4.2.1 - વિનોદ જોશીની કવિતાનું વિષયવસ્તુ અને સંવેદન / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   આમ તો આપણે ત્યાં વિનોદ જોશીને બહુધા ગીતકવિ તરીકે ઓળખવામાં આવે છે પણ મને એમની સમગ્રકવિતામાંથી પસાર થતાં ગીતકવિ તો ખરા જ પણ એક પ્રયોગશીલ કવિ તરીકે વધારે મહત્ત્વના લાગ્યા છે. એમની કવિતાના વિષયવસ્તુ અને સંવેદનને આપણે ત્રણ રીતે વહેંચી શકીએ.
  • (૧) ગીતોમાં આવતા રતિરાગ સંવેદનો.
  • (૨) ‘શિખંડી' જેવા ખંડકાવ્યનો પૌરાણિક વિષય
  • (૩) ‘તુણ્ડિલતુણ્ડિકા’માં આવતી લોકકથાનું વિષયવસ્તુ.
   આમ છતાં એટલું જરૂર કહી શકાય કે સમગ્રપણે જોતા વિનોદ જોશીની કવિતાનો વિષય અને સંવેદન છે પ્રેમ. દૈહિક પ્રેમ અને એની સાથે જોડાયેલી ક્રિડાઓથી વિસ્તરી પ્લેટોનિકવ સુધીના પ્રેમના રૂપો એમની કવિતામાં છે. વિનોદ જોશીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરંતુ’થી જ આપણે ઉપરોક્ત વાત જોઈ શકીએ છીએ. સંગ્રહના પ્રથમ ગીત ‘પ્રોષિતભર્તૃકા’ માં શૃંગાર ક્રિડા પ્રતીક દ્વારા આ રીતે મુકાઈ છે.
‘આછા આછાં રે તળાવ,
એની ઘાટી રે કાંઈ પાળ,
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ...
હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભા વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાસ...
(પરંતુ, પૃ-૧૧ આવૃત્તિ ૧૯૮૮)
   અહીં ‘ઊભો વાંસ’ અને ‘મધરાતે વાગી ફાંસ’ બન્ને શબ્દો એ પ્રતીક બની જાય છે. તો આજ પંક્તિમાં
‘વાટું અરડૂસી બે વાર,
ચાટું ઓસડ બીજાં બાર;
બાઇજીનો બેટો (ઘણી ખમા) મુંને થઈ બેઠો વળગાડ...'
   ‘વળગાડ’ જેવા શબ્દ દ્વારા નાયકનો નેડો કેવો લાગ્યો છે એ પણ સૂચવાય છે. કવિઓએ આપણી માન્યતાઓનો વિનિયોગ ગીતોમાં જુદી જુદી રીતે કર્યો છે, અહીં યાદ આવે હરિન્દ્ર દવેનું ગીત ‘સોળ સજી શણગાર ગયા જો જરીક ઘરની બહાર’ એમાં પણ ‘નજરું લાગી’ છે પણ અહીં કૌંસમાં મુકાયેલ (ઘણી ખમા)માં એ વળગાડનો સ્વીકાર સૂચવાઈ જાય છે. તો આ જ પ્રકારના રતિ સંવેદનને આલેખતું બીજું ગીત છે. ‘ઝેરી કાળોતરો’
‘ઝેરી કાળોતરો ડંખે રે !
કાઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે
મારી આરપાર શેરડીનો સાંઠો
આરપાર શેરડીનો સાંઠો રે લોલ....
વેણીનાં ફુલ જેવી ભરડાની ભીંસ,
ભીતરમાં ભંડારી લોહીજાણ ચીસ...
(પરંતુ, પૃ-૨૨ આવૃત્તિ ૧૯૮૮)
   આપણી સંસ્કૃતિમાં સાપ રતિના પ્રતીક તરીકે સ્થાયી થયો છે. કેટલાય કવિઓએ એને એજ પ્રતીક રૂપે આલેખ્યો છે. જયદેવ શુક્લ પણ ‘ભેજલ અન્ધકારમાં....' કાવ્યમાં રતિરાગના કલ્પન-પ્રતીક તરીકે પ્રયોજે છે. અહીં તો કાળોતરો અને પાછો ઝેરી અને છતાં એનો ડંખ લાગે મીઠો દ્વારા રતિરાગની તીવ્રતા સૂચવાયી છે.
‘ફાસ જરાશી વાગી ગઈ ને વાંસ જેવડું
ખટકે છે કંઈ અંદર અંદર
પરબારું લે, હડી કાઢતું હાંફી જઈને
અટકે છે કંઈ અંદર અંદર
(પરંતુ, પૃ-૨૫ આવૃત્તિ ૧૯૮૮)
   આ ઉપરાંત પટેલ-પટલાણી વિશેના કાવ્યોમાં પણ એક જ્ઞાતિ વિશેષના સંદર્ભોને સંવેદનો કાવ્યરૂપ પામ્યા છે.
‘સૂડી વચ્ચે સોપારીને સોપારીનો ચૂરો
કણબણ માગે ગલગોટો ને
કણબણ માગે ગલગોટો ને કણબી દે ધતૂરો’
(પરંતુ, પૃ-૧૩ આવૃત્તિ ૧૯૮૮)
   ગીતની શરૂઆતમાં જ કણબણના ઓરતાની અધૂરપ વ્યક્ત થઈ છે. અહીં સ્વાભાવિક રીતે મણિલાલ પટેલના કાવ્યો યાદ આવે. એમાં પણ એક જ્ઞાતિ વિશેષનું સંવેદન વધારે તિર્યકતાથી રજૂ થયું છે. આ તો થઈ રતિરાગના વિષય અને સંવેદનની વાત પણ આ સિવાય વિનોદ જોશીનાં ઘણા ગીતોમાં લગ્ન ઇચ્છુક કન્યાના મનોભાવો અને નવોઢાનું ભાવવિશ્વ સુંદર રીતે ઝિલાયું છે. જેમકે :
“એક કાચી સોપારીનો કટ્ટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે.. તમે લાવજો રે... મારા મોઘાં મે'માન
એક કાચી સોપારીનો..

ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા
નીચી નજરુંના મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપાતી કેળ !
એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન"
(પરંતુ, પૃ-૧૨ આવૃત્તિ ૧૯૮૮)
   આપણી લગ્ન પરંપરા સાથે સોપારી અને લવિંગના પાનના સંદર્ભો જોડાયેલા છે. સ્વાદ અને સુગંધની સાથે રસિકતા પણ આ શબ્દ સાથે જોડાયેલી છે. અને રમેશ પારેખના પેલા ગીત
‘ઊંચી મેડીને એનો ઊંચો અસવાર
એના મારગ મોટા કે કોલ મોટા’
   વાળો ભાવ ‘અસવાર’ની જગ્યા એ ‘ઝરૂખડા' જેવા શબ્દફેર બદલાઈ ગયો છે ગીત માટે જરૂરી લોકલય, લોકભાવ અને લોકભાષાના ઉચિત સંયોગે તેમ જ સંવેદન વિશ્વની નજાકતતાને કારણે આ એક નખશિખ સુંદર ગીતરચના બની છે. ‘આપન્નસત્ત્વા નવોઢા’ ગીતમાં પ્રથમરાત્રિના મિલનનો કેફ
“ફલ સમાણુ પંડય પ્હાડ શા કોડ તળે ભીંસાણું
બંધ પોપચે મરજાદાએ બધું પાથર્યું આણું;

હવે કહ્યું નહીં, કહેતા આવે લાજ
કે અમને ઝમરક દીવડે કલ્પતરુનું ફૂલ જડયું રે મૂઈ !”
   માં રજૂ થયો છે. આ તો થઈ વિનોદ જોશીના ગીતોની વાત પણ એમના છંદોબદ્ધ કાવ્યો (સૉનેટ)માં પણ કાવ્યસર્જનની અનુભૂતિ વિશેના બે સૉનેટ હવા, Realization, બાળપણની એક સ્મૃતિ જેવાં જુદા જુદા વિષયો પર લખાયેલા છે. એમ અરૂઢ શૈલીમાં લખાયેલ ‘એક અનુભૂતિ-કાવ્યસર્જનની’ મહત્ત્વની સૉનેટ રચના છે.
“મૃદંગ ધ્રબધ્રબ્ધ્રિબાંગ્ધનનધન્ધના ધન્ન-ચૂપ.
અચાનક, હવા બધી સડક, સ્તબ્ધ શાં ટેરવાં;
ઝૂક્યું ગગન ત્રાડ દૈ અધધભીંત આઘી ખસી
કરાલ, જડ અંધકાર ખખડી ખબકૂ ખાબક્યો.
   થી શરૂ થઈ અંતે
બધો જ રઘવાટ શૂન્ય થઈ શબ્દમાં પાંગર્યો,
તરંગ ઊંચકી ખભે તટ સ્વયં હવે લાંગર્યો.”
(પરંતુ, પૃ-૪૫ આવૃત્તિ ૧૯૮૮)
   માં વિરમે છે.

   કાવ્યસર્જન સમયે કવિના ચિત્તની સ્થિતિનું વર્ણન આ કાવ્યમાં છે. આજુબાજુનું જગત સ્તબ્ધ છે પણ કવિના ચિત્તમાં ચાલતું ઘમસાણ અહીં શબ્દરૂપ પામ્યું છે. મનોજ ખંડેરિયા પણ આ જ વાત ગઝલમાં જુદી રીતે કરે છે.
“મને વ્યક્ત કર કા તને તોડું ફોડું
મને કોઈ અંદરથી આપે છે જાસો.”
   ઉપરોક્ત સૉનેટમાં ચિત્તમાં સંઘર્ષ પછી એ બધો જ રઘવાટ શબ્દમાં જઈ ઠરે છે, અને અંતે આવતું ‘તરંગ ઊંચકી ખભે તટ સ્વયં હવે લાંગર્યો.’ માં એક પ્રકારની વિશાળ કલ્પના અને ભાવ ઉપશમન સાથે પૂરું થાય છે. તો એ જ પ્રકારે બીજા સૉનેટ ‘શબ્દપ્રસવ' માં કવિની શબ્દ સાથેની મથામણ રજૂ થઈ છે.
“થપાટ જીવલેણ જીરવી શકું નહીં શબ્દની.
પડું, લડથડું, ઊભો થઉં ફરી, ફરી બાખડું.
ફિણાળ મુખ સ્વેદસિક્ત થકી અશ્વહેષા ધરી
સડું મરણતોલ સોસરવું વજ્ર છાતી મહીં”
(પરંતુ, પૃ-૪૬ આવૃત્તિ ૧૯૮૮)
   દરેક સર્જક શબ્દ સાથે સંઘર્ષ કરતો હોય છે. ક્યારેક એ સર્જકને તડપાવે છે તલસાવે છે અને પીડા પણ આપે છે. અહીં ‘શબ્દપ્રસવ' એ શીર્ષક દ્વારા કવિ પ્રસવ પીડા સાથે શબ્દના પ્રસવની પીડા પણ જોડે છે. હરીશ મીનાશ્રુ આનાથી ઊલટુ ‘રતિર્વાતિક' માં શબ્દ સાથેના સંભોગની વાત કરે છે.
‘પવન ચૂપ, નભ નિર્મલ, જૂકે ચિત્ત સરોવર જેવું
પર્ણ ખર્યું કે પંખી ન સંભળાય બરોબર એવું’
   થી શરૂ થતું કાવ્ય શરૂઆતમાં રતિક્રિડાનું કાવ્ય લાગે પણ કાવ્યની અંતિમ પંક્તિમાં ઉઘાડ થાય કે ‘વિરક્ત ભાવે શબ્દ તને સંભોગું' શબ્દ સાથેની રતિ ક્રિડાની વાત એમાં રૂપક સાથે ખૂલે છે.

   ‘વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ’થી શરૂ થતું ‘પ્રેયસીનું vision અનુભવ્યાનો સાર’ જેવું કાવ્ય કે પછી ‘જત લખવાનું આટલું યાને વિમલીને પત્ર જેવા અરૂઢ’ કાવ્યો પત્નીને ઉદ્દેશીને લખાયા છે.

   કવિના ચોથા સંગ્રહ ‘ઝાલર વાગે જૂઠડી’ માં મોટાભાગની રચનાઓ ‘પરંતુ’ માંથી પુનરાવર્તિત કરી છે પણ આ સંગ્રહનાં કાવ્યો ‘પરંતુ’થી જુદી એવી કોઈ મુદ્રા પ્રગટાવતા નથી. પણ તેમના બે કાવ્યો ‘શિખંડી’ અને ‘તુણ્ડિલતુણ્ડિકા' વિષય અને સંવેદન એમ બન્ને રીતે અનુઆધુનિક યુગની મહત્વાકાંક્ષી કૃતિઓ છે. આ બન્ને કૃતિઓમાં કવિએ આપણી પરંપરા સાથે અનુસંધાન સાધી પોતાની એક વૈયક્તિક પ્રતિભા પ્રગટાવી છે.

   ‘શિખંડી’ નું વસ્તુ મહાભારતના ઉદ્યોગપર્વમાં આવતા અંબોપાખ્યાનમાંથી લેવામાં આવ્યું છે પણ કવિએ એને એક નવા જ દૃષ્ટિબિંદુથી જોયું છે કાન્તથી પ્રસ્થાપિત થયેલા ખંડકાવ્ય સ્વરૂપની અનેક શક્યતાઓને તાગવાનો પ્રયત્ન આધુનિક સર્જકોએ કર્યો જેના પરિપાકરૂપે સિતાંશુ મહેતા પાસેથી ‘જટાયુ' અને ચિનુ મોદી પાસેથી ‘બાહુક’ નામની રચનાઓ મળી એ જ પરંપરાનું મહત્ત્વનું ઉમેરણ એટલે ‘શિખંડી’. આ કાવ્યમાં શિખંડી અને ભીષ્મના સંબંધોને નવી રીતે જોવા મૂલવવાનો પ્રયાસ છે. એ માટે કવિએ કરેલી રચના પ્રયુક્તિ અને ખંડકાવ્યના સ્વરૂપ માટે અનુકૂળ ભાષાની વાત આપણે આગળ કરીશું. આ કાવ્યના વિષય સંદર્ભે પ્રાકકથનમાં વિનોદ જોશી લખે છેઃ
“પ્રતિજ્ઞાબદ્ધ ભીષ્મના જીવનમાં કેવળ એક જ સ્ત્રી અંબા આવી હતી, જેણે સર્વથી તિરસ્કૃત થઈ છેવટે પોતાને સ્વીકારવા ભીષ્મ પાસે કામના કરી હતી. આ બનાવની એક પુરુષ તરીકે ભીષ્મ પર જે દૈહિક અને માનસિક અસર થઈ હોય તે મહાભારતકારે નહીં આલેખી હોવા છતાં, નકારી ન શકાય એવી માનવ્ય બાબત છે. પોતાની રઝળપાટના કારણરૂપ ભીષ્મને પરાસ્ત કરવા માટે અંબાએ સહન કરેલી દુર્ગમ યાતનાને અત્યંત મુખર કર્યા પછી, ભીષ્મ પરાજિત થયાની કોઈ અસર પણ મહાભારતકારે આલેખી નથી. વસ્તુતઃ શિખંડીનું ધ્યેય પાર પડયું તે વાત પૂર્વધટના જોતાં નાનીસૂની નથી. અપહ્યત અંબાને સહન કરવી પડતી યાતનાનું કારણ કેવળ ભીષ્મ છે. આ ઘટના પૂરતું ભીષ્મના પાત્રનું ઉર્જસ્વીપણું વીસરાઈ જાય છે અને નિર્દોષ અંબા પાસે ભીષ્મ સાવ સામાન્ય લાગે છે. આ કાવ્ય મારી આવી કેટલીક છાપના ઉદ્વેકનું પરિણામ છે.”
(શિખંડી, પૃ-૬,૭)
   ને માટે ભીષ્મના મુખે મુકાયેલી આ પંક્તિઓમાં આપણે ભીષ્મના એ મનોસંચલનો પામી શકીએ છીએ.
‘પ્રદધ્મ નહીં પાંચજન્ય, નહીં પાર્થનું ગાંડીવ
ન કોટિ શર પીડતાં, રુધિરસિક્ત ગાત્રોયના;
ન ચિત થતું વ્યગ્ર જોઇ શતલક્ષના નાશને,
પરંતુ બસ, તાહરું સ્મરણ માત્ર પીડે મને
‘શરણ અવશભાવે માહરું તે લહ્યું ‘તું,
રણઝણ મુજ હૈયે-એ ક્ષણે, કૈં થયું ‘તું;
પલકભર પ્રતિજ્ઞા વીસરી મુગ્ધ હૈયે,
અતિશય તુજનેં મેં ચાહીતી રોમરોમ !'
(શિખંડી, પૃ-૩૪)
   અહીં ભીષ્મના મનમાં પણ જાગેલાં સ્પંદનો અને એમની પીડા મૂર્તિમંત થઈ છે. વિષય અને સંવેદનની રીતે એવું જ એક બીજું મહત્ત્વનું કાવ્ય છે ‘તુણ્ડિલતુણ્ડિકા'. આ કાવ્યમાં વિનોદ જોશીએ મધ્યકાલીન પદ્યવાર્તાના સ્વરૂપે એક આધુનિક કથા આપી છે. ખરા અર્થમાં આ એક અનુઆધુનિક રચના છે. આપણે ત્યાં આધુનિક ગાળામાં આધુનિકતા એટલે પરંપરા સામેના વિદ્રોહ રૂપે જોવામાં આવી. વિનોદ જોશીએ આ કાવ્યમાં અને ‘શિખંડી’માં પરંપરા વિદ્રોહી નહીં પણ અનુસંધાન જાળવ્યું છે. અછાંદસના પ્રચંડ પ્રવાહની સામે એ ‘શિખંડી'માં છંદો તરફ ગયા તો ‘તું-તું’ માં મધ્યકાલીન કથનરીતિ અને સ્વરૂપ પાસે ગયા. એજ કારણે હું એમને અનુઆધુનિક કવિ ગણું છું. આમ વિષય અને સંવેદનની રીતે જોતાં વિનોદ જોશી એમના સમકાલીનોમાં ઘણાં જુદાં પડ્યા છે અને સર્જકત્વને શરાણે ચડવાના પ્રયોગો પણ કર્યા છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment