4.1.1 - દલપત પઢિયારની કવિતાનું વિષયવસ્તુ અને સંવેદન / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   મોટાભાગના આધુનિકોત્તર ગુજરાતી કવિઓની જેમ જ દલપત પઢિયારનું બાળપણ, કિશોરકાળ પોતાના વતન-ગામ કહાનવાડી (તા. આંકલાવ)માં મહીસાગરને ખોળે વિત્યાં. ત્યારબાદ તે ઉચ્ચ અભ્યાસ માટે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં આવ્યા. અહીં અભ્યાસ કરી મ.દે. ગ્રામસેવા મહાવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. ત્યાં થોડો સમય નોકરી કરી ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી ગુજરાત સરકારની વહીવટી નોકરીમાં જોડાયા અને એમ એમનો શહેર નિવાસ શરૂ થયો. આ શહેર નિવાસના કારણે વતન-ગામનો વિચ્છેદ એમની કવિતાના વિષય અને સંવેદન બન્યાં. વળી રવિભાણ સંપ્રદાયની પિતૃક ગાદીના વંશજ હોવાને નાતે આધ્યાત્મિક સંસ્કારો તથા ભજન પરંપરાના સંસ્કારો બાળપણથી તેમના ચિત્તમાં ઝિલાયા. જે આગળ જતાં તેમની કવિતાના વિષય અને સંવેદન બન્યાં. જેમકે....
“ધણથી છૂટા પડેલા ઢોર જેવો
હું
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રજળપાટ કરું છું.
પાનાંનાં પાનાં ભરાય છે, રોજ...
હતું કે :
કાગળ-કેડી કોતરી લેશું,
કૂવો-પાણી ખેંચી લેશું,
એક લસરકે ગામપાદરને ઊંચકી લેશું !
આ શબ્દોની ભીડમાં
મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં
એક જ કમાડમાં આટલા બધા શબ્દો
વસાઇ જશે એની ખબર નહીં,
બાકી નળિયા આગળ જ નમી પડત.''
(ભોંયબદલો, દલપત પઢિયાર પ્ર.આ. ૧૯૮૨ પૃ-૧-૨)
   ઉપરોક્ત કાવ્યમાં માત્ર વતનનો ઝુરાપો જ નહીં પણ કાવ્યસર્જનની પ્રક્રિયા પણ છે. પોતાની અંદર પડેલા સંવેદનને કાવ્યરૂપ આપવા માટે કવિ સતત મથતો રહે છે. પણ ઘણી વખત એ મથામણનો કોઈ અર્થ સરતો નથી. જેમકે અહીં.....
“અહીં કાગળના વિસ્તાર પર
રોજ રજળપાટ કરું છું.”
   માં એ રઝળપાટ છતાં ક્યારેક શબ્દની મોરીએ કશું ન પણ ખેંચાય એવું પણ બને.

   ‘મારો ભોંયબદલો' રચનામાં પોતાના બદલાયેલા પરિવેશમાં છૂટી ગયેલા વતનની યાદ તારસ્વરે રજૂ થઈ છે.
“હું
આ નગરમાં ભૂલો પડેલો જણ છું.
કાચની બારીમાંથી
રોજ સાંજે વીખરાઈ પડતું ધણ છું.
મહી નદી !
મારા સામું જોઈશ નહીં
હું હવે અનાવૃત્ત થઈ શકું તેમ નથી.
ઈન્જેક્શન લઈ લઈ ને
મેં તારું પાણી બદલી નાખ્યું છે”
(ભોંયબદલો, દલપત પઢિયાર પ્ર.આ. ૧૯૮૨ પૃ-૩-૪)
   અહીં ‘ઈન્જેક્શન લઈ લઈને મેં તારું પાણી બદલી નાખ્યું છે.’માં નગર નિવાસથી જાણે કે નાડીમાં વહેતું એ નિર્મળ જળ પણ બદલાઈ ગયું છે. એ સંવેદન કલાત્મક રીતે રજૂ થયું છે.

   દલપત પઢિયારનાં પરંપરિત લયનાં અને અછાંદસ કાવ્યોમાં આત્મખોજ, વતન વિચ્છેદ તારસ્વરે રજૂ થયો છે. દરેક સંવેદનશીલ, વિચારશીલ વ્યક્તિને પોતાનાં મૂળિયાની શોધ પજવ્યા કરે છે. પોતે કોણ છે? ક્યાંથી આવ્યો? આ બધા પ્રશ્નો સતત એના ચિત્તમાં ઊઠતા રહે છે, માટે જ રમેશ પારેખ જેવા કવિ પાસેથી ‘તારા સોરઠ દેશે દંતકથા શો ફરું' જેવી રચના મળે છે. તો એના જેવું જ સંવેદન ધરાવતી દલપત પઢિયારની રચના છે ‘હું દલપત, દળનો પતિ...'
“હું દલપત, દળનો પતિ...
ધડ પડે ને શીશ લડે,
એ કથા અમારી નથી
રણ કે મેદાનો વિશે અમને કંઈ માહિતી નથી !
સુર સંગ્રામે ખેલનાર કોણ હતા, ક્યાં ગયાં ?
એ વિશે પણ અમે કશું જાણતા નથી?
અમે અહીં ભર્યે ભાણે બેઠા છીએ,બારોબાર !
પાદર પાદર પડી છે સિંદૂરી ખાંભીઓ
અન્ય રડે ને આંસું અમને પડે
એ વ્યથા અમારી નથી...”
(સામે કાંઠે તેડાં, દલપત પઢિયાર, પ્ર.આ. ૨૦૧૦)
   પોતાના અસ્તિત્વની ખોજ અહીં જોઈ શકાય છે. પોતે ક્ષત્રિય છે. માટે સિંદૂરી ખાંભીઓ, ભાલો, શૂરવીરતા, તલવાર, યુદ્ધના સંદર્ભો દ્વારા પોતાનાં મૂળની શોધની મથામણ અનુભવાય છે.

   રમેશ પારેખની ‘તારા સોરઠ દેશે કોઈ દંતકથા - શો ફરું’ રચના અહીં સરખાવવા જેવી છે.
“યાદ નથી
હું ગામ ધિંગાણે ખપી ગયેલા
સુંદરીઓની સિંદુરભીની આંગળીઓના
કંકણવંતા સ્પર્શ સોંસરી
કંકણવંતા હાથ સોંસરી
લોહી સોંસરી
લોહી સોંસરી
જીવ સોંસરી
હરતી ફરતી વીરગતિમાં હોઉં.
છતાં
હું તારા સોરઠ દેશે કોઈ દંતકથા-શો ફરું."
(છ અક્ષરનું નામ, ચોથી આવૃત્તિ-૧૯૯૫ પૃ-૧૨૦-૧૨૧)
   સુર-સંગ્રામ, યુધ્ધ ધિંગાણા, પાળિયા, ખાંભીઓ એમ અનેક સંદર્ભોથી આ બે રચનાઓ સંવેદનની રીતે લગોલગ બેસે એવી છે. પોતાના નામ સંદર્ભ દલપત પઢિયાર લખે છે.
“સરકારી દફતરે, સર્ટિફિકેટમાં
એકદમ સ્પષ્ટ રીતે
અમારા નામ પાછળ ‘સિંહ’ લાગે છે !
આટલી બધી સહિઓ કરી
પણ અમે એનો ઉપયોગ ગૃહીત રાખ્યો છે!”
(સામે કાંઠે તેડાં, પૃ.૬૦)
   દલપત પઢિયારનાં કાવ્યોમાં વ્યક્ત થતા વતન વિચ્છેદ સંદર્ભે રાજેશ પંડ્યાનું વિધાન નોંધવા જેવું છે.
“હું
આ નગરમાં ભૂલો પડેલો જણ છું.
   આમ તો આ માત્ર સીધું વિધાન છે. કોઈપણ કાવ્યમાં ન ચાલે એવી આ પંક્તિ છે. પરંતુ તેને આપણે પ્રસ્થાપિત કરેલા વિશેષ સંદર્ભમાં જોઈએ તો, જણાય કે દલપત પઢિયારની કવિતા નગરમાં ભૂલી પડેલી એવી વ્યક્તિવિશેષના રજળપાટની કવિતા છે. ગ્રામભૂમિમાંથી નગરભૂમિમાં આવવું પડ્યું એ અર્થમાં તે ભોંયબદલાની કવિતા છે. સંગ્રહની મોટા ભાગની- એટલે કે ગીતો સિવાયની ત્રણ-એક જેટલી ખાસ કરીને અછાંદસ રચનાઓનાં મૂળમાં આ સંવેદન કાર્યશીલ રહ્યું છે. આ રઝળપાટ સૌંદર્યાભિમુખ કવિઓના નિરુદ્દેશ રઝળપાટ જેવો નથી. કવિ માત્ર ફરવા આવ્યો નથી. પરંતુ ભૂલો પડ્યો છે. ભૂલભૂલામણીમાંથી નીકળવાની મથામણ પણ રઝળપાટ જ બની રહે છે. એમાં જ્યાંથી તે આવ્યો છે, એ વતનની સ્મૃતિ કંઈક અંશે આશ્વાસન રૂપ બની રહે છે”
(નિમિત્ત, રાજેશ પંડયા, પ્ર.આ. ૨૦૦૪ પૃ-૧૧૨)
   આ તો થઈ અછાંદસ તથા પરંપરિતલય (મનહર/કટાવ) નાં કાવ્યોમાં આલેખાતા વિષય અને સંવેદનની, પણ ગીતો એ દલપત પઢિયારની મહત્ત્વની ઓળખ છે અને એ ગીતોમાં આવતા અધ્યાત્મિક સંદર્ભો, એમાં રજૂ થતાં સંવેદન પણ ધ્યાનપાત્ર છે. એમના ગીતોના વિષયોને સંવેદન જોતાં પહેલાં એમનાં ગીત (આમ તો સમગ્ર કાવ્યસર્જન)ની પીઠિકા એમના જ શબ્દોમાં જોઈએ.
“મારી ધાર્મિક પરંપરાએ તથા તે સંલગ્ન મારી આધ્યાત્મિક પ્રવૃત્તિએ પણ મારા સર્જકચિત્તને સેવ્યું છે અને સંસ્કાર્યું છે. મારાં ગામે, મારાં ઘરમાં રવિભાણ સંપ્રદાયની ગાદી છે. રવિભાણ સંપ્રદાય, એટલે આપણી અધ્યાત્મ ચેતનાના અગ્નિમય શિખર સમા કબીર સાહેબના સિદ્ધાંત, સાધના અને તત્ત્વદર્શનને વરેલો, આજથી સવા ત્રણસો વર્ષ પૂર્વે, ગુજરાતના ભાણસાહેબ અને રવિસાહેબે સ્થાપેલો સંપ્રદાય. આ સંપ્રદાય થકી ભાણસાહેબ, રવિસાહેબ, ખીમસાહેબ, ત્રિકમસાહેબ, મોરારસાહેબ, ભીમસાહેબ, દાસી-જીવણ, હોથી આદિ તેજસ્વી સંતોની ઝળહળતી શ્રેણી ગુજરાતમાં પ્રગટી છે. એમની અમરવાણી ગંગાની જેમ વહેતી રહી છે. જનલોકને નિર્મળ કરતી રહી છે. આ ભજનવાણી એ મને માર્યો છે, આ ભજનવાણી એ મને જિવાડ્યો છે. હું આ ઉજ્વળ પરંપરાની મારી કૌટુંબિક ગાદીનો સાતમી પેઢીનો વારસ છું. અઢીસોથી વધુ ગામો આ ગાદી હેઠળ છે. આજે પણ વર્ષ દરમિયાન બધાં ગામોમાં જવાનો, પાટ અને ભજન સત્સંગના માધ્યમ થકી બધાને મળવાનો અને વસતી ચેતાવવાનો અમારો નિયમ પાળું છું. જન્મની ક્ષણથી ભજન મારા ભાગ્યમાં આવેલું છે. ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા દાખલ થયો તે પહેલાં મને કેટલાંય ભજનો મોઢે હતાં. આજે પણ અપાર ભજનો મોઢે છે. જોઇને ગાવું નહીં એવો નિયમ રાખ્યો છે. ભજનો ગાવાની મારી ભૂખ મટી નથી. પાટમાં આખી રાત બેસું છું અને ગાઉં છું. મારી રચનાઓમાં જે આધ્યાત્મિક રંગ ઊધડે છે. તથા મારી કેટલીક ભજન પ્રકારની રચનાઓ સંગ્રહમાં છે, તેમાં આ આખી સંતપરંપરા અને તેમની વાણી સ્થાયી સંસ્કાર અને વાતાવરણ રૂપે પડેલા છે તેવી મારી પ્રતીત છે.”
(સામે કાંઠે તેડાં, પૃ ૧૦)
   દલપત પઢિયારની કવિતાને સમજવા માટે ઉપરોક્ત સંદર્ભ ખૂબ જરૂરી છે, તે માટે જ એમના ગીતોમાં અધ્યાત્મનો ભગવો રંગ આ રીતે રજૂ થયો છે.
“પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું !
ચાંદો સૂરજ ચૉકી બાંધી, નભ ચેતાવી બેઠો છું.

પવન બધા પરકમ્મા કરતા, નવખંડ ધરતી ના-તી
દશે દિશાઓ મંગળ ગાતી, છાયા, સકલ સમાતી,
આખા અક્ષત, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું...

નહીં પિંડ, બ્રહ્માંડ નહીં, નહીં પુરુષ નહીં નારી,
ઝીલે બુંદ કોઈ બાળકુંવારી, બીજમાં ઊધડે બારી,
સ્થંભ રચી બાવન ગજ ઊંચે, બાણ ચડાવી બેઠો છું...

ચડ્યા પવન, કંઈ ચડ્યા પિયાલા, જયોત શિખાઓ ચડી,
ચંદ્રકળાઓ ચડી ગગનમાં, અનહદ નૂરની ઝડી,
ઇંગલા પિંગલા શૂનગઢ સોબત, શિખર સજાવી બેઠો છું...

નહીં ઉદય કે અસ્ત નહીં, નહીં મંડપ નહીં મેળો;
જલ થલ ગગન પવન નહીં પંખી, નહી વાયક નહીં વેળા;
ગંગા જમના નાંગળ નાખી, ઘેર વળાવી બેઠો છું...
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું...”
(સામે કાંઠે તેડાં, પૃ ૨૬)
   કવિની ભજન પરંપરાના જ્ઞાન અને ચિત્તમાં પડેલા એ સંસ્કારોના કારણે આખી રચના પાટ પરંપરાની સાથે જોડાયેલા વિધિવિધાનોના સંદર્ભોને કારણે એક નોખી ભાત રચે છે. વળી આંતર પ્રાસોને કારણે સ્વરૂપની રીતે જોતાં પણ આ રચના ગીત પરંપરામાં મહત્ત્વનું ઉમેરણ છે. જીવનની નિરર્થકતાને હોવાપણાની વ્યંદતાને વ્યક્ત કરતાં ગીતો પણ દલપત પઢિયારની કવિતાનું મહત્ત્વનું અંગ છે.
“નક્કામો આ ફેરો દલજી, નક્કામો આ નેડો;
કોણ રહ્યું સણસારી ભીતર, કોણ ફાડતું છેડો ?''
(સામે કાંઠે તેડાં, પૃ ૨૦)
“કોઈ રે ઉતારો મારો અંચળો
અમે અમારા ઓઢેલા અંધાર રે !”
(સામે કાંઠે તેડાં, પૃ ૨૧)
“મેલો, દલપત, ડા’પણ મેલો !
છેક સુધી અંધારું છે.”
(સામે કાંઠે તેડાં, પૃ ૩૯)
   ઉપરોકત રચનાઓમાં અંતરને અજવાળવાની વાત છે. પોતાના વતન-ગામના વિચ્છેદ ઉપરાંત નગરજીવન અને ભૌતિકતાએ કેટલા સંવેદનબધિર બનાવી મૂક્યાં છે એ વાત પણ એમની કવિતામાં રજૂ થઈ છે. ‘સરગવો’ અને ‘પડતર’ કાવ્યોમાં એ પ્રબળ રીતે આલેખાઈ છે. પોતાના ઘરમાં એક વધારાનો રૂમ બનાવવા માટે લીલોકચ સરગવો કવિ પોતાને હાથે કાપે છે. પોતાની સંવેદના સાથે જોડાઈ ગયેલો સરગવો ભૌતિકતા તરફની લાચારી બતાવે છે.
“આજે
અમે જ્યાં સંખેડાનો સોફો ગોઠવેલો છે ત્યાં
મોટ્ટો, લીલોકચ સરગવો હતો.
આંખમાં માય નહીં ને નજરમાંથી જાય નહીં
એવી મોટી
અને જેના ઉપર ઇચ્છાઓ મૂકી રાખીએ એવી સળંગ
લાંબી સીંગો ઊતરતી
કોઈ ગોઝારી પળે
અમને શું ટૂંકું પડ્યું તે
અમે પાક્કો રૂમ બાંધવાનું વિચાર્યું !
મેં મારે સગે હાથે એનું થડ કાપ્યું હતું :
ભરેલી હાથણી ફસડાઇ પડે તેમ
આખું ઝાડ ભોંય ઉપર ઢગલો થઈ ગયું હતું!”
(સામે કાંઠે તેડાં, પૃ ૪૩)
   સીધા સાદા વાક્યોથી શરૂ થતું કાવ્ય આમ તો શરૂઆતમાં સપાટ વિધાનો જેવું લાગે પણ પછી આવતાં કલ્પન ‘ભરેલી હાથણીની જેમ ફસડાઈ પડવું’ થી કાવ્યને એક ઊંચાઈ મળે છે અને સંવેદનને એક ઘાટ મળે છે.

   આમ સમગ્રપણે જોવા જઈએ તો દલપત પઢિયારની કવિતાનું સંવેદન તથા વિષયવસ્તુ વતન- નગર- અધ્યાત્મ પૂરતું મર્યાદિત છે, પણ આ મર્યાદિત વિશ્વમાં પણ એમનાં કાવ્યોમાં જીવનના અનેક સંદર્ભો આવે છે. ગામ- વતન- મહીસાગર નદી, પોતાનો સમાજ, એનું જીવન, કૃષિજીવન સાથે જોડાયેલા પ્રતીકો- કલ્પનો, મેળાઉત્સવ, લગ્નગીતો- ભજનો, ફટાણાના લય, લોકભાષાના શબ્દો, અમલદારશાહી અને એની સાથે જોડાયેલાં કામો પણ વિષય બનીને દલપત પઢિયારની કવિતામાં આવે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment