4.2.2 - વિનોદ જોશીની કવિતાની અભિવ્યક્તિ રીતિઃ/ આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   આગળ ઉપર આપણે જોયું તેમ વિષય અને સંવેદન ઉપરાંત અભિવ્યક્તિ રીતિઓની રીતે જોતાં પણ વિનોદ જોશીની કવિતામાં અનેક તરેહો છે. લોકગીતના ઢાળ, લોકબોલીના શબ્દો લઈને કવિએ વૈયક્તિભાવો આલેખ્યાં છે.
‘તું મીંઢળ જેવો કઠ્ઠણ
ને હું નમણી નાડાછડી,
તું શિલાલેખનો અક્ષર
ને હું જળની બારાખડી...’
(ઝાલર વાગે જૂઠડી, પૃ-૧૩)
   માં આપણે એ પામી શકીએ છીએ. દોહા સોરઠામાં લખાયેલ કાવ્ય ‘પ્રેયસીનું vision અનુભવ્યાનો સાર’ પણ ભાવ અને રીતિ બન્ને સંદર્ભે જોઇએઃ
‘વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ,
રાતે આવ્યો તાવ હૈયું ગણગણગોશલો
અંધારામાં ઓગળે કબૂતરાંની પાંખ,
ડોલે લક્કડખોદ મારે આંગણ ઊંઘને.."
(ઝાલર વાગે જૂઠડી, પૃ-૯૨)
   અહીં કવિએ દોહો અને સોરઠાનું મિશ્રણ કર્યું છે. પણ કાવ્યપાઠ કરતી વખતે પહેલી પંક્તિ પ્રાસની રીતે દોહો અને બીજી પંક્તિ પ્રાસની રીતે સોરઠાની વધુ નજીક લાગે છે. બીજું પ્રિયતમાની યાદને પણ કવિએ અહીં અરૂઢ રીતે રજૂ કરી છે. ‘વિમલી’ જેવા ગ્રામ્ય સંબોધન અને ‘યાદનો બરો મૂતર્યો બાપ’ જેવા પ્રયોગો દ્વારા યાદનો એક નવો સંદર્ભ કવિએ રચ્યો છે. ‘જત લખવાનું આટલું યાને વિમલીને પત્ર’ કાવ્ય પણ આજ સંદર્ભનું છે. ગીત ઉપરાંત ‘પત્ર', ‘મનાઈ છે’, ‘વિશ્રંભાલાય’, ‘મીરાંની ઉક્તિ' એ ચાર ગઝલો પણ આ ગીતકવિ પાસેથી મળે છે.

   'Ecstasy' જેવી સૉનેટ રચનામાં વરસાદી રાત્રિને કઠોર વર્ણો દ્વારા ઉપસાવવાનો પ્રયત્ન થયો છે એ વર્ણો દ્વારા એક વિકરાળ રાત્રિને નાદ દ્વારા રજૂ કરવાનો પ્રયોગ પણ થયો છે.આગળના વિભાગમાં વિષય સંદર્ભે જેમની વાત કહી એ ‘શિખંડી’ અને ‘તુ-તુ' ને રચનારીતિની દૃષ્ટિએ ખાસ તપાસવા જેવી છે. ‘શિખંડી' માં ખંડકાવ્ય સ્વરૂપને અનુરૂપ મુખ્ય પાત્રોના જીવનની એક મહત્ત્વની ક્ષણ કવિએ પકડી છે. મહાયુદ્ધના દસમા દિવસની રાત્રિ, અને એ પાત્રોના મનોભાવોને રજૂ કરતાં પહેલાં એના માટેની ભૂમિકા પ્રવક્તા રચી આપે છે. કાન્તના ખંડકાવ્યોમાં એ મોટે ભાગે પ્રકૃતિ વર્ણન અને છંદપલટા દ્વારા આલેખવામાં આવે છે. કાવ્યના પ્રથમખંડની શરૂઆત પ્રવક્તાથી થાય છે. પ્રવક્તા રાત્રિના વર્ણન દ્વારા કાવ્યમાં આગળ આવનાર પાત્રોની મનઃસ્થિતિ માટેની ભૂમિકા રચી દે છે.
‘કુરુક્ષેત્રે પડી આજ કાળરાત્રિ કરાલ છે.
થયો પૂરો સદસદના સંગ્રામે દસમો દિન;
શરશય્યા પરે સૂતા મરણાસન્ન ભીષ્મને,
શિખંડી દૂરથી જોતો ઝીણું ઝીણું રહ્યો હસી’
   વળી
“પરમ મુક્તિ ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે
નિરવધિ સુખ એના નેત્રમાં તરવરે છે”
(શિખંડી, પૃ-૧૯)
   પંક્તિના સતત આવર્તન દ્વારા કવિ શિખંડીના ભાવને વળ ચડાવે છે. કાવ્યનો પ્રથમ ખંડ શિખંડીએ લીધેલા વેરના આનંદને વ્યક્ત કરે છે જ્યારે બીજા ખંડમાં ભીષ્મની પીડા રજૂ થઈ છે. ત્રીજા ખંડમાં બન્ને પાત્રો એકબીજા સામે કરતા સમભાવને આલેખે છે.

   ચન્દ્રકાન્ત ટોપીવાળા આ કાવ્ય પર પસ્તાળ પાડતાં આમ લખે છેઃ
“આ વખતના ‘એતદ ૭૯’ અંકમાં વિનોદ જોશીની એક દીર્ઘકવિતા ‘શિખંડી' સુરેશભાઈએ છાપી છે. ઊંઘમાં પણ જેનો સ્વીકાર ન થઈ શકે એને જાગ્રત અવસ્થામાં સ્વીકારી છાપી અને ઉપર ‘એતદ્’ના સંપાદનની એટલે કે સુરેશભાઈની રુચિની મહોર મારી... દોસ્ત, કવિતા તો સાચેસાચ નોંધારી હવે બની. બાકી અસહ્ય છંદપૂરકો, પ્રશિષ્ટ પદાવલીની અણસમજ, અર્થહીન યતિભંગો, તત્સત્ શબ્દોની ખુલ્લે આમ હસ્વદીર્ઘ ચેષ્ટાઓ અને પાંચમી ષષ્ઠિના લુપ્ત પ્રયોગોથી પ્રદૂષિત, નાનો સરખો પણ ઉન્મેષ ન દાખવતી આ કવિતા ‘એતદ્’ના પહેલાં પાનાંઓમાં ફરફરે નહિ. ભલું હશે તો કોઈ દીર્ઘકવિતાનું ઈનામ પણ આવી રચનાને લાગી જશે !''
(ગ્રંથધટન, પૃ-૯૩)
   ચંદ્રકાન્ત ટોપીવાળાનું આ અવલોકન મને આધુનિકતાના વ્યામોહનું પરિણામ લાગે છે. કારણ કે એક નવો કવિ જ્યારે કંઈક નવું કરવાનું સાહસ બતાવે છે ત્યારે કચાશ રહેવાની અને એ કચાશ વિવેચકે નિર્મમ રીતે બતાવવી જોઈએ પણ સાથે એણે શું સિદ્ધ કર્યું છે એ પણ લક્ષમાં લેવું ઘટે. વળી ચંદ્રકાન્ત ટોપીવાળાને આ કવિતા ‘ભીષ્મના પાત્રની ગૌરવહાનિ' જેવું લાગે છે, પણ મને એવું ક્યાંય લાગતું નથી. આ ભીષ્મ મહાભારતના ભીષ્મ નથી. આ તો કવિની કાવ્યચેતનામાંથી ઘડાયેલ ભીષ્મ છે. કવિને પોતાની રીતે પાત્ર કંડારવાનો હક છે. અને તાર્કિક રીતે પણ એક મનુષ્ય તરીકે આપણને એ વિચારવાની સ્પેસ મળે છે કે જીવનમાં આવેલી એકમાત્ર સ્ત્રી માટે સંવેદન હોવું સંભવ છે. એજ રીતે ‘તુણ્ડિલતુણ્ડિકા’ માં પણ મધ્યકાલીન પદ્યવાર્તાની રચના પ્રયુક્તિને કારણે કાવ્ય રસપ્રદ બન્યું છે. મધ્યકાલીન પદ્યવાર્તામાં કવિ પોતે જ વાર્તાકાર છે. એટલે કે રચયિતા અને કથક બન્ને પોતે છે. અહીં વિનોદ જોશીએ પોતાના અને વાર્તાના વચ્ચે એક અવકાશ રાખતા નવ્યકવિના મુખે આખી વાર્તા રજૂ કરી છે. આ રજૂઆત માટે એમને પસંદ કર્યો માત્રામેળ દોહરો, વળી વચ્ચે વચ્ચે ક્યાંક દુહા પણ મુક્યા છે. દોહરામાં પણ ૧૩-૧૧, ૧૩-૧૧,ને સ્થાને ૧૩-૧૧,૧૧-૧૩ ના આવર્તનો કવિએ સ્વીકાર્યા છે જેમકે :
“જય હો માતા સરસ્સતી
કિરપા કરી અનેક,
લેખણ દીજો એક
ખોલી ખડિયાઢાંકણું.”
(તુણ્ડિલતુણ્ડિકા, પૃ-૧૩)
   મધ્યકાલીન પદ્યવાર્તાની જેમ અહીં પણ મંગલાચરણ અને કાવ્યરચના સાલ ફળશ્રુતિ વગેરે છે પણ કથાનો આજના સમયને અનુરૂપ શ્રોતા વર્ગ છે. જેમાં ગામના લોકો, ડોશી, સરપંચ, કેટલાક વિવેચકો જેમાં એક ટોપી પહેરેલા છે. મધ્યકાલીન પદ્યવાર્તામાં આવતા મોટિફ પ્રથમ દૃષ્ટિનો પ્રેમ, છૂટ્ટા પડવું દુ:ખો ભોગવવા ફરી પાછું મળવું એ અહીં પણ છે. સ્વરૂપની રીતે પણ આડકથાઓ, પ્રશ્નોતરીની રચનારીતિ કવિએ પ્રયોજી છે. આંતરિક બાહ્ય સ્વરૂપની રીતે તો ખરી જ પણ કાવ્યત્વની રીતે પણ આ વિનોદ જોશીની મહત્ત્વાકાંક્ષી રચના છે. કાવ્યમાં આવતા પ્રશ્નોતરી પ્રસંગે કવિની કવિત્વ શક્તિ અને રચનારીતિનું સિધ્ધરૂપ જોવા મળે છે.
“નિકટ પડોસી કૌનસા ?
કૌન વહંત અજસ્ત્ર ?
કિયું અનોખું વસ્ત્ર ?
સુંદિર કોણ સુહાવણું ?”
“નિકટ પડોસી રિકતતા
પીડા વહત અજસ્ત્ર,
ભ્રાન્તિ વિલક્ષણ વસ્ત્ર
ઇચ્છા સહજ સુહાવની !”

“દુ:ખ કા કારન કૌન સા?
કૌન પરમ હૈ લક્ષ્ય ?
કવણ વડું છે ભક્ષ્ય ?
કૌન બડી હૈ વંચના ?”

“દુઃખનું કારણ જન્મ છે,
મૌત પરમ હૈ લક્ષ્ય,
આયુષ કેવળ ભક્ષ્ય
હોવું એ જ પ્રવચના’’
(તુણ્ડિલતુણ્ડિકા, પૃ-૪૭-૪૮)
   અહીં કવિનો જીવનને જોવાનો અસ્તિત્વપરક દૃષ્ટિકોણ પણ જોવા મળે છે.
   આ બધી જ વિશેષતાઓ છતાં કાવ્યને અંતે આવતા ગીતો ભાવકના મનમાં ઊભા થતાં કાવ્યના પ્રભાવને વિખેરી નાખે છે. ગીતો કોઈપણ રીતે આ કાવ્યના વસ્તુ કે સ્વરૂપ સંદર્ભે જરૂરી ન હોવા છતાં કદાચ કવિના ગીતપ્રેમને લીધે એ પોતાની જાતને રોકી શક્યા નથી અને એ જ કારણે નિતાંત પદ્યવાર્તા કે સુમન શાહ કહે છે તેમ ‘કાવ્ય વાર્તા’ અંતે જતા ફિસ્સી પડી જાય છે.

   આમ છતાં સમગ્રપણે જોતાં વિનોદ જોશીએ ગીત, છાંદસ કાવ્યો, ‘શિખંડી' જેવા વૃત્તબદ્ધ ખંડકાવ્ય અને‘તુ-તુ’ જેવી પદ્યવાર્તામાં અભિવ્યક્તિની અનેક તરેહો સિદ્ધ કરી અનુઆધુનિક ગુજરાતી કવિતામાં પોતાનું એક મહત્ત્વનું પ્રદાન કર્યું છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment