3.2.2 - સંજુ વાળાની કવિતાની અભિવ્યક્તિરીતિ / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   સંજુ વાળાએ ગીત ઉપરાંત ગઝલ, અછાંદસ, પરંપરિપત લયનાં કાવ્યો જેવા સ્વરૂપોમાં કામ કર્યું છે પણ એ મુખ્યત્વે ગીત કવિ છે. સંખ્યા અને ગુણવત્તા એમ બન્ને રીતે એમના ગીતોનું પલડું ભારે રહે છે. આપણી ગીત પરંપરા નરસિંહથીય જૂની છે. અર્વાચીન સમયમાં ન્હાનાલાલ અને રમેશ પારેખ જેવા ગીત કવિઓનો પ્રભાવ ખાસ્સો રહ્યો છે. રમેશ પારેખ પછી માધવ રામાનુજ, અનિલ જોશી, વિનોદ જોશી જેવા ગીતકવિઓએ પોતાની નોખી ભાત રચવાની મથામણ કરી. સંજુ વાળા માટે આ બધા પુરોગામીઓથી જુદા પડી ગીતમાં પોતાની સ્વતંત્રમુદ્રા પ્રગટાવવી એ પડકાર હતો. નાજુક નાયિકાના મુગ્ધ ભાવો, લયનો કેફ, તળપદા શબ્દો આ બધામાંથી છૂટી સંજુ વાળા ગીતને અગેયની નજીક લઈ જાય છે. પોતાની નિજી ભાષા ઘડે છે તે વિષયોમાં પણ તત્ત્વદર્શન તરફ વધારે ઝોક રહે છે ને એમ એ પુરોગામીઓ કરતાં જુદા પડી પોતાની એક મુદ્રા ઘડે છે. આપણે ત્યાં શરૂઆતથી જ એક માન્યતા પ્રવર્તે છે ગવાય તે જ ગીત. સંજુ વાળા એનાથી ઉફરા જઈ ગીતને બને તેટલું અગેય તરફ લઈ જાય છે. જોઇએઃ
‘બોલવા જઈએ તો બોલ સો મણની શિલા સંવિત્ સંકોચશીલ અણઘડ ઉતાવળા કે સ્પર્શો ત્યાં સંકોરે લીલા’
‘એક ઊંચી દીવાલ અને આપણે
ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા
આ બાજુ લ્હાય ડંખ્યા રે સાપણે...
(રાગાધીનમ્, પૃ-૧૦૩)
‘વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
સામેના ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી
આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ,
બાજુના ફળિયામાં દેસાઈ દંપતીની આંખો થઈ રહી જાતી આઠ
શેઈમ શેઈમ બબડીને ઘરમાં પુરાઈ જતા પાડોશી ભદ્રકાન્ત બક્ષી
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી”
(રાગાધીનમ્, પૃ-૮)
   ગીતને અગેય બનાવવા સંજુ વાળા સવૈયા, કટાવ, મનહર જેવા છંદોની મદદ લે છે. ને એમ અભિવ્યક્તિની નિજી તરેહ ઉપજાવે છે. મધ્યકાલીન ભજન પરંપરામાં આવતી અવળવાણી-વિરોધાભાસમાંથી પ્રગટતા અર્થો જેવી રીતિઓનો ઉપયોગ પણ સંજુ વાળાએ બખૂબી કર્યો છે. જેમકે :
“એક તાંતણે પુણ્ય પરોવ્યાં
બીજે અગણિત ગુના,
ભડભડ સળગ્યાં એક તિખારે
બન્ને ઢગલા રૂ-ના”
(રાગાધીનમ્, પૃ-૪૮)
“અણજોયાને જોયું કરવું, અણઘડ ઘડવા ઘાટ
ચાલ ન જાણી તો યે માંડી જગ જાહેર ચોપાટ”
(રાગાધીનમ્, પૃ-૪૪)
   સંજુ વાળા જુદીજુદી અભિવ્યક્તિરીતિઓ દ્વારા ગીત સ્વરૂપની શક્યતાઓને પણ તપાસી જુએ છે. એમના ગીતોના પ્રાસ પણ બહુધા શબ્દમેળ કરતાં અર્થમેળ વધુ છે. પરંપરાગત ગીતથી જુદું પડતું એમનું ગીત ‘પ્રથમ વરસાદ’ જુઓ:
“સખિયન! મેઘાડમ્બર
સખિયન ! રે નિલામ્બર
સખિયન ! ફાટ ફાટ ગોરમ્ભો તૂટે
સખિયન ! અંતઃકરણથી ધોધ વછૂટે
સખિયન ! થડકારા ઝિલાય વખબ્બર
(રાગાધીનમ્, પૃ-૬૦)
   સંજુ વાળાના ગીતોની અભિવ્યક્તિને પુરોગામી સમકાલીન ગીત કવિઓની અભિવ્યક્તિને કે ભાવ સંવેદનો સાથે તપાસતાં મણિલાલ હ. પટેલ યોગ્ય નોંધે છે.
“લયને લયના કેફ સન્દર્ભે નહિ પ્રયોજતાં લયને ભાવાર્થનું રસાયન રચવા માટે યોજવાની નેમ ઉપકારક બની છે. વળી કવિનું આ વલણ એમને રમેશ પારેખ વગેરેની લય યોજનાથી પણ અળગા રાખે છે ને નિજી દિશામાં દોરે છે. મુખડા-અંતરાની સંરચનાઓનું વૈવિધ્ય પણ સંજુ વાળાની પોતાની દિશાની ગીત-આરાધના જ સૂચવે છે. પ્રણયની બાબતમાં નાયક-નાયિકાની આરત કે એષણા પમાય છે પણ ત્યાં પણ છેવટે વાત તો તત્ત્વ-સત્ત્વ તરફનો ઝુકાવ ધારે છે. વિનોદ જોશીમાં કાવ્યપૂર્ણ રંગર્દશી છટાઓ ઘણી છે. સંજુ વાળા એ દિશામાં પણ જવાનું ટાળે છે. માધવ રામાનુજ વગેરે પુરોગામીઓમાં ગળચટા ભાવોનું ભીનું ભીનું વર્ણન આવે છે. સંજુ વાળા એવી સંવેદનાઓને ઉચિત રીતે જ તડકે નાખે છે. કુટુંબમાં જે ભજન પરંપરા હતી એનો વારસો એમને સંયમિત રાખીને સંકેતાત્મક રચનાઓ કરવા તરફ વાળવામાં સફળ થયો છે એમ પમાશે. અહીં ક્યારેક તો સરળતા અને પ્રવાહિતાની આકર્ષક ઉપસ્થિતિ મળે છે. ને એમાંય વળી સંકેતો ભળતાં પ્રગટતી ભાવ સંકુલતા ભાવકને ન્યાલ કરી દે છે.”
“હજુ પવનમાં ભેજ વહે છે, હજુ ઢાળ છે લીલા,
હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સૂરીલા
હજુ કોઈ માળામાં પ્રગટે પહેલવહેલું ચીં... ચીં...
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી
હજુ પ્રભાતી સ્વર ઊઘડતા તુલસી ક્યારો સીંચી”
(રાગાધીનમ્, પૃ-૧૯)
   આ ઉપરાંત ‘અણીએ ઊભા’, ‘મજા', ‘એક પલકારે’, ‘શબરીને મન’, ‘હે પાનભાઈ’, ‘સરખી સૌની રાવ’, ‘માણસ' જેવી ગીત રચનાઓ મહત્ત્વની છે. ‘શબરી', ‘પાનબાઈ', ને જૂઠી સંવેદનાની અને અનુભૂતિની ભૂમિકાએ ગીતમાં ઢાળ્યા છે.

   ગઝલ સ્વરૂપમાં પણ સંજુ વાળા લાંબી બેરની ગઝલ, ટૂંકીબેરની ગઝલથી માંડી અ-નિયંત્રિત ગઝલ સુધીની અભિવ્યિક્તિરીતિઓ અપનાવી છે. ગીતની જેમ ગઝલમાં પણ એમની પોતાની મુદ્રા છે. ‘એક અ-નિયંત્રિત ગઝલ’ જુઓઃ
“ઓગળે દૃશ્યો બધાં ધુમ્મસ
બની
શ્વાસ મધ્યેની તિરાડો વિસ્તરો
હજી...
ક્યાં હશે તું? ત્યાં? અહીં?
ચોતરફ ઘૂમી-ઘૂમી-ઘૂમી નજર
પાછી વળી
આ અચાનક શિલ્પના ઉચ્ચાર –
- થી દ્રવી ભાષા નવી”
(રાગાધીનમ્ – પૃ-૯૧)
   અહીં પ્રયોગ છે પણ કાવ્યત્વની શરતે. ‘કંઈક/કશુંક અથવા તો..” ના થોડા શેર જોઈએ:
“તાપણું છોડી અને ભાગી છૂટેલો એક બળવાખોર તણખો
એ જ છે હમણાં લખેલી વારતાના અંતમાં આવેલો ફકરો” પૃ-૪૮

“રંગીન પીછાંનું ખમીસ પહેરીને
આ કોણ ઘૂમે છે કલિંગ પહેરીને
મારા જ ઘર બાજુ કદાચ આવે છે
અલ્લડ પવન આખીય સીમ પહેરીને” પૃ-પ૧
   ટૂંકીબેરની ગઝલમાં પણ ભાવની તીવ્રતા આ રીતે જળવાઈ છે.
“મનની મસૃણ મેડીએ
ચાલો હવે ટહેલીએ
આ મધપૂડા અવાજના
મંજેડીએ-ઉજેડીએ” પૃ-૫૭
   ગીતમાં આવતા ‘રે’ જેવા લય પૂરકો ગઝલમાં પણ કાફિયા તરીકે પ્રયોજ્યા છે. તો ક્યાંક ક્યાંક પુરાકલ્પના પણ નવો અર્થ ધારે છે. જેમ કે :
“પર્યાપ્ત છે કારણઃ ગઝલનું મૂળ પેલી માછલીની આંખમાં અકબંધ છે
હું સ્તબ્ધ, પારાવારને કાંઠે ઊભો તાક્યા કરું છું જાળને હે અક્ષરા !” પૃ-૪
   સંજુ વાળાએ અછાંદસ કવિતાનો એક આખો સંગ્રહ ‘કિલ્લેબંધી' આપ્યો હોવા છતાં અછાંદસમાં એ કોઇ નિજી તરેહ રચી શક્યા નથી. આધુનિક કવિતાની અર્થહીનતા કે દુર્બોધતા અહીં પણ ઘણી રચનાઓમાં છે ને જે રચનાઓમાં સંકુલતાથી જુદા જુદા સંવેદનો-સંદર્ભો પ્રયોજાયા છે, એ કોઈ વિશેષ સર્જક ઉન્મેષ દાખવતી નથી. આમ છતાં સમગ્રપણે જોતાં સંજુ વાળાની ગીતકવિતા આધુનિકોત્તર ગુજરાતી કવિતામાં પોતાનું એક નોખું સ્થાન રચે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment