કે કળા સ્વરૂપ લાધવાની કળા છે. પ્રસ્તારને અહીં સ્થાન નથી. કવિની અભિવ્યક્તિરીતિ એને પ્રસ્તારમાંથી ઉગારે છે. હજારો-લાખો વર્ષના સમયપટ પર ફેલાયેલી માનવ ઉત્ક્રાંતિને નીતિન મહેતા એક નાનકડા કાવ્ય ‘હવે’ માં બધ્ધ કરે છે.
‘પહેલા કેટલું સારું હતું
બધું એક એક હતું
એક વિચાર એક અર્થ
એક સમાન ભાવના
સાથે- સાથે ભય પ્રેમ યુદ્ધો
પૂર્વજો ખરેખર સુખી હતા
પછી ચાલી નીકળ્યા
પછી હોડીમાં દરિયો હંકારી ગયા
પછી પીઠમાં નગરો વસાવ્યાં
ઉઝરડાઓ
અંદર છોલાયા
પણ મડદું ખભા પર હસતું હસતું
ફરતું રહ્યું
જવાબો ન મળ્યા
હલેસા તૂટયાં.
....ચિત્તને શાખા પ્રશાખાઓ ફૂટી
નદીઓએ વહેણો બદલ્યાં
યુદ્ધોએ નકશા’
(નિર્વાણ, નીતિન મહેતા, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯, ૧૯૮૮, નિવેદન)
   આધુનિક કવિતા અભિવ્યક્તિ કેવી તો પ્રતીકાત્મક, સૂક્ષ્મ અર્થ મર્મગામી હતી એ આપણને આ રચનામાં દેખાય છે. અહીં એક એ વાત પણ નોંધી લઇએ કે ‘નિર્વાણ’ પછીની, નીતિન મહેતાની સામયિકોમાં છપાયેલી રચનાઓમાં અભિવ્યક્તિની કોઇ નવી રીતિઓ કે સ્થિત્યંતરો મળતા નથી.

   ‘નિર્વાણ’ સંગ્રહનું પ્રથમ કાવ્ય ‘એક પત્ર’ અભિવ્યક્તિ રીતિ સંદર્ભે ધ્યાન ખેંચે તેવું છે:
‘કાચીંડો તે જ આ શહેર હું અહીં, તું ત્યાં, વચ્ચે
રઝળે છે મારા-તારા કેટલાયે અવશેષો. બધુ બદલાતું
જાય છે - સુખની જેમ, આકાશની જેમ. સ્વપ્નની બોદી
દીવાલોના રણકારને પીઉં છું આંખોથી અને ત્વચા પર
ખખડે છે વર્તમાનની એક એક ક્ષણ. ‘પછી શું ?’ નું
અવતરણ સતત પીંડે છે મારી આ એક ક્ષણને.’
(નિર્વાણ, નીતિન મહેતા, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯, ૧૯૮૮, પૃ.૧)
   પત્ર રૂપે લખાયેલા ઉપરોકત કાવ્યમાં સંવેદન પ્રેમ છે, પણ પરંપરાગત પત્રોથી જુદી એની ભાષા તથા રીતિ છે. આજ કારણથી એ કાવ્ય બને છે. અહીં શહેરને કાંચીંડો બતાવ્યું છે. કાવ્યનાયક ‘નીતિન’ની એકલતા, નગરની ભીષણતા, પ્રિય સાથેનું દૂરત્વ ‘સ્વપ્નનની બોદી દીવાલોના રણકાર/મારી વાતો શ્વાસ થઇ પ્રતિબિમ્બાય છે/હું શબ્દોથી વિશેષ કશું લંબાવી શકતો નથી તારા તરફ/ તારા માટે થોડી ક્ષણો મેં સાચવી રાખી છે.’ જેવાં કલ્પનો, કાવ્યખંડોમાં કાવ્યરૂપ પામી છે. એક રીતે આ કાવ્ય અછાંદસ અને ગદ્યકાવ્યના સીમાડાઓમાં એકરૂપ થતું કાવ્ય છે.

   એ જ રીતે દરિયા સાથેના સંવેદનની વાત હોવા છતાં દરિયો ૧-૨-૩ એમ દરિયાના જુદા જુદા ચિત્રો સાથે ગ્રીક મિથ ઓર્ફિયસ, સિસિફસના સંદર્ભોથી અભિવ્યક્ત પામી છે. આમ અભિવ્યકતની તિર્યકતા અને- પ્રત્યાયનક્ષમતા આધુનિકતા તરફ ઢળેલા હોવા છતાં નીતિન મહેતાને આધુનિકોથી જુદા પાડે છે. નીતિન મહેતાની કવિતાની રચનારીતિ સદર્ભે. રાજેશ પંડ્યાનું વિધાન યોગ્ય છે :
‘નીતિન મહેતાની કવિતાનો બીજો વિશેષ અછાંદસ રચનારીતિ છે. છાંદસ કે ગેય સ્વરૂપોને બદલે માત્ર અછાંદસ સમાજ અભિવ્યક્તિ માટેના પડકારો ઉઠાવ્યા છે. એટલું જ નહીં, અછાંદસની શક્યતા તાગવાની (અને પ્રગટાવવાની) ગંભીર મથામણો પણ કરી છે. અછાંદસ રચના માટે તેઓ પ્રતીક-કલ્પન જેવી આધુનિક પ્રયુક્તિઓ પ્રયોજે છે ખરાં, પરંતુ કલ્પન-પ્રતીકના ભારણથી તેમની કવિતા દબાઇ જતી નથી. અભિવ્યક્તિમાં વૈવિધ્ય જળવાય એ માટે કથનાત્મક અને નાટ્યાત્મક પ્રયુક્તિઓ તેમણે કાવ્યોકારક રીતે પ્રયોજી છે. આમ અછાંદસની જુદી જુદી સંરચના સિધ્ધ કરતાં તેમનાં કાવ્યો, સંવેદનનું નવું નોખું સંયોજન પણ રચે છે.’
(રાજેશ પંડ્યા, એતદ્- નીતિન મહેતા વિશેષાંક, સપ્ટેમ્બર ૨૦૧૦, પૃ.૪૯)
(ક્રમશ :...)


0 comments


Leave comment