4.1.2 - દલપત પઢિયારની કવિતાની અભિવ્યક્તિરીતિ / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   દલપત પઢિયારની કવિતામાં સંવેદનનું પોત જેટલું ઘટ્ટ છે એટલી અભિવ્યક્તિરીતિની વિશેષતાઓ નથી. ગીત-અછાંદસ અને પરંપરિત લયમાં એમનાં કાવ્યો અભિવ્યક્તિરીતિ કે રચનારીતિ એ એવા કોઈ મહત્ત્વનાં સ્થિત્યંતર રચતા નથી પણ એમાં આવતાં કલ્પન-પ્રતીકો અને અન્ય કવિઓના સંદર્ભો એમની કવિતાને એક નોખા અને નિજી અવાજની કવિતા બનાવે છે.

   ‘સામે કાંઠે તેડા'માં દલપત પઢિયારએ આપેલી પોતાની કેફિયતમાં કહ્યું છે કે એમના કાવ્ય - સર્જનની શરૂઆત ૧૯૭૪-૭૫માં ગૂજરાત વિદ્યાપીઠના પોતાના અભ્યાસ દરમિયાન થઈ. આ સમયગાળો એ ગુજરાતી કવિતામાં આધુનિકતાવાદી વલણોનો સમય હતો, ને ચિનુ મોદી તથા અન્ય કવિઓ ‘હોટલ પોએટ્સ’ નામનું ગ્રુપ ચલાવતા. એમાં કવિ જતા થાય છે અને પોતાની કવિતાઓ રજૂ કરતા થાય છે. ને એમ એમની કાવ્યપ્રવૃત્તિને વેગ મળે છે. દલપત પઢિયારની શરૂઆતની કવિતામાં અન્ય આધુનિકોત્તર કવિઓની જેમ રચનારીતિએ આધુનિકતાનો પ્રભાવ છે. જેમ કે:
શ્રી છકેલાજી
“એક દિવસ
છછુંદરી કંઇક બીજા જ કારણસર નાઠેલી
ને છક્યા, શ્રી છકેલાજી!
છક્યા તે એવા છક્યા
કંઈ એવા છક્યા કે
એક છેડેથી સમેટાય નહીં.”
(ભોંયબદલો, પૃ.૫૯)
   ઉપરોકત આખા કાવ્યમાં કવિની શૈલીમાં રહેલી આધુનિકતા નજર બહાર રહેતી નથી. આમ છતાં ‘ને વાદળમાંથી પડતી વીજળી કંદોરો થઈ જાય' જેવાં કલ્પનો આખી રચના ને માત્ર એક પ્રયોગ કે સપાટ વિધાનોમાંથી ઉગારી લે છે.

   માણસમાત્રમાં રહેલાં મિથ્યાભિમાન, આત્મપ્રશંસાની વાત રમેશ પારેખે આલા ખાચરના કટાક્ષ કાવ્યોમાં કરી છે. અહીં એ કાવ્યોના અનુસંધાન જેવા અથવા તો એના પ્રભાવ જેવા લાગતા કાવ્યોમાં વિષય અને રચનારીતિનું સામ્ય તરત નજરે પડે છે. જેમ કેઃ ‘બાપુ બહારવટે!’માં
“એક દિવસ
બાપુ બહારવટે ચડ્યા !
એમ જ, કંઈક ઊનું ઊથલે ચડ્યું
તે બાપુ બહારવટે ચડ્યા....”
   આ કાવ્યમાં આવતા પ્રાસ-અનુપ્રાસ, લય કાવ્યક્ટાક્ષને ઉપયોગી થયા છે અને તીર્થકતાને ધારદાર બનાવી છે જેમકે,
“બાપુ ! ભલે ઊગિયા ભાણ !
બાપુ ! તરવાયુનાં તાણ !
બાપુ ! ભર દરિયામાં વા'ણ !
બાપુ ! ભાષાનાં ભંગાણ !
બાપુ ! ભલે થિયા અસવાર !
બાપુ ! ઊંધી ગયા પળવાર !
બાપુ ! જળજળ બંબાકાર !”
(ભોંયબદલો, પૃ- ૬૫-૬૬)
   અહીં બીજી એક મહત્ત્વની વાત નોંધવા જેવી છે. પોતાની વાત રજૂ કરવા માટે કથા સાહિત્યના લેખક પાસે પાત્રો છે. નાટ્યકાર પણ પાત્રોના મુખે પોતાની વાત મૂકી શકે છે. પણ કવિતા જેવા પ્રમાણમાં વધારે સંકુલ નાજૂક સાહિત્ય સ્વરૂપમાં કવિ માટે એ પડકાર હોય છે ને માટે સમયે સમયે કવિઓ પોતાના કથયિતવ્યને ધારદાર બનાવવા રચનાપ્રયુક્તિ લેખે અવનવા પાત્રો સર્જતો હોય છે. આલા ખાચર કે રાવજીના હુંશીલાલ એનાં ઉદાહરણ છે. એજ રીતે દલપત પઢિયાર પણ જીવાજી અને દલપત જેવા પાત્રો દ્વારા પોતાના કથન માટેની એક જગ્યા કરે છે.
“જીવરામ !
તમે પાશેર પાણી
ને અધોળ અજવાળું,
માગી આણેલી માટી
ને વાંસ-લીધેલો વાયુ."
(ભોંયબદલો, પૃ-૧૮)
   અથવા
“મેલો, દલપત, ડા’પણ મેલો !
છેક સુધીનું અંધારું છે,
મૂકી શકો તો, દીવા જેવી થાપણ મેલો !
ભણ્યાગણ્યા બહુ દરિયા ડો’ળ્યા,
ગિનાન ગાંજો પીધો,
છૂટ્યો નહીં સામાન
ઉપરથી છાંયો બાંધી લીધો,
જાતર ક્યાં અઘરી છે, જીવણ ?
થકવી નાખે થેલો.....
મન હરાયું, નકરું, નૂગરું
રણમાં વેલા વાવે ,
ઊભા દોરનો દરિયો ફાડી
આડી રેત ચડાવે !
કેમ કરી રોકો છોળોને ?
બમણો વાગે ઠેલો...
પીએચ.ડી. ની પદવી તેથી શું ?
ભણી કવિતા ભગવી તેથી શું?
પડદા તો એવા ને એવા,
જ્યોત પાટ પર જગવી તેથી શું?”
(સામે કાંઠે તેડાં, પૃ-૩૯)
   ઉપરોકત કાવ્ય જાણે કે કવિની પોતાના મન સાથેની વાતનું કાવ્ય છે. કવિ પોતાની જાત સાથે નિર્મમ થઇને સંવાદ કરે છે. મન સાથે વળગેલા વળગણો જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી કશાયનો અર્થ નથી એ નિજી દર્શન અહીં રજૂ થયું છે. કાવ્યની શરૂઆત વાતચીતની ભાષામાં થાય છે. નરસિંહ પણ એ જ કહે છે.
“જ્યાં લગી આત્મ તત્ત્વ ચિંધ્યો નહીં
ત્યાં લગી સાધના સર્વ જૂઠી”
   અભિવ્યક્તિરીતિના આવાં કેટલાક ઉદાહરણો દલપત પઢિયારની કવિતાની ખાસિયત છે. આ ઉપરાંત દલપત પઢિયારની કવિતામાં અભિવ્યક્તિરીતિની મહત્ત્વની લાક્ષણિકતા બતાવવી હોય તો એ છે એમાં આવતાં ગ્રામ-તળપદ પ્રતીકો. આ સંદર્ભે ‘રાતો સમય’ કાવ્ય તપાસવા જેવું છે.
“તમે નહીં માનો
મેં આખા વગાની કુંભીઓ
રાતી થઈ જતી જોઈ છે.
આજે પણ કોઈક પલાંઠીએ
ઓટલો ને અંધારું
ઊંઘ અને અજવાળું
એક થઈ જતાં જોઉ છું.
એ રાતા સમયની કોઈ જ છાપ
હું તમને નહીં આપી શકું
કેમ કે વાત કરતાંમાં જ
રાતા અવાજનાં ઘર ધૂણી ઊઠે છે.
સમય હાંસિયા પાડી જાય છે.
રાતા અવાજના.
કોગળા કર્યા વગરનો જ પાછો
ફરે છે અવાજ
એકાદ છેડેથી ગાંઠ છોડું
ત્યાં તો
સમડીની આંખમાંથી છટકી ગયેલ
રાતી નજરનો દોરો
મારી આજુબાજુ પાંગથ બાંધી દે છે.''
(ભોંયબદલો, પૃ-૧૭-૧૮)
   ઉપરનું આખું કાવ્ય તપાસતાં ગ્રામજીવનના સંદર્ભોથી આવતાં કલ્પનો કાવ્યને સંકુલ બનાવે છે. “રાતા અવાજનાં ઘર ધૂણી ઊઠે છે”, “સમય હાંસિયા પાડી જાય છે” જેવાં કલ્પનો વતન વિચ્છેદની પીડાને બોલકી થયા વગર બને તેટલી સંકુલ બનાવે છે. આ ઉપરાંત
‘ગમાણમાં થાક ખાતો સમય’
‘મારે બધા જ અર્થો ઊપણી નાખવા છે.’
‘સમુદ્ર આખી રાત
ઓશીકે લહેર્યો લેતો પડ્યો હોય
ને સવારે
નરી તિરાડો જ ભેગી કરવાની હોય છે !'
   જેવાં કલ્પનો પણ ધ્યાનપાત્ર છે. દલપત પઢિયારની કવિતાની અભિવ્યક્તિરીતિ સંદર્ભે સંજુ વાળાનું વિધાન યોગ્ય છે:
“હ્યુમર કે સેટાયર દ્વારા અભિવ્યક્ત થવું સહેલું પણ અભિવ્યક્તિ સિદ્ધ કરવી અઘરી બાબત એટલા માટે કે ભાવક જો માત્ર હાસ્યમાં જ તરબોળ રહે તો ધારેલા લક્ષ્ય સુધી પહોંચાતું નથી. અહીંની કવિતામાં આશ્વાસનરૂપ છે. સ્વઓળખની શોધ એ આ કવિતાની વધુ એક ધ્યાન ચડતી વિશેષતા છે. ‘ભોંયબદલો’ની ‘જીવને’ અને ‘લ્યા જીવ’ માં સ્વસંવાદની રીતિએ કવિ અભિવ્યક્તિ સાધે છે તો, ‘જીવાજી ઠાકોર’ માં વ્યંગની સાથે નિજત્વની શોધ આરંભાય છે.”
(શબ્દસૃષ્ટિ, સંજુ વાળા, પૃ-૭૬, જુલાઈ ૨૦૧૨)
   દલપત પઢિયારનાં ગીતોને પણ અભિવ્યક્તિરીતિએ જોઇએ તો તેમાં ભજન પરંપરાનું અને લોકગીતોનું અનુસંધાન છે ને માટે એમનાં ગીતોમાં મોટા ભાગે આઠ-આઠ કે નવ અંતરા હોય છે. એટલે આપણા સમયમાં લખાતાં ગીતો કરતાં દલપત પઢિયારનાં ગીતો વધુ પ્રલંબ છે. પણ આ પ્રલંબતાની કોઈ નકારાત્મક અસર તેમનાં ગીતો પર પડતી નથી. તેમનાં ગીતના ઉપાડથી શરૂ કરી અંત સુધી સાંદ્યત ભાવની તીવ્રતા જળવાઈ રહે છે. જેમકે :
“સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ
ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને !
વેણું વાગેને સૂતી નગરી જાગે,
મન મથૂરા ને મારગ અધીર, ઝીલણ ઝીલવાને''
(સામે કાંઠે તેડાં, પૃ-૨૩)
   આ ગીતરચના કવિની ઓળખ છે. ફૂલ જેમ ઉઘડતીને સુગંધની જેમ ફોરતી નખશિખ ઉત્તમ ગીતરચના છે. આ ઉપરાંત ‘ઉમૈડી' જેવી ગીતરચના પણ ગીતમાં કવિની અભિવ્યક્તિરીતિના પ્રયોગ લેખે ધ્યાનાકર્ષક છે.
“મારા વાડામેં ઉમૈડી,
ઉમૈડી લચકાલોર, અઢળક ઉમૈડી ! ”
(સામે કાંઠે તેડાં, પૃ-૩૬)
   તો ઘણાં ગીતોમાં મધ્યકાલીન ભજનપરંપરાની અભિવ્યક્તિરીતિ છે. જેમાં
“મારા સતગુરુની સંગે રે, સતની વાતો થૈ !
હું તો આઠે પહોર ઉમંગે રે, સતની વાતો થૈ !
સતની વાતો થૈ, આખા ગામની ઘાત્યો ગૈ !
મારા સતગુરુની સંગે રે..........”
(સામે કાંઠે તેડાં, પૃ-૨૭)
આમ સમગ્રપણે જોતાં દલપત પઢિયારની કવિતામાં આધુનિક અછાંદસ રચના પ્રયુક્તિઓથી માંડીને ગીતની પોતીકી અભિવ્યક્તિરીતિ સુધીની રીતિઓ જોઈ શકાય છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment