3.1.1 - હરીશ મીનાશ્રુની કવિતાનું વિષયવસ્તુ અને સંવેદન / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ
હરીશ મીનાશ્રુની આજ સુધીની સમગ્ર કવિતામાંથી પસાર થતાં વિષય અને સંવેદનના ત્રણ મોટા પડાવ દેખાય છે.
- શરૂઆતની ‘ધ્રિબાંગસુંદર’ જેવી રચનાઓમાં કાવ્યગત શબ્દ અને અર્થની સાથે જોડાયેલા સંકેતો અને માનવસ્વભાવ તથા સમકાલીન પરિવેશનું વિડંબન કરતી કવિતા.
- ‘સુનો ભાઈ સાધો’, ‘તાંદૂલ’, ‘તાંબૂલ’, ‘પર્જન્યસૂક્ત'ની આધ્યત્મિક ચેતના, સંતમત, કબીર સંપ્રદાયની જ્ઞાનમીમાંસા અને સાંસારિક અનુભવોથી ચૈતન્ય તરફની ગતિને કાવ્યગત ભૂમિકાએ રજૂ કરતી કવિતા.
- ‘પંખી પદારથ’ની આસપાસના જગતને કલ્પનોથ રીતે રજૂ કરતી રચનાઓ ઉપરાંત સામાજિક સંદર્ભ અને નિસબતને રજૂ કરતી કવિતા.
આમ ત્રણ મોટા વિષય અને સંવેદનના વિશેષો તારવી શકાય.
પરંપરા સાથે સ્વકીય અનુસંધાન રચી અને સમકાલીન સમયસંદર્ભ, અર્થ નિપજાવાના જે કેટલાંક પ્રયોગો આધુનિકોત્તર સમયમાં થયા એમાં ‘ધ્રિબાંગ સુંદર એણી પેર ડોલ્યા’ મહત્વની રચના છે. કવિ પોતાની અભિવ્યક્તિની જરૂરિયાતમાંથી જુદાજુદા પાત્રો સર્જતા હોય છે. ભલાજી, લઘરો, મગન એ એવી જ એક કાવ્યપ્રયુક્તિના પરિણામો છે. હરીશ મીનાશ્રુ પણ કવિની પોતાની સ્પ્લીટ પર્સનાલીટીને વ્યક્ત કરતું ‘ધ્રિબાંગસુંદર’નું પાત્ર સર્જે છે. કવિને કહેવી છે કથા, ને એ માટે મધ્યકાલીન આખ્યાન સ્વરૂપ સૌથી વધુ કારગત નીવડી શકે પણ અહીં તો કવિ શૈલી આખ્યાનની પસંદ કરી ગઝલ આધુનિક અછાંદસ અને કુંડળિયા જેવા પરંપરાગત સ્વરૂપનું પસંદ કરે છે. બત્રીસ ગઝલોમાં સળંગ ધ્રિબાંગ સુંદરના વ્યક્તિત્વ સંદર્ભે જુદીજુદી વિડંબનાએ રજૂ થઈ છે.
“ધ્રિબાંગસુંદરના હોઠે શરબતનો પ્યાલોઅને હાથમાં ચળકે પૂંકેસરનો ભાલોઆ કાગળના સ્ફટિકદેશનો કુંવરપાટવીટપકું ખરતાં તુરત રચી દે દ્વીપ પ્રવાલોક્ષીરસાગરમાં કમલપત્રની સુખ શોધ્યા પરકરે વામકુક્ષિ ઓઢીને શબ્દ દૂશાલોશાહીનાં આ તમસ ખૂંદીને વનવન વીંધેધરી પ્રજળતાં કેસૂડાંની કૈંક મશાલોધ્રિબાંગસુદર અહો ! અવતરે સ્વર્ગ ત્યજીનેજટા વિખેરી તત્પર ઊભાં હું શિલાલો”
(ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા, પ્ર.આ પૃ-ર)
આપણી પરંપરામાં વિષ્ણુ અવતારની કથાઓ છે. ‘વૈશંપાયન એણી પેર બોલ્યા’ પરથી અહીં ધ્રિબાંગસુંદરના અવતાર અને એમના વર્ણન દ્વારા પાત્રની પાત્રગત વિ-શેષતાઓના સંકેતો મળી જાય છે. કાવ્યાર્થ અને પરમાર્થની વચ્ચેના સંઘર્ષ-દ્વિધા ધ્રિબાંગસુંદરના પાત્રમાં સૂપેરે રજૂ થયાં છે. વળી કવિ પોતે પોતાની કવિતાથી સભાન છે. પોતાની કવિતા અને કર્તુત્વ માટે પુરોગામીઓથી સહેજ પણ ઊતરતા ન હોવાનો ભાવ કહો કે સ્વા-ભિમાન પ્રબળ રીતે આ કાવ્યમાં છે.
“હું રસ વડે રૂચિર ગંઘ રંગરૂપ રચું(ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા, પ્ર.આ પૃ-ર૦)ધ્રિબાંગસુંદરમના સ્પર્શ ઉપર સ્વરૂપ રચું ”“પર્વતો દૂંદીને છંદે વ્યક્ત પરમાણુ કરુંશુભ્રમાં સ્યાહિની રજ મૂકીને નજરાણું ઘરું’’
(ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા, પ્ર.આ પૃ-૧૦)
તો ભાષાની નિરર્થકતા અને છંદની યાંત્રિકતાને પણ
“ભાષા, તને ભોગવીને ભવૈયાજણે ગાભણા થે સવાસો સવિયા’’
(ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા, પ્ર.આ પૃ-૧૨)
જેવી પંક્તિઓમાં રજૂ કરે છે. પોતાના પુરોગામી કવિઓ લા.ઠા. અને સિતાંશુના લઘર અને મગન જેવા કાવ્યોના સંદર્ભે ધ્રિબાંગસુંદર ને મૂકીને એ દ્વારા સમકાલીન સાહિત્યના પરિદૃશ્યની વિડંબના કરી છે. અહીં આત્મવિડંબન અને આત્મસ્થાપનની સહોપસ્થિતિ છે.
“રમ્યધોષા નભ વચોવચ ચંદ્રનો પથરો પડેરાગ ઘન્યાશ્રીમાં ચંદ્રક ચુંથતો લઘરો રડે ”હું ય તારા ગામનું કયારેક્ટર છઉં, હે મગનમોતી સમજી મૂઠી ભરતાં જેને રાજગરો જડે ”
(ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા, પ્ર.આ પૃ-ર૪)
ઉપરોક્ત પંક્તિઓને અનુષંગે આવતા વર્ણન પણ દિબાંગસુંદરની આખી કથાને વ્યંગ-કટાક્ષના વળ ચડાવતી જાય છે. જેમ કે :
“સિગરેટના ખોખામાંથી તેજોમય ચોળાયેલું પિચરકનું કાગળિયું નીકળ્યું. અકાદમિયંતીએ પૂછયું કે નળરાય, હમ્મારે પ્રિયતમા, આ ચળક ચળક થાય છે તે શું ? તો કવિવર લઘરાએ ખપ પૂરતું પીડાઈને કહ્યું :કાગળ નથી એ કેવળ ચોળેલી ચાંદની છે,
આ વાત પર અકાદમિયંતીની ડા’પણની દાઢે સણકો ઉપડ્યો. છણકો કરીને એણે તાબડતોબ લઘરાનો ચંદ્ર ઝુંટવી લીધો ને ચંદ્રક એનાયત કર્યો. પણ લઘરાના હાથમાંથી તો ચંદ્રક જીવંત થઈ જળમાં કૂદી પડતાં. આથી લઘરાને પ્રસંગોચિત રડવું આવ્યું ભાઈ મગનની આંખે મોરનાં આંસુ ખર્યા ને ધ્રિબાંગસુંદરની પાંપણો પલળી. ત્રણે બિચારા જુવાબદાર Major Poets. ” (ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા, પ્ર.આ પૃ-ર૪)
આ કાવ્યત્મક ગદ્યખંડ પણ આ રચનાનો એક ભાગ છે. અહીં નળદમયંતીના મિથનો વ્યંગ્યાત્મક પ્રયોગ અને દમયંતીમાંથી અકાદમિયંતી જેવા નવ્ય શબ્દો દ્વારા સમકાલીન સાહિત્યક વાતાવરણ પર તિર્યકતા સાધી છે. ને આગળ કહ્યું તેમ પોતે ‘લઘરા’ કે ‘મગન’ થી સ્હેજ પણ ઉતરતા નથી ને Major Poets (પૃ-૨૪) એ ધ્રિબાંગસુંદરની આત્મસ્થાપના પણ રજૂ થઈ છે. આ કાવ્યનું યોગ્ય મૂલ્યાંકન કરતાં રાધેશ્યામ શર્મા લખે છે. :
“એક દશકા જેટલા સમય દરમ્યાન બંધ થયેલા લેખન બાદ આંતરિક ધક્કાને કારણે પ્રગટેલી કવિતાના ચાર સંગ્રહોમાં ‘ધ્રિબાંગ’ પાર્શ્વભૂમાં જાય છે ને ‘સુંદર’ વધારે પરિપક્વ રીતે રજૂ થાય છે. શબ્દની શોધ અહીં વધારે તીવ્ર બને છે. પણ આ શબ્દ એ લાભશંકર કે આધુનિકોએ પ્રયોજેલો સ્થૂળ કાવ્યાત્મક શબ્દ નથી પણ મન-શરીરની પેલેપારના કશાક ચૈતન્ય આંતરનાદ સાથે સંધાન રચવા મથતો શબ્દ છે. ને એટલે એના જુદા જુદા રૂપો આ રીતે રજૂ થયા છે."
“હું તને, સમજુને, ઝાઝું શું કહુંશબ્દનો ભેટો થવાનો સત મુજબ ”
(સુનો ભાઈ સાધો, પૃ -૩૨)“શબ્દ શું છે ! તેં પૂછ્યુંમેં કહ્યું तत्त्वमसि’’
(સુનો ભાઈ સાધો, પૃ -૪૧)“શબ્દને રસ્તે લગીરે જંપ ના વળશે તનેઆખરી મંઝિલ લગી ખાનાબદોશી આપશે”
(સુનો ભાઈ સાધો, પૃ -૩૧)
કવિની આંતરિક ખોજને એને માટેનો રઝળપાટ ઉપરોક્ત પંક્તિઓમાં મનોરમના ધારણ કરે છે. જીવન વિશેની સૂક્ષ્મ સમજ ‘સુનો ભાઈ સાધો’ ની ગઝલોમાં વધારે છે. ઉપરછલ્લી આધ્યાત્મિકતાને આજે ગઝલમાં મૂકવાનો ધારો થઇ ગયો છે. એની સામે હરીશ મીનાશ્રુનો શબ્દ ચૈતન્યના સ્પર્શે રસાઈને આવતો અનુભૂતિજન્ય હોવાથી તિર્યક બને છે. જેમ કેઃ
“જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધોકબરની સાદગીથી ઘર હવે શણગારવું, સાધોસમજ પડતી ન’તી તેથી બીડ્યા’તા હોઠ સમજીનેબધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું સાધોતને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશનગણતરી રાખી શીદ એકેક આંસુ સારવું, સાધોઅગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈનેઅમસ્થી આાંખ મીંચીને ગમે તે ધારવું , સાધો
આત્મપ્રતીતિ અને ચૈતન્યના સ્પર્શ વગર આ પ્રકારે સહજતાથી સંવેદન રજૂ થવું અઘરું છે. ટી.એસ.એલિયેટે કરેલી પરંપરાની વાત મોટા ભાગના સમર્થ સર્જકોને લાગુ પડે છે હરીશ મીનાશ્રુ પણ આપણી તત્વ-સત્વ અને સાહિત્ય પરંપરાનો સતત સર્જનાત્મક વિનિયોગ કવિતામાં કરતા રહ્યા છે. બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે નાસદીયસૂક્તમાં આપેલી કથા અને પ્રશ્નો-જવાબોને સહજ રીતે અરૂઢ રદીફ- ફાફિયાથી આ રીતે વ્યક્ત કરી છે.
“ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહોન’તા પંડિત ન’તા પંડા અહાહાહા અહોહોહોતમસપુંજો ઘુમરતા ગર્ભના નભમાં નિરાલંબેન’તા આશય ન’તા અંડા અહાહાહા અહોહોહોરચ્યા તેથી સૂરજ-ચંદા અહાહાહા અહોહોહોહતો એક જ પુરૂષ કે જેનો પડછાયો ન’તો પડતોઅલલપંખીનાં પીંછાથી ફરિશ્તા ચીતરી બેઠાઅહો બારીક એ બંદા અહાહાહા અહોહોહો ”
(સુનો ભાઈ સાધો, પૃ -૯૭)
રાધાસ્વામી સંતમતના સંતકવિ હુજુર મહારાજના કાવ્યની રદીફ લઇને બ્રહ્માંડ, પૃથ્વી અને પુરુષની ઉત્પત્તિ આ ગઝલમાં છે તો અલલપંખીના પીંછાથી ફરિસ્તાએ ચીતરામણ કરી એ કલ્પન જ કાવ્યાત્મક સૌંદર્ય ધારે છે. અલલપંખી સંત સાહિત્યમાં એવી કલ્પનાનું પંખી છે જે આકાશમાં એવી ઊંચાઈએ ઇંડું મૂકે છે કે ઘરતીને ઈંડાનો સ્પર્શ થતાં પહેલાં જ બચ્યું ઈંડું ફાડીને પાછું આકાશમાં ઊડી જાય છે. હરીશ મીનાશ્રુની ગઝલોમાં પ્રયોજાયેલા રદીફ-કાફિયા એટલા અરૂઢ અને નવીન છે કે આ પહેલાં એ પ્રકારના રદીફ-કાફિયા ગુજરાતી ગઝલમાં પ્રયોજાયા નથી.
આ ઉપરાત રાધાસ્વામી સંતમતના સંતો સાથે જોડાયેલા પ્રસંગો-સ્થળોને કેન્દ્રમાં રાખી લખેલાં કાવ્યો સ્તવનસ્થલી, સ્થલસંહિતા, આનંત્યસંહિતા પણ આસ્વાદ્ય છે.
પ્રેમ અને પર્જન્યના વિવિધ રૂપોને જુદીજુદી રીતે-ભાતે વ્યક્ત કરતાં કાવ્યો પણ સંકુલ છતાં આસ્વાદ્ય છે. વરસાદ વિશે ગુજરાતી કવિતામાં ઘણાં કાવ્યો લખાયાં છે. પણ અહીં સંવેદન અને રીતિ એટલી નોખી છે કે આ પહેલાં આ પ્રકારનાં વરસાદનાં કાવ્યો ભાગ્યે જોવા મળે. જેમ કે :
“મોરનું મ્હેણું અષાઢે સાંખવું સારું નહીંઆ રીતે ભડલીવચન કૈં ભાખવું સારું નહીંએકલાં જાણી રખે આવી ચડે એનાં સ્મરણઆંખમાં પાણીનું જોખમ રાખવું સારું નહીં.”
(પર્જન્યસૂક્ત, પૃ -૧૫)
અથવા
“સીમની કોરી હવામાં મોરના ડાધા હતાભેજથી એ ઓગળીને શ્રાવણે શાહી બને”
(પર્જન્યસૂક્ત, પૃ -૯૮)
વરસાદ આટલી સૂક્ષ્મતા, સંકુલતા અને સંદર્ભોથી ગુજરાતી કવિતામાં આલેખાયો નથી.
“નયન થકી રે નેહનીતરે નેવાં પરથી નીરઘરમાં પલળ્યાં પ્રિયજનકુંજે ભીંજયા કોયલકીર”
(પર્જન્યસૂક્ત, પૃ -૧૪)
અહીં મયુર, કીર, કબુતર, કોયલ, બોધિવૃક્ષ, ભડલી, દાદુર. કુબ્જા, પાણિનિ, ઈન્દ્ર, બપૈયો, પાતળિયો, પાનબાઈ, ખલૂડીબાઈ, એમ અનેક પંખી , પાત્રોની સૃષ્ટિ છે. વૈદિકસૂક્તની જેમ અહીં કવિએ પર્જન્ય એટલે કે વરસાદનું સૂક્ત રચ્યું છે.
“વાચસ્પતિ મયુર ઝૂલે છેજાંબુની જળનમણી દ્રુમલીલામાંવારાંગનાઓનાંપ્રિયંગુશરીર ઓગળે છેઘ્રાણોન્મદ માટીના હૃદયમાંલથડતી જતી લથબથમદિરામાં ઝબોળેલી ગર્ભમંથરા પૃથ્વીને”
(પર્જન્યસૂક્ત, પૃ -૫)
સંસ્કૃતિ તત્સમ પદાવલિમાં જાણે કે અહીં પર્જન્યની આખીસૃષ્ટિ ઊઘડે છે. પર્જન્યસૃક્તિના કાવ્યોમાં પર્જન્ય પોતે વૈદિક વરસાદનું મિથ બની જાય છે. હરીશ મીનાશ્રુની કવિતામાં મોટા ભાગના અભ્યાસીઓને અધ્યાત્મિકતા જ દેખાય છે પણ માત્ર એવું નથી. હરીશ મીનાશ્રુનાં કાવ્યોમાં પ્રેમ પીડાની એક સેર પણ વણાઇ છે. એ પ્રેમ લૌકિક પણ છે અને પરાલૌકિક પણ છે. એમને ઉત્કટ પ્રેમ જ ભક્તિ બને છે નારદે પણ ભક્તિસૂત્રોમાં ભક્તિને “પરમ પ્રેમ સ્વરૂપે” કહી છે. પ્રેમસૂક્તની આ કવિતા માનુષી અને અલૌકિક એવા બન્ને પરિમાણોને તાકે છે. “ભક્તિ પ્રેમ ઈશ્ક પદ તીનો નામ ભેદ હૈ રૂપ સમાન” પ્રેમમાં પીડા અને સંધર્ષ પછીએ આાંતરિક હોય કે બાહ્ય એ બન્ને નિહિત છે ને એ જ ભાવ અહીં
“ત્વચા ઉપરનો નિરંતર તમારો સ્પર્શ મળેને દૂરતામાં કેટલાં પ્રકાશવર્ષ મળેઘડે છે વ્યૂહ પ્રેમનો આ સુખડની કાયાતમારી સાથે હવે નિત્યનો સંધર્ષ મળે”
(પર્જન્યસૂક્ત, પૃ -૫૦)
સ્પર્શ અને પ્રકાશવર્ષ એક અતિ નૈકટ્ય સંવેદન બીજું અતિદૂર. પણ આ બન્નેનાં વિરોધાભાસમાંથી પ્રેમની એક જુદી ભૂમિકા અહીં રચાય છે. પ્રેમની સાથે ક્યારેક સ્થળ કહીં શકાય એવું આલેખન પણ હરીશ મીનાશ્રુની કવિતામાં છે. સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની ભૂમિકા અહીં રચાઈ જાય છે. આપણે ત્યાં ધણા મહાપુરુષો શૃંગારશતકથી જ વૈરાગ્યશતક તરફ ગયા છે. નરસિંહ કે દયારામમાં પણ આપણને આવો સ્થૂળ શુંગાર કયાં નથી મળતો ?
વિષય અને સંવેદનની રીતે હરીશ મીનાશ્રુની કવિતાને ત્રીજો મહત્વનો પડાવ છે ‘પંખી પદારવ’ની રચનાઓ. ભાષા- સાહિત્ય અને જાતના વિડંબન, આધ્યાત્મિક ચેતનાના આવિર્ભાવની કવિતા પછી એક પ્રકારની સંપ્રજ્ઞતાપૂર્વક આસપાસના જગતના વિધવિધ રૂપો રચનાધટનાઓને આ કવિતામાં વિશેષ આલેખે છે. ‘પંખીપદારથ’, ‘નારંગી’, ‘ચીતરવા વિષે’, ‘સાપુતારા’, ‘ગૃહસ્થસંહિતા’, ‘યયાતિ', ‘ગ્રહઉદ્યાન’, ‘પડોશી’, ‘છાપાવાળો છોકરો’, ‘જાતકકથા’, જેવા કાવ્યોમાં એ વિષયવસ્તુનું નાવીન્ય દેખાય ‘પૃથ્વી ચીતરવા વિષે' કાવ્યમાં શબ્દોથી પોતાની કલ્પનાએ પૃથ્વીને આ રીતે ચીતરે છે.
“પૃથ્વી પર રહીને પૃથ્વી ચીતરવાનું સહેલું નથી,ખાસ કરીને તમે જ્યારે કોઈ વિશાળ ઉદ્યાનનાબાંકડ બેસીને એને જોતા હો....સામેના દૂર્વા-છાયા નિર્જન વિસ્તારમાંઅચાનક તમને દેખાય છે ગોટીમડાં ખાતું એક બાળક -ક્ષણાર્ધ માટે એણે આકાશમાં પગ ખોડી દીધા છે નેવરાહ અવતાર છોભીલો પડી જાય એ રીતેસમસ્ત પૃથ્વીને ટેકવી લીધી છે પોતાના ટચૂકડા મસ્તક ઉપર.એક પલકારામાં તમને સમજાઈ જાય છે કેઆ પૃથ્વી તો એક કાચું ફળ છે ને પેલું બાળકબાળક નથી પણ એનું દીટું છે.પૃથ્વીની નાભિપર્યત જોડાયેલું.દીટું ઊંચકવાથી પૃથ્વી પણ આપોઆપ ઊંચકાઈ જવાની છે.”
(પંખીપદારથ, પૃ -૮૮)
પૃથ્વીની આ કલ્પના જ નવીન છે. જયદેવ શુક્લ પણ પૃથ્વીને તેમના લઘુકાવ્યોમાં જુદીજુદી રીતે આકારી છે. અહીં બાળકને માથે ઊંચકાતી પૃથ્વી અને બાળક દીટું ને પૃથ્વી એક કાચુફળ જેવી કાવ્યાત્મક અભિવ્યક્તિ આ કવિની વિશેષતા છે. આ ઉપરાંત સાંપ્રત બોમ્બબ્લાસ્ટની ઘટના અત્યંત સંકુલ અને સંગોપિત રીતે ‘છાપાવાળો છોકરો’માં આલેખી છે.
“હું એના ચાલ્યા જવાની દિશામાં જોઉં છુંનોર્થ અથવા ઇસ્ટ અથવા વેસ્ટ અથવા સાઉથએક ધડાકો થાય છે: નક્કી બિચારાનીસાઈકલનું ટાયર ફાટ્યું લાગે છેઅથવાએ જે હોય તે, એને મળી શકાતું નથી."
(પંખીપદારથ, પૃ -૧૫૨)
‘બિચારાની સાઈકલનું ટાયર ફાટ્યું લાગે છે’ કવિએ એક અસમંજસમાં કાવ્ય પૂરું કર્યું છે, વળી ચારે દિશાઓના ઉલ્લેખ દ્વારા ચારે તરફ આજ વાતાવરણ એ સંદર્ભ પણ ખૂલે છે.
આમ વિષય અને સંવેદનની રીતે જોતા હરીશ મીનાશ્રુની કવિતા માત્ર એક કોચલામાં પુરાઈ નથી પણ સમયસંદર્ભ અને કવિચિત્તની સંપ્રજ્ઞતાનુસાર બદલાઈ છે, ને આ રીતે દરેક મોટો કવિ પોતાની કવિતાઓને જ અતિક્રમીને એક નવી કવિતા નિપજાવતો હોય છે.
(ક્રમશ :...)
0 comments
Leave comment