3.1 - હરીશ મીનાશ્રુની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ
   હરીશ કૃષ્ણરામ દવેનો જન્મ તા.૩-૧-૧૯૫૩ ના રોજ આણંદ મુકામે થયો હતો. આધુનિકયુગ પછી ગુજરાતી કવિતામાં જે કેટલીક કલમ અભિનિવેશ પૂર્વક પોતાની નિજી સંવેદન, કાવ્યરીતિએ સક્રિય થઈ તેમાં હરીશ મીનાશ્રુ મુખ્ય છે. હરીશ મીનાશ્રુ આજ સુધી સાતત્યપૂર્ણ કાવ્યસર્જન કરતા રહ્યા છે. એમની પાસેથી “ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા (૧૯૮૮), સુનો ભાઈ સાધો (૧૯૯૯, ૨૦૧૧), તાંબૂલ (૧૯૯૯, ૨૦૦૯), તાંદુલ (૧૯૯૯, ૨૦૧૧), પર્જન્યસૂક્ત (૧૯૯૯, ૨૦૧૧), પ્રદપ્રાંજલિ (૨૦૦૪), શબદમાં જિનકું ખાસ ખબરાં પડી (૨૦૧૧), પંખીપદારથ (૨૦૧૧) જેવા કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. તેમની ચૂંટેલી કવિતાના અંગ્રેજી અનુવાદોનો નાનકડો કાવ્યસંગ્રહ "A Tree With A Thousand Wings" (૨૦૦૮) નામે પ્રગટ થયો છે. આ ઉપરાંત “નખશિખ” (૧૯૭૯, ૨૦૧૧) નામે ગઝલનું સંપાદન તથા ‘દેશાટન’ (૨૦૧૧) નામે વિશ્વ કવિતાઓના અનુવાદનું પુસ્તક પણ મળે છે.

   હરીશ મીનાશ્રુ કાવ્યસર્જન માટે પ્રવૃત્ત થાય છે એ સમયે ગુજરાતીમાં આધુનિકતાનો દબદબો હતો. ચારે તરફ લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર જેવા કવિઓની ભાષા અને અભિવ્યક્તિરીતિઓની બોલબાલા હતી. એ બધાની વચ્ચે હરીશ મીનાશ્રુ પોતાની નોખી મુદ્રા પ્રગટાવવા મથામણ કરે છે અને ક્રમશઃ એમની કવિતા સમયસદર્ભે બદલાતી રહી.
(ક્રમશ :...)


0 comments


Leave comment