3.1.3 - હરીશ મીનાશ્રુની કવિતાની ભાષારચના / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   હજાર વર્ષની પરંપરાને પરિણામે આપણને ગુજરાતી ભાષા મળી છે. આ ભાષાની મર્યાદાઓને વળોટવાની મથામણ આધુનિક યુગમાં સૌ પ્રથમ થઈ. આધુનિકોએ કરેલી આ મથામણોનો સીધો લાભ એ પછીના કવિઓને થયો. ભાષાની આ વિ-શેષતા અને એની કોઈપણ સંવેદન-દૃશ્યને યથાતથ રજૂ ન કરી શકવાની મર્યાદાથી એક પ્રકારની સભાનતા સાથે હરીશ મીનાશ્રુ કાવ્યસર્જન શ્રેત્રે પ્રવૃત થાય છે.

   હરીશ મીનાશ્રુના પ્રથમ સંગ્રહ ‘ધિબાંગસુંદર એણી પેર ડોલ્યા’ ની ભાષા બહુધા સંસ્કૃતિ તત્સમ છે. વ્યંગ-વિડંબનને વ્યક્ત કરવા ભાષાનો તિર્યક પ્રયોગ કર્યો છે. જેમ કે :
“મૃણ્મય હું. મન તત્પ હિરણમય. મંથર ઝરું નિમિષ વિષે
પુષ્પ ઢગલીએ વરું વેદના. કમનીય સરું શિરીષ વિષે”
(ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા, પ્ર.આ પૃ-૭)
   તો કહેવતો-રૂઢિપ્રયોગોનો સર્જનાત્મક વિનિયોગ કરી ધાર્યું નિશાન પાડે છે. જેમ કે
“પાદવાની પહોંચ નહિ, તોપચીમાં નામ છે
(કે) સુંદર ધ્રિબાંગ ધૂર્ત આખા ગામે ગામ છે.”
(ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા, પ્ર.આ પૃ-૩૩)
   શબ્દોને-ભાષાના પોતને તોડી-મરોડીને નવો શબ્દ રચવાની કે સંદર્ભ રચવાની હરીશ મીનાશ્રુની ખાસિયતને કારણે જ એમની કાવ્યભાષા અનુઆધુનિકયુગના અન્ય કવિઓથી તદ્દન જુદી બને છે. જેમ કે :
“અમીં રે ગનપાવડરનાં માણસો...
થોડાં સુંદર છૈંયે ઝાઝાં છૈંયે ધિરબંગ
મારે તે આંગણ હિરોશીમળાનું ઝાડ ”
(ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા, પ્ર.આ પૃ-૪૪)
   ઉપરાંત અકાદમિયંતિ, કવનપ્રાશ, રેગન એમ અનેક શબ્દોને તેમણે મરોડ્યા છે. ઘણી વખત તો એમની પદાવલિમાં ભાષા અનેક સ્તરીય હોય છે. જેમ કે :
“અમે ઉઘાડાં તાસક જેવાં મધ્ય તિક્ત તાંબુલ
ઝડપ બીડું અયિ બલમ પિંજરે મૈન અતિવ્યાકુલ ”
(તાંબૂલ, પૃ - ૯)
   અહીં શરૂઆતની અડધી પંકિતમાં ગુજરાતી પદાવલિ પછી સંસ્કૃત તત્સમ શબ્દપ્રયોગો અને બીજી પંક્તિમાં વ્રજ-હિન્દી એમ ભાષાના ત્રિવિધ સ્તરો હોવા છતાં ક્યાંય કોઇ પદ આગતુંક લાગે નહીં એ રીતે પ્રભુને આત્મ સમર્પણનો ભાવ તીવ્રતમ રીતે નિરૂપિત કર્યો છે. ભાષાને આટલી સહજ રીતે ઘણા ઓછા કવિઓ પ્રયોજતા હોય છે.

   હરીશ મીનાશ્રુ મોટા ભાગે બે વિરોધાભાષી શબ્દો કે ભાવ મૂકીને પોતાના કથયિતવ્ય કે કાવ્યગત સંવેદનને વધારે ઘારદાર બનાવે છે. જેમ કે અહીં
“યુધ્ધ આદરવાની તારી એ ખૂબી
અન્યને લાગે કે જાણે તહકૂબી “
(પર્જન્યસૂક્ત, પૃ - ૪૭)
   ‘તહકૂબી’ જેવા ઉર્દૂ શબ્દપ્રયોગને કારણે કવિને પ્રાસ તો મળ્યો જ છે પણ પહેલી પંક્તિનો અર્થવિસ્તાર થયો છે. તહકૂબી એટલે યુદ્ધવિરામ.. આપણે જ્યારે કોઇની સાથે બોલવાનું બંધ કરીએ છીએ એ જ ક્ષણે આપણે યુદ્ધ શરૂ કરીએ છીએ, તો આવો એક સૂક્ષ્મભાવ અહીં માત્ર બે પંક્તિમાં એક શબ્દના વિશેષ પ્રયોગથી ઝિલાયો છે.

   હરીશ મીનાશ્રુની કવિતામાં સંસ્કૃત પદાવલિ, હિન્દી-ઉર્દૂ, ફારસી પદાવલિ, શિષ્ટ ગુજરાતી, ચરોતરી બોલીના પ્રયોગો એમ ભાષાના અનેક લેયર્સ છે. તો એક પ્રકારની ‘તોછડી તિક્તતા’ છે. એનું કારણ કદાચ કવિ કેફિયતમાં કહે છે તેમ “યુવાવસ્થામાં મારા ગુરુજી સન્મુખ સાત આઠ વર્ષ સુધી દરરોજ અનુનય પૂર્વક કબીરવાણીના રસાળ પાઠ કરેલા એનું રસાયણ પણ ચિત્તની કવિતાદાનીમાં સંઘરાયું હશે ને ?” (શબ્દસૃષ્ટિ, પૃ-૨૫૦, ઓક્ટોબર-નવેમ્બર - ૨૦૧૧)

   આ ‘તોછડી તિક્તતા’ ‘પદપ્રાંજલિ’નાં ગીતોમાં આપણે સવિશેષ જોઈ શકીએ છીએ.
“સાઘો, છિનાળ સૂતી ખાટે
ખણે વળી ખજવાળે ચપચપ સકલ સૃષ્ટિને ચાટે
બ્રહ્મકી કુતિયા કાટ ગઈ
તે હાડોહાડ હડકવા
જલની મછલી જલને દેખી
લાગી આજ ભડકવા”‘
(પદપ્રાંજલિ, પૃ-૬૯)
   અથવા
“સાઘો, એ શું મદિરા ચાખે
દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જઈ રુદરાખે”
(પદપ્રાંજલિ, પૃ-૩૪)
   ‘દરાખ’ અને ‘રુદરાખ’ એ પ્રાસ માટે તો જરૂરી છે જ પણ બન્નેના સંદર્ભો સાવ સામા છેડાના, અને વિરોધાભાસમાંથી એક ચમત્કૃતિ કવિએ રચી છે. આ ગીતોમાં બ્રહ્મની વિડંબના છે. રાવજીમાં પણ આપણે એ જોઇ શકીએ છીએ. તો મધુસૂદન કાપડિયા, લાભશંકર પુરોહિત જેવા વિદ્વાનોને એમની કવિતામાં નરસિંહનું અનુસંધાન દેખાયું છે. આત્મતત્ત્વની એવી કોઇ સૂક્ષ્મ ઝાંખીને રજૂ કરતી એમની કવિતા સંદર્ભે હરીશ મીનાશ્રુ પોતે જ કહે છે.
“ભૂતળ શ્રેષ્ઠ પદારથ હોવાની પૂર્ણ પ્રતીતિ હોવા છતાં કાવ્ય અને કળા મારે મન ઊણાં ઊતરે છે એવું હું આ પૂર્વ પણ કહી ચૂક્યો છું. હું પુનરોચ્ચાર કરું છું કે એનાથી વધારે તેજોમય અને નિર્મળા પદાર્થનો મને આછોતરોય પરિચય છે. એ પરિચયને લીધે બબ્બેવાર હું કવિતાથી અળગો રહ્યો છું, મને પ્રતીતિ છે કે એક દિવસ હું એનાથી પૂરેપૂરો મુક્ત થઈ જઈશ.
કારણ ?
-છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.
(શબ્દસૃષ્ટિ, પૃ-૨૫૧, ઓક્ટોબર-નવેમ્બર - ૨૦૧૧)
   ને માટે જ હરીશ મીનાશ્રુની કવિતા વ્યંજનાને પેલે પારની કવિતા છે. ઘણી વખત આ કવિતાની વિશેષતા જ એની મર્યાદા બની જાય છે. આધુનિક કવિતા જેવી નર્થતા કે દુર્બોધતા અહીં નથી પણ આધ્યાત્મિક અનુભવ કે પરલૌકિક અનુભવને કારણે કવિચિત્તમાં રહેલા સંવેદન કે દર્શનની કાવ્યાત્મક અભિવ્યક્તિમાં એ સંદર્ભ સુધી પહોચવું સામાન્ય ભાવક માટે જ નહીં, વિદગ્ધ ભાવક માટેય મુશ્કેલ બની જાય છે. ઘણી વખત ભાવક એ સંદર્ભો ન જાણતો હોય તો પણ એમ બને પણ એટલા પૂરતી મર્યાદા ભાવક પક્ષે ગણાય. આચાર્ય આનંદવર્ધને રસપ્રતીતિના વિઘ્નોમાં સર્જક અને ભાવક એમ બન્ને પક્ષે રહેલી મર્યાદાઓની વાત કરી છે. અંતે એટલું કહી શકાય કે હરીશ મીનાશ્રુની કવિતા સ્વ-વાચકની શોધની કવિતા છે.
* * * * *


0 comments


Leave comment