9 - કુંજવેલી / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'
એની ભ્રકુટિ વચ્ચે એક તલ હતો. આંખમાંથી અમી ઝરતું. અધર ગુલાબની લચી પડેલી પાંદડી જેવો દીપતો. મુખ જાણે વિકસેલું કમળનું ફૂલ.
કુંજવેલીને જોવા સૌ તલસતાં. એના મુખદર્શને સર્વ શાંતરસ ચાખતાં. કુંજવેલીએ બાલ્યાવસ્થા વટાવી હતી. કળી મટી પુષ્પરૂપે એ વિકસતી હતી. જાણે શિશિર મટી વસંત ઊઘડતી ન હોય!
અંગ કરતાંયે એના ઉરની કોમળતા અધિક હતી. કઠોર શબ્દ એ વીલાઈ જતી. વર્ષાની વાદળી શી ગ્લાન બની જતી. ઝરમર ઝરમર એની કીકી પીગળી જતી.
કુંજવેલીનો પિતા ગરીબ હતો. નિર્ધનતાને લીધે એ કુમળી લાગણીવાળો થઈ ગયો હતો. નાનું સરખું દુઃખ પણ એને પુત્રીની માફક મોટું પહાડ લાગતું.
ઇન્દુમુખ સરકારી ખાતામાં નોકર હતા. માત્ર વીસ રૂપિયાના માસિક પગારમાં ઘરનું તમામ ખર્ચ જેમતેમ નિભાવતા હતા.
બે વર્ષ ઉપર જ પત્ની મૃત્યુ પામી હતી. એક નાનું બાળક, બે પુત્રો અને કુંજવેલી એટલાં એનાં સંતાન હતાં.
કુંજવેલી જ ઘરની આશા હતી. પિતાના ઉરનો વિશ્રામ હતી.
‘પણ હવે કરું શું ! કાંઈ સૂઝ પડતી નથી !' પોતાના ઘરના એક ઓરડામાં ઇન્દુમુખ લવતા હતા. ‘તારી વય વધતી જાય છે તેમ મારા હૃદયમાં અગ્નિ વધારે ને વધારે ભડભડતો જાય છે. જ્ઞાતિથી શું આ લાભ ! અને છતાંયે મારાથી જ્ઞાતિની બહાર જઈ શકાવાનું નથી. ઘર વેચીને મારે કુંજને પરણાવવી જ પડશે. છોકરી કુંવારી કેમ રખાશે? ઓ હરિ ! કાંઈ રસ્તો સુઝાડજે.’ એની આંખમાંથી ચાર આંસુ સરી ગયાં.
એટલામાં ઓરડાનું બારણું ઊઘડ્યું. નાતના ગોર અંદર દાખલ થયા.
‘ઇન્દુભાઈ, દસ હજારથી ઓછે કોઈ હા કહેતું નથી. શ્યામચંદ્રને ઘેરથી વીસ હજાર માગ્યા. કમળકાન્તે અઢાર અને વિમલરાયે બાર માગ્યા. જ્યારે દીવાપતિએ દસ હજારે હા કહી છે. તમે કહો તેમ કરું.'
‘રવિશંકરભાઈ, મને કાલે મળજો. આ સંબંધી પૂરો વિચાર કરીને કાલે કહીશ.’
‘સારું.' કહી રવિશંકર મહારાજ ચાલ્યા ગયા.
ઈન્દુમુખે બારણું બંધ કર્યું. ‘કુંજવેલી, તારું જે થાય તે ખરું; પણ હું તો આ સંકટમાંથી બચું છું. કીકુને સંભાળજે. બસ આ સિવાય મારે બીજો કોઈ માર્ગ નથી.’ એમ કહી કબાટમાંથી પિસ્તોલ કાઢી. એવામાં બારણું ખખડ્યું તેણે એકદમ પિસ્તોલ પાછી મૂકી દીધી.
ત્યાં કુંજવેલીએ પ્રવેશ કર્યો.
‘મોટાભાઈ, શું બોલતા હતા? હું બારણા આગળ ઊભી રહી બધું સાંભળતી હતી. મોટાભાઈ, અમારા આધાર તમે છો એ ભૂલી ન જશો.’
‘બહેન, અન્ય કોઈ રસ્તો નથી.'
‘પણ એ રસ્તો ભૂલભરેલો નથી ? તમે કદાચ આપઘાત કરશો, પણ તેથી કાંઈ મારું લગ્ન થઈ જશે ? એ તો બાકી જ રહેવાનું. દિલગીર ન થશો. હું મારાથી બનતી મદદ તમને કરીશ. તમે સાચવજો.’ કહી બારણું અટકાવી કુંજ ચાલી ગઈ.
‘કુંજ સાચું કહે છે. મારા જવાથી સંકટ કોઈ રીતે ઓછું થવાનું નથી. માત્ર હું છૂટીશ. પણ હું પ્રાણત્યાગ કોને ખાતર કરું છું. એને વાસ્તે કે મારે માટે ? મારે જ વાસ્તે. ત્યારે હું સ્વાર્થી નહિ ? નિષ્ઠુર નહિ ? મારાં બાળકોનો હું સંહારક નહિ ? ના ના; એ પગલું તો હું કદી નહિ જ ભરું.
પવનની ઊર્મિથી પાંદડું પાંદડાને અથડાય છે; સરિતાની ઊર્મિ ઊર્મિને ભેટે છે.
તટ ઉપર દીવાપતિ હાથમાં સોટી હલાવતો ફરે છે. સામેથી બે નાનાં ભાંડુઓ સાથે કુંજવેલી પ્રવેશે છે. બંનેની આંખો એક થઈ. દીવાપતિએ તરત નજર ખસેડી લીધી. કુંજ તો હજી જોઈ જ રહી હતી.
‘દીવાપતિ, મારે તમારું કામ છે; જરા પેલી બાજુ આવશો?'
‘શા માટે નહિ, ચાલો.'
ચારે જણ રેતીના એકાંત ઢગલા ઉપર બેઠાં.
‘દીવાપતિ, તે દિવસે તમે મને શું કહેતા હતા? શું એ સાચું કહેતા હતા ?'
‘ત્યારે શું જૂઠું? વચન આપી હું ફરી જાઉં એવો નથી.'
‘તો કાલે રવિશંકર આવ્યા તે વખતે તો તમારે ઘેરથી દસ હજારની માગણી કરી હતી. તમે સાચું જ કહો છો કે...' બોલતાં તે શરમાઈ ગઈ.
‘ખરેખર, હું તને જ પરણીશ. પણ એ દસ હજાર તો આપવા જ પડશે.'
‘પણ દીવાપતિ ! મારા પિતાની સ્થિતિ તમે નથી જાણતા? અમને પૂરું ખાવા-પહેરવા પણ નથી મળતું, તો દસ હજાર રૂપિયા ક્યાંથી અપાય? તમે એ લેવાની ના ન કહી શકો ?'
‘ના ના, એ તો કદી પણ નહિ બની શકે. એક તો નાતનો રિવાજ પડી ગયો છે અને બીજું, તેમ કરવાથી અમારા કુળની કીર્તિ પણ હલકી થાય. એને માટે જ મારા પિતા સ્પષ્ટ ના કહે છે. તેમ મારા મનમાંથી પણ કુળનું અભિમાન ખસતું નથી.વળી મેં અભ્યાસ સારો કરેલો એટલે મારે માગવાનો હક્ક પણ છે.’
‘પણ અભ્યાસનો આ ઉપયોગ કરશો? મારા પર તમે રૂપિયા માટે પ્રીતિ રાખો છો? મારા પિતાની તમારે દયા ખાવી જોઈએ. અમે ગરીબ છીએ તો તમારા જેવા ધનવાનોએ ઊલટી અમને મદદ કરવી જોઈએ. અભ્યાસનો ઉપયોગ તમે તો અવળો કરવા માંડ્યો. દીવાપતિ ! મારા પિતા છાનામાના રડે છે, અને તે જોઈ મારું હૃદય સળગી જાય છે. કોણ જાણે શું એ કરી નાખે ! કદાચ મારા પિતા આપઘાત પણ કરી બેસે !'
‘પણ હું જ એમાં નિરૂપાય છું. પ્રથમ તો મારા પિતાને સમજાવવા જોઈએ અને પછી મને.’
‘ત્યારે તમારા પિતાને મળું ? એ મારી ઉપર કાંઈ દયા કરશે?’
‘ના ના, જો જો એવું કરતાં, કદાચ મને ઠપકો મળશે?’
‘વારુ, તો નહિ જાઉં; પણ તમે એમને કહેશો ?'
‘પણ મારું મન જ એ પ્રમાણે કરવાને હા કહેતું નથી.'
‘તો અમે પૈસા ક્યાંથી લાવીએ? ચાર હજારનું ઘર છે અને એકાદ હજારના દાગીના છે. બધું વેચીને તો પાંચ હજાર પરાણે મળે. તોય પાંચ હજાર બાકી રહે.’ કુંજ દીન બની બોલતી હતી. તેની આંખમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં હતાં.
‘એ તો તમારે જોવાનું છે. લ્યો પેલા ચતુર્મુખ મને બોલાવે છે. વળી પછી મળજો – વિચાર કરીને.’
‘નહિ જ બને દીવાપતિ ? તમારે પગે પડું છું. બીજું કોઈ મારું નથી.'
* * *
સાંજના ચાર વાગ્યા હતા. ઇન્દુમુખ કચેરીમાં ગયા હતા. કીકુ અને બચુ ઘરની બહાર રમતાં હતાં.
ઘરની પછીતે છૂટી જમીન હતી અને એને ફરતી ભીંત ભરી લીધી હતી. નહાવા ધોવા માટે તે ભાગનો ઉપયોગ થતો.
અત્યારે કુંજવેલી ત્યાં હતી, કાંઈક કામમાં ગૂંથાયેલી હતી. તેણે બાવળનાં પાંચસાત લાકડાં ગોઠવ્યાં. ઘાસતેલમાં તરબોળ કરી છાંટ્યું. પછી એક જૂનું ઓઢણું શરીરે વીંટ્યું ને લાકડાં ઉપર બેઠી.
તેની આંખો ચમકતી હતી. અશ્રુપ્રવાહથી ગાલ નીતરતા હતા.
‘મોટા ભાઈ, સહાય કરવાનો રસ્તો મને આજે જડ્યો છે. તમે આપઘાત કરત તેથી કાંઈ મારી સ્થિતિ સુધરત નહિ; પણ હું મરીશ તો તમને જરૂર સુખ મળશે.
‘હું જઈશ તો આપણી જ્ઞાતિના વરવેપારીઓને કંઈક શિખામણ મળશે અને મારા સરખી બીજી બાળાઓ ભવિષ્યમાં સુખ જોશે; મને માફ કરજો. પણ તમારા અને મારી અન્ય બહેનોના સુખને ખાતર મેં આ કર્યું છે એ વિચાર લાવશો તો મારા આ કૃત્યની યથાર્થતા તમને સમજાશે.'
કાગળના એક કકડા ઉપર એણે આ લખ્યું ને તે દૂર ફેંકી દીધો.
દીવાસળી સળગાવી અને...
* * *
કુંજવેલીનો સૂક્ષ્મ દેહ હજી પૃથ્વી ઉપર ભમ્યા કરે છે.
હાય રે હિંદુ સમાજ !
* * * * *
0 comments
Leave comment