3.2.1 - સંજુ વાળાની કવિતાનું વિષયવસ્તુ અને સંવેદન / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   અનુઆધુનિક કવિતાનું એક મહત્ત્વનું લક્ષણ છે પરંપરા સાથેનું અનુસંધાન અને એમાં પણ મધ્યકાલીન જ્ઞાનપરંપરા અને ભજનપરંપરા કવિતામાં નવી રીતિઓ સાથે પ્રયોજાવા લાગી. તેમાં હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર અને સંજુ વાળા આ સંદર્ભે મહત્ત્વના છે. સંજુ વાળા પોતાની અરૂઢ શૈલીના ગીતો તથા ગઝલોને કારણે નોંધપાત્ર છે. સંજુ વાળાની કવિતાનું સંવેદન બહુધા અસ્તિત્વ, આત્મા, શરીર અને એની સાથે જોડાયેલા સંદર્ભે રજૂ થયું છે. ક્યાંક ક્યાંક સમકાલીન ઘટનાઓ પણ કાવ્યાત્મ રીતે ગીતોમાં રજૂ થઈ છે.
“સુખ તમાકું ચાવ્યાનું કાંઈ રગરગ
વહેતું રે....
તાર તાર રણઝણતું ત્રમ્...ત્રમ્...
આંખ ખૂલી ગઈ ત્રીજી
જોયુંને અણજોયું ચારેકોર થપાટો વીંઝી
અંગૂઠાનું જોમ છેક પરભવમાં પેઠું રે...
   આપણા પરંપરાગત ગીતોથી એક જુદો જ ઉઘાડ આ ગીતમાં છે. એકદમ હળવાશથી શરૂ થતા આ ગીતમાં ઉડાઉ શૈલીમાં અસ્તિત્વની વાત કવિએ વણી લીધી છે. વિષયની નવીનતાની રીતે ‘થાંભલી' ગીત મહત્વનું છે.
“થાંભલી તો એકલી અટૂલી....
બારી પરસાળ ભીંત ઓરડો ને મોભ એકબીજામાં
જાત રાત
ગોપવીને જાય બધું ભૂલી......
ઓચિંતા આળ સામસામે ઝિંકાય
પછી તારતાર ચીંઘામણ સોંસરવી નીકળે
ઓસરીની કોર લગી રેલાતું સુખ
હાથ લાંબા કરે ત્યાં ચડે પાદરના પીપળે
બારસાખ બોલે એ વાત બધી કેસરની દાબડીમાં
હેમખેમ રહેતી પણ
થાંભલીનું બોલ્યું ગૌધૂલિ....
‘પોતીકી સહુને સંભાળ મારે ઊંચકવા
તડકાળા ભાર’– એમ વિચારે કુંભી
ખરતી ખડૂસ ભીંત બોલી કે- ‘ભૂલીજા,
થોકબંધ ઝૂરવાનું રાજપાટ સૂંઘી’
સાંભળીને પાડોશી મોગરાના છાંયડાને મન થયું :
થાંભલીને થામું અંગૂલિ...''
(કંઈક/કશુંક અથવા તો... પૃ-૧૦)
   થાંભલી અહીં એક પાત્ર બની ગઈ છે. ઘરની બીજી વસ્તુઓ તો બધી વાતો ગોપવીને ભૂલી જાય છે. થાંભલી એ તો પેલાના સુખદુ:ખને પોતાના ટેકે પોતાનામાં સમાવી લીધા છે, છતાં થાંભલી તો એકલી અટુલી છે અને પછી એની એકલતાને દૂર કરવા માટે બાજુના મોગરાની વેલ થાંભલીની અંગૂલિ થામે છે. આ કલ્પના જ કાવ્યાત્મક છે. થાંભલીના પ્રતીક દ્વારા અનેક પાત્રોના ગોપિત સંવેદનો આ ગીતમાં રજૂ થયા છે. વિરહને રતિના ભાવ અહીં ‘રાત રસાળે’ ગીતમાં રજૂ થયાં છે. ‘બલમજી, અધમધ રાત રસાળે...” થી ગીતનો ઉઘાડ જોઈએ.
‘કુલેરના કળશી ભુક્કામાં ભળી જવાનું સુખ
સાયબા રહેતું જોજન દૂ...૨
હલે ડાળખી ફળિયે એના ઓછાયામાં
તરતાં વેરણ સાન-ભાન ચકચૂર
લવકારે લવકારે ધબકે સ્પર્શ બ્હાવરા શતશત ખટકે
શૂળ
શૂળ તો પરભવના સથવારા જેવી અંગત મારી
અકબંધતાને?”
(કંઈક/કશુંક અથવા તો... પૃ-૧૨)
   અહીં રતિરાગને કલ્પન અને પ્રતીકો દ્વારા રજૂ કર્યો છે. આ ઉપરાંત ‘અસમંજસનું ગીત', કેસરભીની હથેળીમાં’ ગીતો પણ મહત્ત્વના છે. રતિ પછીની પરોઢના સંવેદનને આલેખતું ગીત ‘પરોઢિયાનો વીંછી’ જોઇએઃ
“ઊઈ...મા, ડંખ્યો પરોઢિયાનો વીંછી...
મનમાની અંધારાનો ભરડો છૂટ્યો
હોઠ ઉપર એક
ચીસ ડૂબી ગઈ તીખી...
ઊઈ..મા, ડંખ્યો પરોઢિયાનો વીંછી...
પરવાળાં શી પાંપણ ઉપર કાજળ શાસિત રાજ!
કોરેમોરે સપનદેશનું અધખીલેલું ભાન!”
(કંઈક/કશુંક અથવા તો... પૃ-૧૫)
   ‘ઊઈ...મા’ શબ્દ દ્વારા ડંખની તીવ્રતા રજૂ થઈ છે તો ‘પરવાળાં શી પાંપણ’ કલ્પના પણ નવીન છે. આપણે ત્યાં આજ સુધી મોટેભાગે હોઠને પરવાળાં સાથે સરખાવ્યાં છે. મરણના વિષયવસ્તુ અને સંવેદનને વ્યક્ત કરતું ‘ગીત મરસિયા' ગીત એક-બે કલ્પનોથી વિશેષ આસ્વાદ્ય બન્યું છે.
“સૂમસામ સન્નાટો પહેરી લખલખનું ચોધાર:
બલમજી
શ્વેત ધુમાડો ઓઢી ઊજવું ફળફળતો તહેવારઃ
બલમજી
સેંથીના ખાલીપે ફૂટી તીક્ષ્ણ ચળકતી ધાર:
બલમજી”
(કંઈક/કશુંક અથવા તો... પૃ-૧૮)
   ‘સેંથીના ખાલીપે ફૂટી તીક્ષ્ણ ચળકતી ધાર’ માં સિંદુર વગરની સેંથીનું કલ્પન આખી વાતને વધારે કરુણગર્ભ બનાવે છે. આજ રીતે શબ્દ, જીવન, પ્રેયસી એમ અનેક અર્થોની સંકુલતા ધરાવતું ગીત ‘મારામાંથી છટકીને..’ પણ આસ્વાદ્ય છે. વિષયની રીતે ‘દરિયાઈ સ્પર્શના સંવેદનોનું ગીત', ‘પ્રથમ વરસાદ', ‘છેલબટાઉ કુંજમનનું ગીત’, ‘વોલપિસનું આત્મનિવેદન’ જેવાં ગીતોની સાથે ‘મિત્ર દેશળજીને પત્ર' ભાવ સંવેદનને કારણે નોખું પડતું ગીત છે.
“સાંબેલાની ધારે તારું સ્મરણ પજવે પ્રિય દોસ્ત હે : દેશળ !
કલમ બોબડી અધકચરું ઉચ્ચારે એમાં કેમ
પૂછી એ:કુશળ !
સાંજ પડેને તાકી રહેતું બોઘરણાં-શું તળાવ
કેમ ધુબાકો દૂઝે? ભીતર પડખાં ફરતો ભાવ
દોસ્ત ! હજી ઝૂરે છે વડની વડવાઈએ ફંગોળા લેતી
અટકળ !
સાંબેલાની ધારે તારું સ્મરણ પજવે... "
(કંઈક/કશુંક અથવા તો... પૃ-૨૮)
   ગીતના છેલ્લા અંતરામાં આવતા ‘ઓણ સાલ પાક્યાં છે મબલખ સંભારણાંઓ ખળે’ માં મિત્ર સાથે ન હોવાની વેદનાને વળ ચડે છે. ગીતના ઉધાડમાં જ આપણી લોકોક્તિ ‘સાંબેલાધાર પડતા વરસાદ’ને અહીં કાવ્યત્મક રીતે આંખોમાંથી જાણે કે અશ્રુઓ સાંબેલાધાર સ્મરણ રૂપે વરસી રહ્યાં છે. એ મુખ્યાર્થબાધ કરીને મળેલો અર્થ કાવ્યને વધારે કરુણ બનાવે છે. સંજુ વાળાના ગીતોમાં બહુધા સંત પરંપરા, અસ્તિત્વ સાથેના પ્રશ્નો વધારે નિરૂપાયા છે પણ આ કવિની સામાજિક નિસ્બત અને સાંપ્રતમાં બનતી ધટનાઓ પણ કાવ્યવિષય બનીને આવે છે. જેમ કે : ‘મિલમજૂરોનું સહગાન’
“હો...રે હેતાળ હાથ ઓળધોળ વાણામાં
તાણામાં સાટકા-સબાકા... ઓ...હો..રે
કાંજીમાં રેબઝેબ નીતરવું ગૂંથીને
બંધાવ્યા મલમલના તાકા ... ઓ...હો...રે
હો...રે ખટ્ટાક ખટ્...ખટ્ટક...ખટ્ટાક ખટ્ટ... ખટક
ખટ્ટાક ખટ્...હો... રે
(કંઈક/કશુંક અથવા તો... પૃ-૩૩)
   ગીત જેવા નજીક કાવ્યસ્વરૂપમાં આ પ્રકારના શબ્દો એને ભાર ઝલ્લુ બનાવે છે, પણ અહીં મિલના યંત્રોના અવાજને આવા શબ્દો દ્વારા ધ્વનિ રૂપ મળ્યું છે.

   આ ઉપરાંત ‘સખીરી ગૂચ્છ’નાં સાત ગીતો અને ગઝલોમાં જીવનદર્શન અને જુદીજુદી સંવેદનાઓ રજૂ થઇ છે. જેમકે : ‘લાગું ઝળળ ઝળળ’માં
“ઊંડાણથી તપાસ-આંખોનું પ્રવાહી તળ
થોડાં કમળ પછી તને મળશે નયાં વમળ
પથરાળ ભોમ છું. કશું ઊગી નહીં શકે
તું ક્યાં સુધી ચલાવશે આ શક્યતાનું હળ’’
(કંઈક/કશુંક અથવા તો... પૃ-૫૮)
   એમના અછાંદસ કાવ્યોના સંગ્રહ ‘કિલ્લેબંધી'ની રચનાઓમાં પણ ગીત-ગઝલના જ વિષયો સ્વરૂપ ફેરે પુનરાવર્તિત થયાં છે. ‘પાશ’, ‘તાપણાં', ‘તુરગ’ એનાં ઉદાહરણો છે. આ બધાથી જુદું પડતું ‘કબ્રસ્તાનમાં આંબલી’ વિષય અને સંવેદન બન્ને રીતે જુદું તરી આવે છે. તો ‘એક સ્મરણોક્તિ' કાવ્યમાં રાવજી પટેલનો સંદર્ભ છે પણ એ એટલો ગોપિત છે કે વિદગ્ધ ભાવક જ એને પકડી શકે.
“મારી કવિતાનો ભીનો રસાળ લય
અને
રજકાની ગંધ લઈને મહોરી ઉઠેલો ભાવ
ઝૂંટવી લીધા, અમરગઢ,
મારી લસલસતી ગોરાડું માટીનો
અનાવૃત પિંડ
તારા ક્યા અગોચર ખૂણામાં સંઘરી લીધો ?
મારી ભાષાનો
હરએક વણસ્પર્શ્યો વ્રણ
ઝંખે છે નવજાત છાપ
લાવ, મને પાછો આપ
મારો લય
મારો ભાવ
મારી ઉછળતી કૂદતી રમતિયાળ ભાષા”
(કિલ્લેબંધી, પૃ-૪૮)
   ‘ગોરાડું માટી’, ‘અમરગઢ’ અને ‘ભાષા’ના સંકેતો દ્વારા આ કાવ્ય રાવજીને માટે લખાયું છે એ સંદર્ભ ખૂલે છે. ‘કિલ્લેબંધી' રચનામાં કટાવની ચાલ છે. જેમ કે:
“જુગ-જુગાન્તર જૂની ભીંતે
પસવારું જ્યાં હાથ, હાથમાં
કશું નહીં –તો કાળો ઝંઝાવાત’
(કિલ્લેબંધી, પૃ-૫૧)
   આ રચનામાં માણસની આસપાસનું જગત, પોતાની જાતની ‘કિલ્લેબંધી'ને અનેક સંદર્ભો- પ્રતીકો દ્વારા ઉપસાવવાનો પ્રયત્ન થયો છે. આમ છતાં એટલું કહેવું પડે કે ‘કિલ્લેબંધી' સંગ્રહની અછાંદસ રચનાઓ કોઈ ખાસ નિજી ભાત રચી શકી નથી.

   સંજુ વાળાના ગીતસંગ્રહ ‘રાગાધીનમ્'માં એમનું ભજન પરંપરા સાથેનું અનુસંધાન વધારે તીવ્રતમ રીતે પ્રગટ થયું છે. વળી ગીત સ્વરૂપને પોતીકી ભૂમિકાએ તાગવાના પ્રયત્નો પણ તેમણે આ સંગ્રહમાં કર્યા છે. પ્રથમ ગીત ‘અણીએ ઊભા'માં મધ્યકાલીન ભજન પરંપરા આ રીતે રજૂ થઈ છે.
“થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન;
મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન.''
   માં ‘મૂળ રે વિનાનું કાયા ઝાડવું' જેવી ભજન રચનાના સંકેતો મળે છે. આગળ કહ્યું તેમ સાંપ્રત ઘટનાઓ પણ એમના ગીતોમાં વિષય બનીને આવે છે. ‘ખમ્મા...કાળને’ પણ ભૂકંપ જેવી આફતને આલેખતી સંકુલ રચના છે.
“ચંદ્ર તારકો નભગંગા નક્ષત્રો લઈને નભ ખરડાયું
ખમ્મા, આભને ખમ્મા... ખમ્મા...
જળમાં જાગી જળની ઝીણી કઈ ક્રીડાથી તળ તરડાયું
ખમ્મા, પાળને ખમ્મા... ખમ્મા...
ક્યાંક ગીચોગીચ વસ્તી ઉપર પવન
કરંગટી ખાઈ જાતને પડતી મૂકે
કડકભૂસ થઈ ખાબકતો માહોલ ક્યાંક
તો, ક્યાંક માતના થાન વસૂકે
જળ-સ્થળ માથે આકાશી પસ્તાળ પડી જનગણ ઝરડાયું
ખમ્મા,કાળને ખમ્મા... ખમ્મા...''
(રાગાધીનમ્, પૃ-૫૪)
   આ ગીતની શરૂઆતમાં ભાવકને કોઈ આફતના અણસાર મળે છે પણ બધું સંગોપિત છે. કશું સ્પષ્ટ નથી, પણ ગીતને અંતે આવતી પંકિત ‘જળ-સ્થળ માથે આકાશી પસ્તાળ પડી જનગન ઝરડાયું’માં ૨૬મી જાન્યુઆરીની સવારે આવેલા ભૂકંપનો સંદર્ભ ખૂલે છે.

   કોઇપણ સ્થળ-કાળના કવિ માટે પ્રેમ એ સનાતન વિષય છે. એ પ્રેમનાં અનેક રૂપો સદીઓથી પોતપોતાની રીતે આલેખતા આવ્યા છે. છતાં એ નિત્ય નવીન છે. સંજુ વાળાએ પણ ‘તું-હું' ગીતમાં પ્રેમના કોઈપણ શરત વગરનો સમર્પિતતાને કલાત્મક રીતે આલેખ્યું છે.
“જે કંઈ આપે બધું બેવડું પરત કરીશું
રખે ભૂલશો, એમાં અમને ગમતી કોઈ શરત કરીશું
જરા મૂછમાં મરકો ત્યાં તો
નવતર નસીબ ખૂલે
ગરીબ આખું ગામ, કોઈ ના
આવે મારી તૂલે.
તું આકાશી તારા માગે, તો પણ હાજર તરત કરીશું
રખે ભૂલશો, એમાં અમને ગમતી કોઈ શરત કરીશું.
તું જો નમણું ગીત બને, હું
થાઉં સૂરીલું ગળું
અજવાળું માગે તો દીવે
તેલ બનીને બળું
તું પહેરે તે ખેસ -ખમીસે પરવાળાં શાં ભરત કરીશું
રખે ભૂલશો, એમાં અમને ગમતી કોઈ શરત કરીશું”
(રાગાધીનમ્, પૃ -૭૭)
   ગીતમાં ઉધાડથી અંત સુધી ભાવનું એક સરખું નિર્વહણ થયું છે. વળી વાતચીતના લહેકા અને ગીતમાં આવતા ભાવની નજાકતતા અનુરૂપ સંદર્ભોથી આ એક નખશિખ આસ્વાદ્ય રચના બની છે.

   ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાના સમયથી વૃદ્ધાવસ્થાને લગતાં કાવ્યો લખાયાં છે. નરસિંહે પોતાના પદોમાં એ ભાવ ઉત્કટ રીતે પ્રગટ કર્યા છે. અર્વાચીનયુગમાં બ. ક. ઠાકોરના સૉનેટોમાં પણ વૃદ્ધાવસ્થાનાં સંવેદનો ઝિલાયાં છે. સંજુ વાળા ‘અધેડ પંચક'ની પાંચ ગીત રચનાઓ ‘ડાયાબિટિક’, ‘અનિદ્રારોગી', ‘સ્વપ્નભોગી', ‘સાયટિકાગ્રસ્ત’ અને ‘મરણોન્મુખ’ રચનાઓમાં એ ભાવને રજૂ થયો છે.
“શું કરીએ ? કોઠાની આગ અને ડળકંતી દાઢના આ શૂળનું?
આધેડનો આર્તનાદ સાંભળો હે નાથ !
હવે કાઢો નખ્ખોદ ગોળ પાપડીના કૂળનું...”
(રાગાધીનમ્, પૃ-૧૧૦)
   જેવા હળવી અને નાટ્યાત્મક પંક્તિઓથી ઉઘડતા ગીતથી શરૂ કરી અંતિમ ગીત ‘મરણોન્મુખ’ સુધી અનેક પ્રતીકો અને ભાષાના વિવિધ સ્તરો દ્વારા વૃદ્ધના કરુણ ભાવો કાવ્યરૂપ પામ્યા છે. સંજુ વાળાની સમગ્રકવિતામાંથી પસાર થતા એ તારણપર અવાય છે કે એમની કવિતામાં સંવેદનનું ઊંડાણ અને તીવ્રતા છે એટલી વિવિધતા નથી. વળી વિષયોનું એટલું વૈવિધ્ય નથી પણ અસ્તિત્વપરક રચનાઓમાં કવિ પોતાની ખાસ મુદ્રા ઉપસાવે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment