4.2.3 - વિનોદ જોશીની કવિતાની ભાષારચના / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   કાવ્યની ભાષા પ્રત્યે વિનોદ જોશી પૂરતા સભાન છે. ભાષાની વિશેષતા અને મર્યાદાઓને પણ એ બરોબર પ્રમાણે છે ને માટે એ કહે છે:
“કાવ્યસર્જન અંગે હું નિર્ભ્રાંત નથી થઈ શકતો.એ ભાષાની કલા છે તેથી ભંગુર છે તેમ સ્પષ્ટપણે માનું છું. સાહિત્યની કલા ભાષાની કલા હોવાને કારણે અધૂરો અનુભવ આપનારી છે. મને મનુષ્ય નિર્મિત આ માધ્યમ પહેલેથી જ ખંડિત લાગ્યું છે પણ સાહિત્યકારે લખવાનું તો ભાષામાં જ હોય છે. હું જાણું છું કે ભાષા સાથે જોડાયેલો સમય અને ભાષા સાથે જોડાતી ભાતો મને આહવાન આપે છે અને હું ક્રીડાપૂર્વક તેને ભોગવું છું.”
(શબ્દસૃષ્ટિ, પૃ-૨૧૦ ઓકટોબર- નવેમ્બર ૨૦૧૧)
   કવિની આ પ્રતીતિ એમના કાવ્યોની ભાષામાં પણ દેખાય છે. વિનોદ જોશીએ સ્વરૂપને ધ્યાનમાં રાખી પોતાની કાવ્યભાષા ઘડી છે. ગીત જેવા પ્રમાણમાં નાજૂક અને લાઘવયુક્ત સ્વરૂપને માટે તેમણે લોકબોલીના તળપદા શબ્દો ખપમાં લીધા છે. ‘શિખંડી’ જેવા ખંડકાવ્યમાં સંસ્કૃત પ્રચુર તત્સમ્ પદાવલિ યોજી છે તો ‘તુ-તુ’ માં હિન્દી મિશ્રિત ગુજરાતીના પ્રયોગો. લોકબોલી અને સંસ્કૃત પદાવલિ એ બન્ને પર યોગ્ય પકડનું કારણ કદાચ કવિ કહે છે તેમ પિતૃપક્ષના બ્રાહ્મણ સંસ્કાર અને માતૃપક્ષના ગ્રામજીવનના સંસ્કાર કારણભૂત હોઈ શકે. જેમ કે આ ગીતમાં ગ્રામબાની આ રીતે પ્રયોજાઈ છે.
“એક કાચી સોપારીનો કટ્ટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે.. તમે લાવજો રે... મારા મોંઘા મે’માન

એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝીલજો રે.. તમે ઝીલજો રે... એના મોંઘા ગુમાન”
(પરંતુ, પૃ-૧૨)
   ભાષાના આવા પ્રયોગને જ કારણે કેટલીકવાર ગીતોમાં ચમત્કૃતિ આવી છે.
“આભનો તાકો તૂટ્યો ને ખર્યું માવઠું
માવઠામાં ધોધમાર વરસી શરણાઈ "
(પરંતુ, પૃ-૧૪)

“એણે પાંચીકા અમથા ઉલાળ્યા
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા”
(પરંતુ, પૃ-૧૬)
   વિનોદ જોશીના ગીતોમાં જોડાક્ષરોનો ઉપયોગ વધુ થયો છે. જેમાં ઘચ્ચ, કાચ્ચી, કટ્ટકો, અલ્લડ, મોજલ્લડી, હય્યા, બપ્પોરે. ભાવ અને લય એ બન્ને સાચવવા આ પ્રકારના શબ્દો ગીતમાં ઉપયોગી થતાં હોય છે. ગીતોમાં કોમળ વર્ણો ભાવ-સંવેદન માટે જરૂરી હોવાથી એ વધારે છે જ્યારે સૉનેટમાં કઠોર વર્ણોનો ઉપયોગ વધુ કર્યો છે જેમ કે :
“મૃદંગ ધ્રબધ્રબ્ધ્રિબાંગ્ધનનધન્ધનાધની ચૂપ”
ઝડાફ બીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી,
ખચાક ખચખચ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી.”
(પરંતુ, પૃ-૪૭)
   વિનોદ જોશીએ દ્વિરુક્ત પ્રયોગો અને રવાનુકારી શબ્દોના પ્રયોગ સૉનેટમાં વધુ કર્યો છે. પણ એક બે સૉનેટ બાદ કરતા એ ભાષા સૉનેટના વિષયને ઉપકારક થઈ હોય એવું બનતું નથી. તો ‘શિખંડી’ માં સંસ્કૃત તત્સમ્ પદાવલિ કાવ્યના વિષયને અનુરૂપ ભાષારચના છે પણ ક્યાંક ક્યાંક આવતા દુપટ્ટો, સિતાર જેવા શબ્દો કઠે છે અને બાની ક્યાંક ક્યાંક કિલષ્ટ બની છે જેમકે :
“ઉત્ક્ષેપાતી બધેથી વિમનસ, વિવશા, ચંન્દ્રમૌલિ
પ્રાણાંતે ઉદ્ભવી હું દ્રુપદસુતનયારૂપ જન્માંતરે, ને”
   પણ જ્યાં બાની સહજ રીતે આવી છે ત્યાં આવા સુખદ પરિણામ પણ આવ્યા છે.
“પદ્મ નહીં પાંચજન્ય, નહીં પાર્થનું ગાંડીવ,
ન કોટિ શર પીડતાં, રુધિરસિકત ગાત્રો ય ના;
ન ચિત્ત થતું વ્યગ્ર જોઈ શતલક્ષના નાશને,
પરંતુ બસ, તાહરું સ્મરણ માત્ર પીડે મને.”
(પરંતુ, પૃ-૩૪)
   ‘શિખંડી' ની સંસ્કૃત પદાવલિથી તદ્દન જુદી પદાવલિ ‘તુ-તુ’ ની છે. પદ્યવાર્તાનું સ્વરૂપ પસંદ કર્યું હોવાથી આ કાવ્યમાં શામળના સમયની નજીકની મધ્યકાલીન છાંટવાળી પદાવલિ છે તો સાથે સાથે હિન્દી મિશ્રિત અર્વાચીન ગુજરાતી પદાવલિ પણ છે. જેમકે :
“દોડી જઈ મસ્જિદમાં
કીધી અદા નમાજ,
દર્દે દિલનાં રાઝ
ખોલ્યાં ઘૂંટણિયે પડી.
બીચ ન આયા નાતા રિશ્તા
દેહ થયો સળવળ આહિસ્તા,
કોઈ કશો પ્રતિકાર ન કીધો
માંસલ ઘડકનનો મય પીધો.”
(તુણ્ડિલતુણ્ડિકા, પૃ-૩૬)
   આ કાવ્યની કાવ્યબાની સંદર્ભે સુમન શાહ લખે છે:
“સમગ્ર પ્રયત્નમાંથી એમને શું મળ્યું ? એક તાઝપભરી અને મૌલિક ધક્કાથી વિકસેલી બાની. એ વાર્તાબાની નથી, કાવ્યબાની છે. કેમ કે એમાં વાર્તાની અવિલમ્બિત પ્રત્યક્ષતા નથી. પોતાનામાં ખેંચી રાખનારી વ્યંજનાશ્રી છે. ‘તુ-તુ’ના પ્રત્યેક શબ્દને એની પ્રત્યેક પંક્તિને કહીને જેટલો સમ્બન્ધ વાર્તા સાથે નથી, તેટલો કાવ્યત્વ સાથે છે.”
(તુણ્ડિલતુણ્ડિકા, પૃ-૧૧-૧૨)
   આખી કાવ્યવાર્તા દોહરામાં લખાયેલી હોવાથી પંક્તિને અંતે આવતા પ્રાસને કારણે કવિની ભાષાને ચોક્કસ ઘાટ મળ્યો છે. અને પોતાને જ જાણે કે પોતાને બાંધી દીધાં છે. માટે ‘તુ-તુ’ની ભાષા પ્રમાણમાં સઘન બની છે.

   અંતે સમગ્ર રીતે વિનોદ જોશીની કવિતામાંથી પસાર થતા વિષય અને સંવેદન, અભિવ્યક્તિની જુદી જુદી રીતિઓ તથા ભાષાના જુદા જુદા સ્તરો મળે છે. દસ-પંદર ટકોરાબંધ ગીતો, બે સૉનેટ, ‘શિખંડી’ ખંડકાવ્ય અને ‘તુ-તુ’ પદ્યવાર્તા એમ આટલી ઉપલબ્ધિ પણ ઓછી ન કહેવાય અને માટે વિનોદ જોશી આધુનિકોત્તર ગુજરાતી કવિતાનો મહત્ત્વનો કવિ અવાજ છે.
* * * * *


0 comments


Leave comment