4.1.3 - દલપત પઢિયારની કવિતાની ભાષા સંરચના / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   આધુનિકોત્તર કવિતાનું એક મહત્ત્વનું લક્ષણ છે એની ભાષારચના. આ સમયના સર્જકોએ સભાન કે અભાનપણે પોતાની કવિતામાં (આમ તો દરેક સાહિત્ય સ્વરૂપ) પોતાની તળપદ બોલીના પ્રયોગો કર્યા અને એ રીતે સંવેદનને નવો ઘાટ આપ્યો. મણિલાલ પટેલ, કાનજી પટેલ, સંજુ વાળા, વિનોદ જોશી, દલપત પઢિયાર, નીરવ પટેલ જેવા અનેક કવિઓની કવિતામાં તળપદા પ્રયોગો મળે છે. આ સંદર્ભે મણિલાલ હ. પટેલનું વિધાન જોઇએ.
“કવિ પોતાના કુળમૂળના પરિસરમાં પાછો જઈને પોતાની આધુનિક સંવેદનાને પ્રગટ કરવા, જુદા શબ્દો, કલ્પનો તથા વસ્તુવિગતો લઈ આવે છે. આથી અનુઆધુનિક કવિતામાં ભાષાકર્મ કવિએ કવિએ નોખું ને તાજું છે. (આધુનિક કવિતામાં એક તબક્કે બધી કવિના જાણે કોઈ એક કવિતા હાથે જ લખાતી ના હોય ! – એવું બન્યું હતું. કૃતિ નીચે નામ ન હોય તો કોઈને નામે પણ ચાલી જાય...!)”
(કવિતા : કાલની અને આજની, મણિલાલ હ. પટેલ, પ્રા.આ ૨૦૧૧, પૃ-૧૬૫)
   આધુનિકયુગમાં બહુધા એક પ્રકારના કલ્પન-પ્રતીકોમાં રાચતી ભાષાના એક સ્તર કરતાં એક જ પ્રકારના પ્રલાપો વઘારે થયા. અનુઆધુનિક કવિઓએ ભાષામાં પોતાની નોખી મુદ્રા પ્રગટાવી. જેમ કે - “મારે ગામ જતો હતો” માં
“દૂરથી
બળિયા બાપજીની ધજા દેખાઈ,
દેરીએ આવ્યો ત્યારે
બધી બાધાઓ છૂટી પડી
ત્રણ વખત શેષ માગું ન માગું ત્યાં
તોરણનાં નાળિયેર તૂટી પડ્યાં
કોઈનાંય સામૈયાં થયાં નહીં,
મોઈ લેવા દોડેલા મિત્રો
પાછા ફર્યા નહીં,
ઢોર સાચવવા સોંપી ગયેલી સૈયરોએ
પોતપોતાનાં ઘર બાંધી લીધાં હતાં.
આઘેથી લીલીછમ ટેકરી
મારાંમાં ક્યાંક ઊપસી ગઈ !
વારાફરતી વારો ગણતાં લપસણિયાં
ફુલેથી ફાટી ગયેલી ચડ્ડી ખંખેરતાંકને
પાછાં ઊભાં થઈ ગયાં-“
(ભોંયબદલો, પૃ-૮-૯)
   આ કાવ્યમાં દલપત પઢિયારે કરેલા પદવિન્યાસમાં ગ્રામબોલીના શબ્દોને કારણે આખા કાવ્યને એક પોતીકો અર્થ મળે છે. ‘ખંખેરતાક’ જેવા શબ્દપ્રયોગો ચરોતરની બોલીમાં સહજ છે ને એને કારણે વતન ઝૂરાપો તીવ્રતમરૂપે વ્યક્ત થઈ શક્યો છે. દલપત પઢિયાર પહેલાં રાવજી પટેલની કવિતામાં તળભાષા પ્રયોગો વધારે બળકટ રીતે રજૂ થયા છે. રાવજીની કાવ્યભાષામાં આવતાં કલ્પનો એના વતન વિચ્છેદના ભાવને વધારે કરુણ અને સંકુલ બનાવે છે. દલપત પઢિયારનાં ગીતોમાં આવતા ભાષાપ્રયોગો અને વક્રતાને કારણે એમનાં ગીતો વધારે ભાવ અને અર્થસભર બન્યાં છે. જેમ કે...
“એક ગર્દભડી જે ગાજરની લાંચી..
હોંચી રે હોંચી!
કુશકા ખાતાં એને કાંકરી ખૂંચી,
હોંચી રે હોંચી !
ઊભી બજારેથી ભાગોળે ભૂંચી....
હોંચી રે હોંચી !
લાવો પટોળાં ને લાવો લ્યા પાં’ચી !
હોંચી રે હોંચી ! ”
(ભોંયબદલો, પૃ-૧૧)
   અહીં એક ગર્દભડી ગાજરની લાંચી જેવા બોલચાલના ભાષાપ્રયોગ દ્વારા ગીતને બોલચાલની નજીક લઈ જાય છે. તો ‘લાવો લ્યા’ જેવા શબ્દોને ‘હોંચી હોંચી !' જેવા લય ટેકા ગીતને અગેયની નજીક લઈ જાય છે. તો
“કિયા તમારા દેશ દલુભા, કિયાં તમારાં કુળ ?
કિયા તમારા કાયમ ઠેકા, કિયાં તમારા મૂળ ? ”
   અથવા
“ભલી તમારી ભેટ દલુભા, ભલો તમારો ભાલો,
તીર ઉપાડી તેતર નાઠું, સતનો મારગ ઝાલો ! ”
(ભોંયબદલો, પૃ-૪-૫)
   જેવી ગીતરચનાઓમાં જયંત પાઠકની
“ભલું તમારું તીર ભલાજી ખરા તમે તાકોડી
એક મીંચીને આંખ માર્યું તે દલડું નાખ્યું તોડી
ભાલો ડે ભેરવીને હેડયાં તરફડતી ટીટોડી”
   અથવા
“વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ
ફૂલમાં ફોરમ થૈને પોઢો તમે ભલાજી
એક કરી લો ભૂલ”
(ભોંયબદલો, પૃ-૧૫)
   રચનાઓના પડઘા સંભળાય છે. રચનારીતિની દૃષ્ટિએ જોતાં બન્ને લગોલગ લાગે પણ ભાષા અને ભાવવિશ્વ તદ્દન નોખું છે. જયંત પાઠકમાં નાયિકા નાયકને મિલન માટે ઉપાલંભ આપે છે, નિમંત્રે છે, જ્યારે દલપત પઢિયારમાં આત્માતત્ત્વ, અધ્યાત્મના ભાવો તથા પોતાની જ વિડંબના છે. આમ ભાવવિશ્વની રીતે જોતાં તદ્દન નોખી રચનાઓ છે. ચંદ્રકાન્ત શેઠના શબ્દોમાં કહીએ તો આ પ્રકારની રચનામાં “એક સર્જક તરીકેનાં આ કવિનાં ધાટ-ઘડતર ને સંસ્કાર એવો છે કે કોઈપણ પ્રકારની કુંઠિતતા, દાંભિકતા કે કૃતકતા તેઓ બરદાસ્ત કરી શકતા નથી. તેમને તો પોતાના અસ્તિત્વના મૂળ-કુળ-વિષયક બુનિયાદી પ્રશ્નો સતત થયા કરે છે.”(ભોંયબદલો, ચંદ્રકાન્ત શેઠ)
 
   આ ઉપરાંત ‘ટેંટોડો’ જેવી ગીતરચનામાં બોલીપ્રયોગો તથા રવાનુકારી શબ્દોથી વિડંબનાનું તત્ત્વ સ-રસ રીતે પ્રયોજાયું છે.
“એક એંશી વરહનો ટેંટોડો,
એના મોઢામેં દુધિયા દાંત,
બોલે ટેંટોડો !
એ તો છપઈને છોરી જોતો'તો,
એનાં નેણાંમેં નવરા નાગ,
બોલે ટેંટોડો”
(ભોંયબદલો, પૃ-૧૧૧)
   અહીં પ્રયોજાયેલ એના મોઢામેં દુધિયા દાંત, એનાં નેણાંમેં નવરા નાગ, જેવા બોલીપ્રયોગો અને હલ્લક-મલ્લક જેવા રવાનુકારી શબ્દોને કારણે હાસ્ય-વ્યંગ સાથે વિડંબન થયું છે. તો સાથેસાથે ગીતનું સ્વરૂપ જોતાં લોકગીતની લાક્ષણિકતાઓ પણ એમાં ભારોભાર મળે છે.

   આ સાથે આપણે ‘પુણ્ય સ્મરણ’ ગીત પણ મૂકીએ. ગ્રામબોલીના વિવિધ સ્તરોને કારણે આ ગીતરચના ગુજરાતી ગીતકવિતામાં મહત્ત્વનું ઉમેરણ છે.
“અમને કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે....
કોની રે સગાયું આજ સાંભરે
કોઈ પાળ્યું રે બંધાવો ધાટે ધોડા દોડાવો,
આધે લે'ર્યું ને આંબી કોણ ઊધડે...
કોની રે સગાયું આજ સાંભરે...
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ......
(ભોંયબદલો, પૃ-૪)
   આમ દલપત પઢિયારનાં ગીતોના દેશી લય-ઢાળો અભિવ્યક્તિને વધુ ઘાર આપી છે. એમનાં ગીતો સંદર્ભે રધુવીર ચૌધરી કહે છે.
“ગીત એ દલપતની ખાસિયત છે. છેલ્લા દાયકામાં રમેશ આદિ ગીતકારોએ રાજેન્દ્રનાં ગીતને લય અને ભાવની દૃષ્ટિએ ઠીક ઠીક ખેડ્યું છે. એક આવેશ સાથે આરાધ્યું છે. અહીં દલપત જુદા પડે છે. જાણે કે ગીતની ગુજરાતી પરંપરાથી પ્રભાવિત થવાપણું તેમને છે જ નહીં. એમનું વતન એ જાણે કે એક નોખો ગીતપ્રદેશ છે. અને ગળથૂથી વેળાથી જ જાણે એ એની સાથે બંધાયેલા છે. બાની અને લય દલપતનાં પોતીકાં છે. એટલે કે લોકસંસ્કૃતિનો એક વારસો તેણે આગવી રીતે અપનાવ્યો છે. વધુમાં સંગીતનું જ્ઞાન છે, ગાયકનો કસબ છે. તેથી પા માત્રાય આઘીપાછી થવાનો સવાલ નથી. લોકસંસ્કૃતિના અપ્રગટ છતાં અક્ષુણ્ણ તંતુરૂપે ટકી રહેલ હાસ્યવિનોદની છાંટ ક્યાંક ક્યાંક અહીં દેખા દે છે. તેથી પણ એનું વ્યકિતત્વ સુરેખ જુદું પડે છે.”
   આમ સમગ્રપણે જોતાં દલપત પઢિયારની કવિતા આધુનિકોત્તર ગુજરાતી કવિતાનો એક મહત્ત્વનો પડાવ છે. એક નોખા પ્રદેશને એના બધા વિશેષો સાથે ગૂંથી પોતાના નિજી ભાવવિશ્વને કવિએ કાવ્યોમાં કંડાર્યું છે. અછાંદસ કાવ્યોમાં રચનારીતિની બધી મર્યાદાઓ છતાં સંવેદન અને ભાષા કવિના પોતીકા છે. તો બીજી તરફ ગીતરચનાઓમાં મધ્યકાલીન ભક્તિપરંપરા સાથે અનુસંધાન ધરાવતી રચનાઓ અને આત્મચિંતનની રચનાઓ પણ મહત્ત્વની છે. બીજી રીતે કહીએ તો આપણે ત્યાં એંસી પછી જે ગ્રામચેતનાનું મોજુ આવ્યું એમાં દલપત પઢિયારની કવિતા મુખ્ય છે.
દલપત પઢિયારની કવિતાના ભાતીગળ રંગવિશ્વને ચંદ્રકાન્ત શેઠ આ રીતે મૂકે છે.
“દલપતની કવિતામાં અધ્યાત્મનો ભગવો રંગ, ઝાડપાનનો લીલો રંગ, માટીનો રંગ, નગરજીવનનો ધૂમ્રમિશ્રિત રંગને અત્રતત્ર ક્યાંક ક્યાંક પ્રેમસંબંધનો કસુંબલ રંગ જોવા મળે. પણ એમની કવિતામાં દિવાનો ઝળહળ રંગ ને આકાશનો ગહન ગંભીર રંગ સવિશેષ સ્ફૂરતો ઊઘડતો મને લાગે છે”
(સામે કાંઠે તેડાં)
* * * * *


0 comments


Leave comment