3.2.3 - સંજુ વાળાની કવિતાની ભાષા સંરચના / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   સારો કવિ પોતાની એક કાવ્યભાષા ઘડતો હોય છે. સંજુ વાળાના ગીતો-ગઝલોમાં તત્ત્વદર્શન, જીવનદર્શન, અંગત સંવેદનાઓએ કરીને જે ભાષા આવે છે એ એમની વૈયક્તિક મુદ્રાવાળી ભાષા છે. દલપત પઢિયારની જેમ સંજુ વાળાને પણ નાનપણથી ભજન ભાગ્યમાં આવેલું છે, અને બાળપણના એ સંસ્કારો એ જ એમની ભાષાને પણ ઘડે છે. પોતાના ઉછેર સંદર્ભે સંજુ વાળા લખે છેઃ
“મારો ઉછેર તલવારની ધાર પર ચાલનારાઓની પરંપરામાં થયો. ભજન એક એવી વસ્તુ છે કે એ માણસને કાં તો તારે અને કાં તો ડુબાડે. ભજનની ભાવપરંપરા મને ગળથૂથીમાં મળી. મારા દાદીમા આખા પરગણામાં ઊંચા ભજનિક તરીકે વિખ્યાત હતાં. ભગત પરંપરામાં તેમનો જન્મ. આજે પણ સાવરકુંડલામાં તેમના પિતાશ્રી જગા ભગતના નામ પર મોટું મંદિર ઊભું છે..... આ પરંપરા મારા પિતાશ્રીએ પણ તનમનથી ઝીલી. તેઓ પણ લોકઢાળવાળાં દેશી ભજનો અને ગુરુમુખી વાણીના ગાયક અને ઉપાસક રહ્યાં છે. બચપણમાં હું પણ એમની આંગળી ઝાલીને ગામમાં અને આજુબાજુનાં ગામોમાં ભજન મેળાવડાઓ અને રામદેવપીરના પાટપૂજાના પ્રસંગોએ ગયો છું અને ભજન પણ ગાયાં છે.”
(શબ્દસૃષ્ટિ, પૃ-૨૨૧ ઓકટોબર-નવેમ્બર ૨૦૧૧)
   માટે જ સંજુ વાળાની કવિતાની ભાષામાં આપણી ભજન પરંપરા સાથેનું અનુસંધાન દેખાય છે. આપણી કહેવતો, રૂઢિપ્રયોગમાં એકાદ શબ્દફેરથી સંજુ વાળા એક નવો જ અર્થ નિપજાવે છે. જેમ કે :
‘એક ઝાલું ત્યાં તેર વછૂટે...’
(કંઇક/કશુંક અથવા તો... પૃ-૦૯)
   અહીં એક સાધુ ત્યાં તેર તૂટે વાક્યપ્રયોગમાં ઝાલું અને વછૂટે તેવા બે શબ્દફેરથી ચિત્તની સ્થિતિનું અને આસપાસના જગતમાં રહેલી ઇન્દ્રિયલાલસાઓ સાથેના સંધર્ષને કાવ્યરૂપ મળ્યું છે. તો ‘સખીરી’ ગુચ્છના પ્રથમ ગીતમાં
“ભાગવત આ અક્ષરિયત-ને
છળમય ભાષા તળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની”
   અહીં ‘શરિયત’ને સ્થાને “અક્ષરિયત’ કરીને એક નવો સંદર્ભ રચ્યો છે. ‘રાગાધીનમ્'ના ગીતામાં ક્રિયાપદો વિશેષ છે.
“વડને વળગેલ કોઈ વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને” પૃ-૪૮

“રોજ ઝઘડવું, છૂટ્ટુ પડવું, રડવું, પાછું મળવું,
આ તે કેવું દળવું જેને રોજ ઊઠીને દળવું” પૃ-૫૦

“છૂટી... જઈ... ખૂટી... જઈ... વાંઝણીના પેટ જેમ
ફૂટી જઈ મ્હાલ્યા... મહાલ્યા
ચાલ્યા... ને... બેઠા... ને.. પિંડીએથી નિચોવ્યા
થાક, ફરી ચાલ્યા... ચાલ્યા...” પૃ-પ૧
   ‘પાંગરવું પીગળવું ખરવું ખોવાઈ જવું’ જેવા એક સાથે ચાર ક્રિયાપદો મૂકીને વેલને સંદર્ભે આખી જીવનલીલા કવિ બતાવી દે છે. આધુનિક શૈલીવિજ્ઞાનની જેમ આ પ્રકારની ભાષાને તપાસતાં નવી શક્યતાઓ પણ ઊધડી શકે, જીવનની એકવિધતામાંથી એક પ્રકારની ઍબ્સડીટી જન્મતી હોય છે. એકની એક ક્રિયા માણસમાં કંટાળાનો ભાવ જગવે છે. સીસીફસને જેમ પથ્થર ડુંગર પર ચડાવવાનો છે, ને એ પથ્થર ગબડે પાછો ચડાવવાનો એમ એક ક્રિયા કરતા રહેવાનું છે. ‘રોજ ઊઠીને દળવું' ગીતમાં આવતા ક્રિયાપદો દ્વારા સંબંધો અને જીવનની એકવિધતા ક્રિયાત્મક રીતે દેખાય છે.

   ક્યાંક ક્યાંક પ્રાસ માટે આવતા શબ્દો ગીતના સંદર્ભ સાથે બંધ બેસતા નથી ત્યારે કૃતક લાગે છે જેમ કે:-‘સ્મરણ’ ગીતની પ્રથમ પંકિતમાં
‘અદ્દલ એકલપેટાં
હા-હોંકારો કંઈ ના આપે સ્મરણ ચરતાં ઘેટાં’ પૃ-૬૧
   ‘સ્મરણ ચરતાં ઘેટાં' જેવી નવીન કલ્પન આપ્યા પછી ગીતની અંતિમ પંક્તિમાં
“મથો ભૂંસવા એથી બમણા વેગે વધતો ‘ડેટા',
હા-હોંકારો કંઈ ના આપે સ્મરણ ચરતાં ઘેટાં” પૃ-૬૧
   આ ગીતના સમગ્ર ભાવ અને પદાવલિને જોતાં ‘ડેટા’ શબ્દ આગંતુક લાગે છે ને કહે છે એ જ રીતે ‘બોલ સો મણની શિલા' ગીતમાં
“નાભિમાં ધમધમતાં
લયનાં ઘમસાણ જાણે : ધક્કે ચડ્યા હો ગોરીલા
બોલવા જઈએ તો બોલ સો મણની શિલા”
(કંઇક/કશુંક અથવા તો... પૃ-૦૮)
   અહીં પણ આખા ગીતના ભાવને જોતાં ‘ગોરીલા’ શબ્દ પદાવલિ સાથે સંવાદિતા રચતો નથી પણ અર્થની રીતે જોતાં ‘ધમસાણ’ (યુદ્ધ) અને ‘ગોરીલા' એમ એક અર્થસંદર્ભ રચાય છે.

   ગામડામાં ભજનિક પરિવારમાં થયેલા ઉછેરને કારણે સંજુ વાળાની કવિતાની ભાષા આધુનિકોત્તર યુગના બીજા કવિઓથી જુદી ને એ રીતે પોતીકી છે. એમાં આવતા બોલચાલના શબ્દો, નવીન કલ્પનો ક્યાંક ક્યાંક આવતા રવાનુકારી શબ્દો, વ્રજભાષાની છાંટને કારણે એમના કાવ્યોને નવા અર્થો સાંપડે છે. જેમ કે રવાનુકારી શબ્દો, વ્રજભાષાના મિશ્રણવાળું ગીત ‘પ્રથમ વરસાદ’
“સખિયન! ધણણણ ધણણણ ગર્જત બાજત ઢોલ મૃદંગો
સખિયન ! હડૂડૂડૂ હડૂડૂડૂ લેવત હય ગજરાજ અડિંગો”
(કંઇક/કશુંક અથવા તો... પૃ-૨૩)
   પ્રથમ વરસાદના ધડધડાટ અહીં રવાનુકારી શબ્દોથી વ્યક્ત થયો છે તો
‘જંપી રહેલા જળમાં મારી મેખ’ પૃ-૧૨

‘સીમ ભરીને લાવ્યું કોઈ ઉચાટ' પૃ-૧૩

સેંથીના ખાલીપે ફૂટી તીક્ષ્ણ ચળકતી ધાર : બલમજી’ પૃ-૧૮

‘છેલ્લા વળાંક ઉપર સોડતાણી સૂતેલા
પાગલ પર રાત આખી ગુલમ્હોર વરસેલો ' પૃ-૨૦

‘બળતરા, ચામડીનું તળ ફોડીને ઉપસેલી ખીલી...' પૃ-૨૧
   જેવા અરૂઢ કલ્પનો દ્વારા હયાતીની સાથે જોડાયેલ પીડાઓ વધારે કાવ્યાત્મક રીતે રજૂ થઈ છે. ઘણા ગીતોમાં આવતા વર્ણાનુપ્રાસને કારણે ગીતને સંગીતત્વ મળે છે. પુરોગામી અને સમકાલીન ગીતકવિઓની કવિતામાં આવતા નાજુક શબ્દો અને શબ્દાળુતાથી સંજુ વાળાએ પોતાને છેટા રાખ્યા છે. તેમણે ભાવ અને વિચારને અનુરૂપ પદાવલિ યોજી છે. ‘કંઈ’ ગીત જોઇએ :
“જાણ્યું એવું જડ્યું નહીં કંઈ,
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ,
શુષ્ક સરોવર, સાંજ, નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા
રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા”
(રાગાધીનમ્ – પૃ-૪૬)
   આપણા સંત કવિઓના પદોમાં સિદ્ધ થયેલી પદાવલિ કવિને શૈશવથી આત્મસાત થયેલા હોવાથી સંજુ વાળાની કાવ્યભાષા માત્ર ભાષાકર્મ કે શબ્દ્ળુતા ન રહેતા સહજ બની આવી છે.
   અંતે સમગ્રપણે જોતા સંજુ વાળાની કવિતામાં આધુનિકોત્તર કવિતાનું મહત્ત્વનું લક્ષણ પરંપરા સાથેનું અનુસંધાન અને પોતીકી મુદ્રા બનીને બરોબર ઉપસે છે. રધુવીર ચૌધરી ગીત સંદર્ભે યોગ્ય નુકચેતી કરે છે.
“કવિ હવે ગદ્યની વધુ નજીક ન જાય અને નરસિંહ-મીરાં, રવિ-ભાણ પરંપરામાં ઉત્તમ ઊર્મિગીતો ઉમેરે. ગીતના સ્વરૂપ સાથેનો ધરોબો બોલચાલના શબ્દો અને લક્ષણોની તાજગીભરી વરણી અને ખાસ તો જીવનની સમજણ જોતાં આવી અપેક્ષા અને શુભેચ્છા વાજબી ઠરે”
(રાગાધીનમ્, પૃ-૦૯)
* * * * *


0 comments


Leave comment