2.1.3 - નીતિન મહેતાની કવિતાની ભાષા સંરચના / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   ભાષા દરેક કવિની બલકે મનુષ્યની કસોટી કરે છે. પોતાના ચિત્રમાં ઊઠતાં સંચલનો-સંવેદનોને કાવ્યરૂપ આપવામાં ભાષા હંમેશા પડકારરૂપ રહી છે. ભાષા જેમ સાધન છે એમ સાધ્ય પણ છે. વાત આપણે ત્યાં સુરેશ જોષીના સમયથી સ્વીકારાતી રહી છે. ‘અનંતયાત્રા’ કાવ્યમાં નીતિન મહેતાએ પોતાનાં નિજી સંવેદનોનાં, ભાવ પરિસ્થિતિ માટે ઉપયોગ કર્યા છે.
‘ચાલ્યા કર
બેસવાનું જ નહીં
ના
ઊભવાનું પણ નહીં
ના
ઊંઘવાનું
હા
પણ ચાલતાં તો રહેવાનું જ....
...મારે શું તરતાં જ
રહેવાનું
હા
આકાશ સામે જોવાનું
ના
ઊડવાનું
ના
ઊંડું તો
ઉડાવીશ...
.... આંખો મનમાં ચાલ
મન ઘરમાં ચાલ
ઘરમાં મન ચાલ
પગમાં પાણી ચાલ
ચાલ ચાલ ચાલ’
(નિર્વાણ, પૃ.૪૮-૪૯)
   માણસની ઉત્ક્રાંતિ અને નિયતિ એટલે માત્ર ને માત્ર ચાલ્યા કરવું આ પરિસ્થિતિને શબ્દબધ્ધ કરવા કવિ ભાષાના અવાજનો સહારો લે છે. પ્રાસયોજના દ્વારા અછાંદસનો એક લય નિપજાવે છે. જેમકે ‘મન ઘરમાં ચાલ/ ઘરમાં મન ચાલ/ પગમાં પાણી ચાલ/ ચાલ ચાલ ચાલ’ તો સાથે સાથે પંક્તિ કે શબ્દોના વ્યુત્ક્રમ દ્વારા કથિતવ્યને ધારદાર બનાવ્યું છે. માણસના અસ્તિત્વ સાથે જોડાયેલ જ્ઞાન કેવી પીડા આપે છે, અને એ પીડાની અભિવ્યક્તિ માટે ભાષાકીય મથામણ કેવી હોય છે એ સંદર્ભે નીતિન મહેતાનું વિધાન જોવા જેવું છે:
‘કવિતાની પ્રક્રિયા સંકુલ છે. તેના સન્દર્ભો અને અર્થઘટનો સમયે સમયે નવા વાસ્તવરૂપે આપણને મળે છે. દરેક કાવ્ય અપૂર્ણ છે એટલે તો બીજી રચના તરફ વળીએ છીએ. દરેક કવિતામાં કવિનું મૃત્યુ થાય છે અને ભાવનમાં દરેક કવિતા ફરીથી પ્રગટે છે. કવિતા કવિનો અસ્તિત્વ લેખ છે. વાસ્તવ અને અસ્તિત્વ વારંવાર રચાય છે, છેકાય-ભૂંસાય છે. આ જ વાસ્તવ સાથેની અસ્થિત્વની ભાષાકીય મથામણ. એક શબ્દને, પદાર્થને, વસ્તુને કેટકેટલી રીતે, કેવા કેવા સન્દર્ભોમાં, કેવા ભાષાકીય વાસ્તવ વડે પ્રયોજી શકાય- આ કવિની મથામણ છે.’
(નિર્વાણ, નિવેદન)
   ઉપરોકત વિધાનમાં જ્ઞાન, અસ્તિત્વ, ભાષાકીય મથામણ અને અંતે નિપજતા કાવ્યરૂપ અને તેની સંકુલ પ્રક્રિયાની વાત આવી જાય છે.

   નવનીત સમર્પણના નવેમ્બર ૨૦૦૫ના અંકમાં છપાયેલું એમનું એક કાવ્ય વાતચીતની ભાષામાં રચાયું છે. પણ એમાંથી નિષ્પન્ન થતો હોવાપણાનો ભાર સ-રસ રીતે કાવ્યરૂપ પામ્યો છે :
‘બસ જવું જ છે?
રોકાઇ જાને ?
ના, ઘણું રહ્યો
દિલાસો
દવાઓને
દાકતરોએ બહું થીગડ થાગડ કર્યા
એમ તે કંઇ જવાતું હશે?
તું છેક હારી ગયો?
એમ માને તો એમ
પણ બસ જવું જ છે
નથી લડવું
નથી જુદા પડવું
નથી સચવાવું
ન જોઇએ કોઇ ઓળખ હવે તો માત્ર ભૂંસાવવું
હવે આાંગળીએ બાઝેલી
બારાખડી હવાના કણકણમાં
વેરનો
ઓગળતો
ચાલી નીકળું.’
(આ કાવ્ય જાણે નીતિનભાઇના પોતાના માટે સાચું પડ્યું છે.)
   બોલચાલની ભાષામાં કવિતા કરવી કેટલી અઘરી એ આ કાવ્યો બતાવે છે. નીતિન મહેતાની કવિતાની ભાષાને અસરકારક બનાવવામાં એમાં આવતાં બોલચાલનાં વાક્યો, પ્રતીકો, અરૂઢ કલ્પનોનો ફાળો મહત્વનો છે. વળી એ ભાષા દ્વારા ઊભો થયો કવિતાનો આકાર પણ મહત્વનો બની જાય છે. ‘એક એક એકજ’ કાવ્ય આ સંદર્ભે તપાસવા જેવું છે.
‘રાતમાં દીવો ટાંગીને ફરતી મારી લાશ હું ખબર અંતરની જેમ પુછાઉં તે મને કયારેય ન ગમે. પીળી વેદનાનો અંધકાર તાવ બની શરીર પર ઘડિયાળની જેમ ટીકટીક થયા કરે. વાંસના મકાનોથી બંધાયેલી દીવાલમાં ગુંજયા કરે તારાના ઝણઝણાટ સુકાઇ ગયેલા બરફના રણો વચ્ચેના અવકાશમાં નિબિડ અંધકાર બની સર્યા કરું છું. ક્ષણમાં ક્ષણ અને પ્રતિક્ષણમાં મંથનની સુવર્ણરેખાઓ દોરાઇ જાય, શાની મૃગલાલચ બની અરણ્યમાં દોડ્યા કરે આ મન ?’
(નિર્વાણ, પૃ.૨૦)
   આ કાવ્યમાં ‘પીળી વેદનાનો અંધકાર તાવ બની જે શરીર પર ઘડિયાળની જેમ ટીકટીક થયા કરે’ જેવું અરૂઢ કલ્પન તેમજ ‘શાન્ત મૃગલાલચ બની અરણ્યમાં દોડ્યા કરે આ મન ?’ જેવું પુરાકલ્પન સહજ રીતે વણાઇ આવી કાવ્યસમગ્રના ભાવને વધારે પૃષ્ટ કરે છે. આગળ પણ કહ્યું છે તેમ નીતિન મહેતાના અછાંદસની મહત્વની લાક્ષણિકતા છે. એમાં પ્રયોજાયેલી બોલચાલની ભાષા, એ ભાષામાં લાગતી સરળતા ઘણી વખત છેતરામણી હોય છે, કારણ કે ભાવક જો સજ્જ ન હોય તો એમાં લાગતી આભાસી સરળતાના કારણે મૂળ અર્થથી કદાચ વેગળો જઈ શકે. આ સંદર્ભે જયદેવ શુકલ યોગ્ય લખે છે:
‘વ્યક્તિ અને કવિ તરીકે નીતિન હંમેશા મન્દ્ર સૂર (લો- પ્રોફાઇલ)માં રહ્યો છે. સામી વ્યક્તિ કે ભાવને આંજી દેવાનો એમનો કે એમની કવિતાનો સ્વભાવ નથી. નીતિન સાથે ને એમની કવિતા સાથે સંવાદની ભૂમિકા રચાતી જાય તેમ તેમ બન્ને સહર્ષ રીતે આપણા હૃદયને સ્પર્શે છે. બીજી રીતે કહીએ તો નીતિનની કવિતા કોઇને પ્રથમ વાચને સરળ લાગે અથવા ખાસ પ્રભાવક કદાચ ન લાગે પણ તેમનાં કાવ્યોની સરળતા આભાસી છે. દેખાતી સરળતા પાછળ રહેલી સંકુલતાને આસ્વાદવા ભાવક વિવિધ રીતે પોતાની સજ્જતાને સંકોરતો રહે એ જરૂરી છે.’
(જયદેવ શુક્લ, એતદ્, નીતિન મહેતા વિશેષાંક, સપ્ટેમ્બર ૨૦૧૦, પૃ.૪૩)
   ‘દ્વિધા’ કાવ્યમાં એક અધ્યાપક દ્વારા પ્રયોજાયેલી ભાષા જુઓઃ
‘નાખી દીધા જેવી વાતમાં
ઘણી વાર મૂંઝાઈ જવાય છે
કાલે મહેમાન ઘરે છે
તો કેટલું દૂધ લેશું?
સૌંદર્યશાસ્ત્રીઓને જો કે હસવું આવે
તેઓ કૃતિના અર્થઘટનની વાતો કરે
ને સ્ટ્રકચર ને શૈલીની દૃષ્ટિએ
તપાસે, કાપે, વાઢે, અથવા
તો ફિનોમિનોલોજી, ડી-કન્ટ્રકશનના
ચશ્મા પહેરાવે
માર્ક્સ કહે હું ચશ્માની દાંડી બનીશ
ગાંધી કહે કાન પર તો હું ... ‘
   ગ્રેગર, દેરિદા, ભરત, માકર્સ, ગાંધીજી, માર્લોપોન્તિ, બાર્થ જેવા સાહિત્યકારો- ચિંતકોના સંદર્ભોથી તેમ જ કાવ્યમાં પ્રયોજાયેલી વાતચીતની ભાષા દ્વારા કાવ્યનાયક એક સંવાદ રચે છે અને તેમાં સાહિત્ય પદાર્થ, ભાષાની ચર્ચા પણ વણાઇ આવે છે. નીતિન મહેતાની ભાષારચનાને તપાસવા ‘માણસ મને ગમે છે’ રચના પણ જોવા જેવી છે. અંતે નીતિન મહેતાના સમગ્ર કાવ્યસર્જનને એમના શબ્દોમાં જોઇએ:
‘મહત્વનો સર્જક પોતાના સમગ્ર સર્જનકાળ દરમિયાન જીવન વિશેના એક વિભાવને સળંગ રીતે વિવિધ પ્રકારની રચનાઓ દ્વારા અને અભિવ્યક્તિની વિવિધ મુદ્રાઓ દ્વારા સમજવાનો અને રૂપ આપવાનો મૂંઝવણભર્યો પ્રયત્ન કરતો હોય છે. તો વિવેચનમાં પણ જીવન એક કેન્દ્રવતી તપાસનો મુદ્દો રહેતો હોય છે. બૂહદ્ સંદર્ભમાં સર્જન-વિવેચન પણ લખાણ જ છે અને લખાણ દ્વારા આપણે આપણી હયાતીના કંઇ કેટલાય પ્રશ્નો સાથે (negotiations) કરતા રહેતા હોઈએ છીએ. સદભાગ્યે બધા પ્રશ્વોના ઉત્તરો આપણને મળી જતા નથી. આ પાત્રનો આ જ આનંદ છે.’
   આમ સમગ્ર રીતે નીતિન મહેતાની કવિતામાંથી પસાર થતાં એના વિષયવસ્તુ, સંવેદન, અભિવ્યક્તિ નિજી ભાષાસંરચનાને કારણે હું ચોક્કસ કહી શકું કે નીતિન મહેતા આધુનિક સમયના મહત્વના કવિ છે.
* * * * *


0 comments


Leave comment