3.1.2 - હરીશ મીનાશ્રુની કવિતાની અભિવ્યક્તિરીતિ / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   વિષયવસ્તુ અને સંવેદનની જેમ અભિવ્યક્તિરીતિએ પણ હરીશ મીનાશ્રુની કવિતા નવાનવા આયામો રચે છે. ગીત, ગઝલ, અછાંદસ, ગદ્યકાવ્ય, દીર્ધકાવ્ય, મુક્તક જેવા અનેક સ્વરૂપોમાં કવિતા સર્જન કરી જે તે સ્વરૂપની મર્યાદાઓને વળોટવાની કોશિશ અથવા કંઈ નવું નિપજાવાની મથામણ એ સતત કરતા રહ્યા છે. એમના પ્રથમ સંગ્રહ ‘ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા’માં આપણે સ્વરૂપ સાથેની એ મથામણ જોઈ શકીએ છીએ. ગઝલ સ્વરૂપ એવું છે કે કવિને ચોક્કસ માપ-મર્યાદામાં ગણતરીના શબ્દોમાં અને રદીફ-કાફિયાની વ્યવસ્થામાં ચુસ્તીપૂર્વક કામ પાર પાડવાનું હોય છે. ને એટલે ગાલિબે કહ્યું છે.
“બકદ્વે શૌક નહીં જર્ફે તંગના એ ગઝલ
કુછ ઔર ચાહિએ વુસત મેરે બયાં કે લિયે”
   આ સંકડાશમાંથી જગ્યા શોધવાની મથામણ ને પરિણામે રાજેન્દ્ર શુક્લ ‘જત જણાવવાનું તને’ દ્વારા સ્વરૂપનો મુકાબલો કરે છે ને પોતાના કથયિતવ્ય માટે જગ્યા કરે છે. આવા એક પ્રયાસ સાથે હરીશ મીનાશ્રુ ‘ધ્રિબાંગસુંદર...” માં પણ ‘એક સાથે બત્રીસ ગઝલોમાં ધ્રિબાંગસુંદર' આખ્યાન કહીને પોતાના કથન માટે જગ્યા શોધે છે. આખી રચનાની કથનશૈલી આખ્યાનની છે પણ સ્વરૂપગત શૈલી કવિએ ઓછું જાણીતું સ્વરૂપ કુંડલિયા તથા ગઝલની પસંદ કરી છે. વળી કાવ્યના મધ્યમાં આવતા ગદ્યખંડો પણ કવિ અભિવ્યક્તિની નિજી રીત છે. આ ગધખંડો માત્ર નથી પણ એમ કહીશું કે કાવ્યાત્મકગદ્ય છે. એટલે સ્વરૂપની આજ સમજ ને પરિણામે હરીશ મીનાશ્રુ કહે છે . “સુકવિનું એક લક્ષણ એ પણ ગણાય કે એના કાવ્ય પુરુષાર્થ થકી સ્વરૂપ ધન્ય બને. ફલાણા કવિશ્રી ગઝલના ઋષિ છે કે અછાંદસના અઘોરી છે એવાં એવાં ફટકિયાં અભિધાનોથી શું વળવાનું ?” (સમીપે, અંક ૧૦-૧૧-પૃ-૮૬)

   હરીશ મીનાશ્રુની અસ્વરૂપ સાથેની મથામણ સતત ચાલતી રહી છે ને એટલે જે સ્વરૂપ એમને તંગ લાગ્યું છે એ જ ગગન જેવું પણ લાગ્યું છે.
“છે તંગ ગલી જવું હાવું ભલે ગઝલમા
ઊડવા મથું તો તરત જ ખૂલે છે ગગન જેવું ”
(
શબદમાં જિનકું ખાસ ખબર પડી, પૃ-૧૩૭)
   આવો જ એક પ્રયોગ તેમણે સ્વરૂપ અને પદાવલિ સંદર્ભે ‘એક રતિકાવ્ય’ માં કર્યો છે. ગઝલમાં સૉનેટ જેવી પદાવલિ યોજી કાવ્યસર્જન ક્ષેત્રે કવિના ચિત્તની સ્થિતિને નિરૂપિત કરે છે. જેમ કે :
“પવન ચૂપ. નભ નિર્મલ. ઝૂકે ચિત્ત સરોવર જેવું
પર્ણ ખર્યું કે પંખી ?-ના સમજાય; બરોબર એવું

રંક હથેલી. તર્ક ધૂમ્રવત તરે. નિરુત્તર મનમાં
શિથિલ બંધને સર્વ. કંપતું મૌન અગૌચર કેવું”
   માં રતિ સમયે ચિત્તની સ્થિતિ અને કાવ્યસર્જન સમયે ચિત્તની સહોપસ્થિતિ છે. ભાવકને આખું કાવ્ય રતિનું કાવ્ય જ લાગે પણ કાવ્યને અંતે રહસ્ય ઉઘડે છે.
“તેજ હાંફતું. વિરક્ત ભાવે શબ્દ, તને સંભોગું
સભર નિસાસે હજુ ઉપસે ચિત્ર મનો હર એવું ”
(તાંબૂલ, પૃ-૭૮)
   અહીં સૉનેટ ગંધી ગઝલનું સ્વરૂપ પ્રયોજયું છે. કારણકે એક પંક્તિમાં ત્રણ વખત તો પૂર્ણવિરામ આવે છે ને એ દ્વારા કંઈક અતિસૂક્ષ્મને સરવા કાને સાંભળવાની ઘટના બની રહી છે. શબ્દને પણ અહીં અવાજ કરવાની છૂટ નથી, માટે આખી રચનાની પદાવલિ સંસ્કૃત તત્સમ છે ને લય પણ એ પ્રમાણે યોગ્ય છે. આમ અહીં કવિ સ્વરૂપ સાથે કાવ્યાત્મક રમણા કરી એ સ્વરૂપને પણ એક નવું પરિમાણ આપે છે. પુરોકાલીન અથવા સમકાલીન કવિની કાવ્યપંક્તિ લઈને કાવ્યરચવાની શરૂઆત હરીશ મીનાશ્રુએ છેક તાંબૂલ થી કરી છે. મીરાંબાઈ, ઉમાશંકર, નરસિંહ મહેતાની પંક્તિઓ પરથી એમણે એ કવિઓથી જુદી પદાવલિએ ગઝલમાં કામ કર્યું એ જ વાત શબદમાં જિનકું ખાસ ખબરાં પડીમાં વિસ્તારાયી છે. શરૂઆતની પંક્તિમાં ભાવ જે-તે કવિનો છે પણ પછીની આખી રચનાઓ પોતાને એક અર્થ ને લય રચે છે. ઘણી ગઝલો તે મૂળ કૃતિ કરતા એક ડગલું આગળ છે.

   પરંપરા સાથેનું આ અનુસંધાન હરીશ મીનાશ્રુમાં શરૂઆતથી જ છે. એમની સમગ્ર કવિતામાંથી ‘ઈન્ટર ટેકસ્યુઆલીટી’ના અનેક ઉદાહરણો આપણને મળી રહે.
‘ધ્રિબાંગસુંદર જુધ્ધ ખેલતાં લવિંગની લાકડીએ જી’
(ધ્રિ. પૃ-પ)
*
‘ફૂલદડૂલે કોણ રમ્યું તે ખૂણેખાંચરે મોર ખર્યા’
(ધ્રિ. પૃ-પ)
*
‘આમાર સકલ ગાન કેવલ તોમારે લક્ષ કરે’
‘ગઝલેર અંધકારે કિંશુકદ્યુતિ પ્રત્યક્ષ કરે’ (ધ્રિ. પૃ-૧૯)
*
‘હું ય તારા ગામનું ક્યારેક્ટર છઉં, હે મગન’(ધ્રિ. પૃ-૨૪)
   આ વાતો અનેક ઉદાહરણો હરીશ મીનાશ્રુની કવિતામાંથી આપી શકાય. આ પ્રકારના આંતરકૃતિત્વને કારણે જ એમની કવિતામાં વિરોધાભાસ દ્વારા આખી વાત ‘જક્સ્ટાપોઝ’ થાય છે.

   આ કવિએ પોતાની ઊર્મિઓના વાહકરૂપ ગીત-ગઝલને વધારે પસંદ કર્યા છે. પરંપરાના ગીતને અભિવ્યક્તિ રીતિએ તેમણે જુદીજુદી રીતે આલેખી જોયું છે.
“અવળા તે આંબલિયા સવળાં મૂળ હો
મંજરીઓને રસ તે પોષે આભને
પૂછ્યાં ગાછ્યાં અમે કિરણનાં કુળ હો
ઊંજળાં ધાવણ ધરવે ગદળાં ગાભને '”
(સુનો ભાઈ સાધો, પૃ-૧૨)
   જેની શાખાઓ જમીનમાં છે ને મૂળ આકાશમાં એવા અશ્વસ્થને સંકેત આ ગીતમાં કબીરની અવળવાણીનું અનુસંધાન છે.
“આ તો ભડલીના ભાખેલા અષાડજી
પડે નહીં પળની પતીજ
અમથી ગાજ ને અમથી વીજ
ચપટી ગોરંભો ને લાગલો ઉઘાડજી”
(સુનો ભાઈ સાધો, પૃ-૧૩)
*
“અમે વખાના માર્યા તે બઉ વાતોડિયાં
વાત રે અધૂરી, સાજણ, જાત રે અધીરી
પડતી હોકારે મેલીને સમરથ, દોડિયાં ”
(સુનો ભાઈ સાધો, પૃ-૧૫)
   ‘સુનો ભાઈ સાધો’ના આ ગીતો નાયક- નાયિકાના મુગ્ધભાવોને ચબરાકી ભાષામાં રજૂ કરતાં મોટા ભાગના સમકાલીન ગીતોથી તદ્દન જુદી ભાવસ્થિતિને વ્યક્ત કરે છે. વળી એમાં આવતો ભાવ પણ ઉપરથી ઓઢેલો નહીં પણ અંતરગૃહામાંથી રસાઈને આવતો શબ્દ છે.

   કવિ કહે છે તેમ ‘અંદરના કોઇક ધક્કાથી લખાયેલા ગીતોના સંગ્રહ 'પદપ્રાંજલિ'ના ગીતોમાં એક જ પ્રકારનો લય અને બંધારણ હોવા છતા મોનોટોનસ બનતા નથી. ભાષા અને કવનનાં વેરીએશનથી કવિએ પડકાર ઝિલ્યો છે. કારણકે આ કવિતામાં આધ્યાત્મિકતા નો બોધ નથી પણ સતત આત્મખોજ છે.
“સાધો, તંબૂર પણ તરફડશે
ભજનના એક જ ઘૂંટડા સારુ હરિ ઘૂંટણિયે પડશે” (પૃ-૭૧)
*
“સાધો, મહુરત શાં મરવાનાં
મરઘટમાં મંડપ બાંધી મુરશિદને નોતરવાનાં ’’ (પૃ-૬૭)
*
“સાધો, તિરકિટ ધા ધિન ધિન્ના
અહો, સંતની સાખી ઉપર કરતા તાગડ ધિન્ના’ (પૃ-૪પ)
   આ સંગ્રહના બધા જ ગીતોની શરૂઆત કાવ્યાત્મક ચમત્કૃતિ, વ્યાંગ, વિરોધાભાસથી થાય છે. આ બઘા જ ગીતોના કેન્દ્રમાંનો છે તો આત્મખોજ, આધ્યાત્મ અને પરમ તત્ત્વની ખોજ એટલે એમ કહી શકાય કે પદપ્રાંજલિના એંસી ગીતો મળીને આમ તો એક કાવ્ય બને છે. ભજનમાં જે પ્રકારે આરંભ અને ભાષાની અપેક્ષા હોય છે એવું અહીં નથી. કવિએ નવી રીતિએ કામ કર્યું છે.

   ગીત-ગઝલની જેમ જ અછાંદસ-મુક્તક-ગદ્યકાવ્યમાં પણ હરીશ મીનાશ્રુ સાતત્યપૂર્વક લખતા રહ્યા છે. ‘ઘાવો રે જીવણ, જ....જ.....જીભને’માં કાવ્યની પોતાની એક અંતરંગ આકૃતિ ઉપરાંત ભૌતિક આકૃતિ પણ છે. આધ્યાત્મને રસ્તે ચાલનાર યાત્રીની મનોસ્થિતિ અહીં આ રીતે ઝિલાઈ છે.
“આમ ને આમ
દક્ષિણ વામ
તં... તો.... તં... ત
તાંતણો
તા...ણું રે અનંત લગી ખંતથી
હે ધીમંત
સૂણજો અરજ હમારી
અમીં રે સૂતર કેરો તાંતણો
સોયને નાકે રે ટૂંપાતી નડતર ગાંઠ
ટેભો યે લીધા વણ અમીં તૂ
       ટ
               તા
ટેભો યે લીધા વણ અમીં તૂ
       ટ
              તા”
(તાંબૂલ, પૃ - ૨૫)
   આંતરમનનો સંઘર્ષ અહીં લખાયેલા અને ઉચ્ચારાયેલા બન્ને શબ્દોમાં જોઈ શકીએ છીએ. આધુનિક કવિતાએ અભિવ્યક્તિરીતિએ અછાંદસ રૂપે જે મોટો કૂદકો લગાવ્યો એનો ઘણો ફાયદો અનુઆધુનિકોને પણ થયો. હરીશ મીનાશ્રુએ એ જ અછાંદસને પોતાની નિજી ભૂમિકાએ ઘડ્યું. ગદ્યકાવ્યોમાં પણ પંખી પદારથનાં ગદ્યકાવ્યો ગુજરાતી ગદ્યકવિતાનું મહત્ત્વનું સ્થિત્યંતર છે. આ ગદ્યકાવ્યો પણ કવિની નિત નવીન રીતે પ્રગટવાની ખોજનું જ પરિણામ છે. ચૈતન્યના એક તદ્દન જુદા વિસ્તારમાંથી હરીશ મીનાશ્રુની કવિતા અહીં સમૂહની વચ્ચે આવે છે. આસપાસના જગતના વિડંબનથી શરૂ થયેલી કવિતા એ બધાથી શતમુખ ઉર્ધ્વજાય છે ને વળી પાછી એ જ લોકોની વાત કરવા એમની વચ્ચે આવીએ ઊભી રહે છે. પંખી પદારથનાં કાવ્યો અગાઉનાં કાવ્યો કરતાં પ્રમાણમાં અર્થક્ષમ બન્યાં છે, એક પ્રકારની ટ્રાન્સપરંસી છે અને કવિની સ્વરૂપ અને સંવેદન એમ બન્નેની રેન્જ વધી છે. ‘ગૃહસ્થસંહિતા’ માં અસ્તાચળે જઈ રહેલા સંસારનું ચિત્ર આ રીતે વર્ણવાયું છે.
“આસ્તે આસ્તે
અસ્તાચળે જઈ રહ્યો છે સંસાર
નથી કોઈ ભાષા, નથી કોઇ ભંગિ:
અમે બેઠાં છીએ સામ સામે.
વચ્ચે ડાઇનિંગ ટેબલ પર તાસકમાં
તાજા કાપેલા પપૈયાની ચીર,
વિખરાયેલી કીડિયાસેર કાળાં મોતીની.”
(પંખીપદારથ, પૃ - ૧૨૪)
   દામ્પત્ય જીવનની મધુરતા અને એકબીજા સાથેનું જોડાણ ‘વિખરાયેલી કીડિયાસેર કાળા મોતીના’માં મંગલસૂત્રનું કલ્પન પણ ગૂંથાયું છે. તો ‘છાપાવાળો છોકરો’, ‘પોણા બે વીધાના ખેતરવાળા માણસનો અહેવાલ’, ‘કોમર્સિયલ બ્રેકવાળી છોકરીનો એપિસોડ’, ‘કેમ્પેઇન’,‘જુબાની’,‘રંગની દુકાને’ જેવી રચનાઓમાં સાંપ્રત સમયમાં માણસની બદલાતી માનસિકતા, આસપાસની વિભિષિકાઓને સંદર્ભ જોડાયો છે ને એમ કવિતા અલૌકિક અનુભવમાંથી લૌકિક જગતમાં પાછી આવી છે.

   સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં આવતાં મુક્તક શૈલીનાં લઘુકાવ્યોમાં પણ કવિ એ વિચાર, પરિસ્થિતિ કે વર્ણનને અત્યંત લાઘવથી મૂક્યાં છે. જેમ કે :
“આ વરસ એવું જલદ વરસાદનું ટીપું ખરે
કે તને અંગતપણું તારું પલળતું સાંભરે
શ્રાવણે પોપટ અને પરદેશ બહુ લીલાં બને
એટલે કાયમ તું લીલાં પાંદડાં ચૂંટ્યાં કરે”
(પર્જન્યસૂક્ત, પૃ - ૧૮)
*
‘અહીં તો
પ્રિય અને પર્જન્ય
નથી કો અન્ય-
કેવળ
હું
તે
ઝળહળ જળમાં અંતર્ધ્યાનઃ
(રખે ને આજ કવિતા લખે)
મૌનમાં
શબ્દ સકળ તે મ્યાન! ”
(પર્જન્યસૂક્ત, પૃ - ૬)
   કબીર પરંપરાના સાહિત્યના સતત અભ્યાસને કારણે વાણીમાં આવેલી તિર્થકતાને કારણે જ આટલા ઓછા શબ્દોમાં હરીશ મીનાશ્રુ અભિવ્યક્ત થઈ જાય છે. ‘પર્જન્યસૂકત’માં ગીત-ગઝલ-અછાંદસ મુક્તક એમ દરેક સ્વરૂપથી પ્રેમ અને પર્જન્યને જોવાનો પ્રયત્ન કર્યા છે એટલે જાણે કે એક પરિક્રમા છે.

   એક અભિવ્યક્તિની નિજી જરૂરિયાતમાંથી, મથામણોમાંથી હરીશ મીનાશ્રુએ અનુઆધુનિક ગુજરાતી કવિતાને ચહેરો પોતાની રીતે ઘડવાનો સફળ પ્રયોગ કર્યો છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment