2 - અંતરિયાળ પડાવે / નિવેદન / કાંઠાનું જળ / કંદર્પ ર. દેસાઈ
મારા પ્રથમ પ્રકાશિત થનાર પુસ્તક વાર્તાસંગ્રહ ‘કાંઠાનું જળ' માટે આ નિવેદન લખવા બેઠો છું ત્યારે ન જાણે શું શું યાદ આવે છે ! મારા મિત્રો, મારાં પાત્રો, મારા દરદીઓ, મારાં કેટલાંય એકાંતવીત્યાં દિવસ અને રાત્રીઓ; - આ બધાંય ને બાજુએ મૂકીને યાદ આવે છે કોઠ ગામનું તળાવ, એને અડીને આવેલી સ્કૂલ. એનો લાઇબ્રેરી ખંડ ! પપ્પા પ્રિન્સિપાલ હોવાનો અહીં પૂરો લાભ મળે છે ને સાથે હૂંફ મળે છે મમ્મીની સમજણની. મારા સાહિત્યરસનાં મૂળ મને આછાંઆછાં અહીં દેખાય છે.
પહેલી કવિતા ક્યારે લખી હતી તે યાદ નથી. પણ પહેલી ટૂંકી વાર્તા ‘સ્ત્રી'માં પ્રકાશિત થયાનું ચોક્કસ યાદ છે. વય હતી ૧૮ વર્ષ. તે પછી પણ લખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પપ્પાની તકેદારી યાદ રહી. ‘આ સમય ભણવાનો અને વાંચવાનો છે. પહેલાં ભણો અને ખૂબ ખૂબ વાંચો. પહેલાં પરિપક્વ થાઓ, ભાષા ઉપર કાબૂ મેળવો પછી લખજો.’
એમ લખવાનું બાજુ ઊપર ઠેલાયું. તે છેક એમ.ડી.(આયુ.)ના અભ્યાસના અંતિમ વર્ષ લગી. દરમ્યાનમાં કેટલાંક દૃશ્યચિત્રો મને આવાં યાદ છે. લોદરા ગામની લાઇબ્રેરીમાં પુસ્તકો ફંફોસવાં, અનિલ (વ્યાસ) સાથે મોડી રાત સુધી વાંચેલી વાર્તા-કવિતા -નવલકથા વિશે વાતો કરવી; સાવ મુગ્ધ મને રઘુવીર ચૌધરીના ઓટોગ્રાફ લેવા માટે માણસા દોડી જવું ને ચાર કલાક પ્રતીક્ષા કરવી. (ને પછી આવી મુગ્ધતા ઉપર એમનાં નિર્મમ કટાક્ષવચનો સાંભળવાં) વચ્ચે એક યુવક વિકાસ શિબિર પણ કરી (- પણ એ તો નાટક માટેની નીકળી !) મમ્મી પાસેથી વારસામાં મળેલા લગભગ '૩૭ની સાલથી સંગ્રહાયેલા ‘કુમાર'ના અંકોને અકરાંતિયાની પેઠે વાંચવા....
- દિવસો આમ જ વીતતા રહેત. નોકરીમાં જોડાયા પછી બે-ચાર વાર્તાઓ લખ્યા બાદ અને એટલા જ અનુવાદો કર્યા બાદ કદાચ આ સરવાણી સુકાઈ જ જાત, જો રમેશ ર. દવે સાથે મળવાનું ન બન્યું હોત.
એક સાંજે અનિલ સાથે દાદાને એમના ઘરે મળ્યો, તે પછી એક પણ દિવસ, એક પણ ક્ષણ મારા માટે એ પરાયા નથી રહ્યા. વાર્તાકાર તરીકે જે સમજણ કેળવાઈ તે પણ એમના કારણે. વાર્તાનો આરંભ, વાર્તાની ચરમપરમ ક્ષણ, વાર્તાની ભાષા, વાર્તાનો કથક અને એનો દૃષ્ટિકોણ અને આ બધી બાબતો ઉપર પ્રવર્તતું વાર્તાના વિષયવસ્તુનું પ્રભુત્વ – એમ કેટકેટલાં પાસાં વિશે, બોલીને, લખીને, વાર્તા તપાસીને, ફોન ઉપર ચર્ચા કરીને અને ક્યારેક તો નમૂના રૂપે, વાર્તાનો કોઈ મહત્ત્વનો પેરેગ્રાફ, ‘આ જો હું લખું તો આમ લખું' કહી; તે લખી બતાવીને પછી કહે, ‘હવે તું તારી મેળે લખ.’ એ માત્ર લક્ષ્ય ચીંધીને અળગા-વેગળા ઊભા નથી રહ્યા, એને વીંધવાનું – સિદ્ધ કરવાનું બળ પણ પૂરું પાડ્યું છે.
વાર્તા એટલે કે સાહિત્ય જ શું કામ ? વ્યવસાયે વૈદ્ય છું. તેથી વેદભાષા સંસ્કૃતના સંપર્કમાં રહેવાનું બન્યું તે પણ આ અંગે પૂરક બાબત ગણાય. પરંતુ હું બીજા કોઈ પણ વ્યવસાયમાં હોત, સાહિત્ય સાથેનો અનુબંધ રચાત જ.
ટ્રેકિંગ કર્યું છે, ફોટોગ્રાફી અને બાગબાની પણ રસના વિષયો રહ્યા છે. સ્ટેજ ઉપર અલબત્ત, નથી ગયો પણ બેક સ્ટેજનો લ્હાવો જરૂર લીધો છે. આ બધાં જ અભિવ્યક્તિના પ્રકારો-માધ્યમો છે. એ જીવનને જોવાના વિવિધ દૃષ્ટિકોણ પૂરા પાડે છે. અનુભવની સમૃદ્ધિ બઢાવે છે. વૈદ્યના વ્યવસાયે માણસનાં શરીર જ નહીં, મનની ભીતર છપાયેલાં વેદના-પીડાને પણ તટસ્થપણે જોવાની દૃષ્ટિ આપી છે. ટ્રેકિંગે માણસ અને પ્રકૃતિનો સાવ સાચાં રૂપોનો પરિચય કરાવ્યો છે તો ફોટોગ્રાફીએ સામે દેખાતા નર્યા વાસ્તવની અદ્રષ્ટ ઊંડાઈને ચીંધી-ખોલી આપી છે. બાગબાનીના શોખ દ્વારા બીજથી વૃક્ષ સુધીના વિકાસનો સાક્ષી બન્યો છું પરંતુ સાહિત્યમાં આ બધું જ મને એકસાથે, સામટું મળ્યું છે. અસલ વાત તો છે જાતને ઓળખવાની. આત્મઘૃણા અનુભવતા ડૉક્ટર, તળાવ કાંઠે કાંકરા ફેંકતો નાનભૈ, હિમશિખરોની ટોચને તાકતો વિક્રમ, કોશેટો તોડવામાં નિષ્ફળ જતો ગિરીશ, વિદ્યાર્થીઓના સ્નેહભાજન બનતા પ્રો. દેસાઈ અને અસંગી અમીતા – આ બધામાં કોઈએક ક્ષણે મને મારી ભાળ મળી હતી. ત્યારેય પ્રશ્ન હતો અને આજેય છે : શું હું માત્ર કંદર્પ ૨. દેસાઈ છું કે આ બધાં પાત્રો અને એમની નાનાવિધ જીવનસમસ્યાઓનો સરવાળો છું ? જે ક્ષણે આ અઘરા સવાલનો જવાબ સાંપડશે ત્યારે કદાચ જાતને જાણવા-પામવાની આ મથામણ – આ યાત્રા જ પૂરી થઈ જશે. પણ એ મથામણયાત્રા તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એના વિશે, આ અંતરિયાળ પડાવે ઊભા રહીને શું કહું ?
આ પ્રવાસમાં સાથ આપનારા – નિભાવનારા અનેક મિત્રો-મુરબ્બીઓનું સ્મરણ થાય છે. કોના કોનાં નામ લઉં ?
બિપિન પટેલ, કિરીટ દૂધાત, ભારતી ૨. દવે, વ્રજેશ દીક્ષિત, લાભશંકર ઠાકર, પ્રવીણસિંહ ચાવડા, જામનગરની સીમિત સાહિત્યપ્રવૃત્તિમાં મનની મોકળાશ આપનાર ભારતીબેન જોશી, જિતેશ ભટ્ટ, મહેશ જોશી –
ટૂંકી વાર્તાનો આ સંગ્રહ પરિષદ દ્વારા પ્રગટ થાય તે માટે અંગત રસ લેનાર રઘુવીર ચૌધરી –
‘સરવાણી’, ‘કુમાર’, ‘શબ્દસૃષ્ટિ', ‘વિ’, ‘ગદ્યપર્વ', ‘પરબ', ‘ખેવના'ના તંત્રી/ સંપાદકો, વર્ષની શ્રેષ્ઠ વાર્તાઓના સંચયમાં મારી વાર્તાઓનો સમાવેશ કરનાર સંપાદકો – ભોળાભાઈ પટેલ, સુમન શાહ, ગીતા-ભરત નાયક, કાનજી પટેલ, હર્ષદ ત્રિવેદી, અજિત ઠાકોર, રવીન્દ્ર પારેખ, મણિલાલ હ. પટેલ, ધીરુ પરીખ –
પાક્ષિકી, સાહચર્ય અને સુ.જો.સા.ફો.ના મિત્રો –
મારા વ્યક્તિઘડતરમાં સક્રિય સાક્ષી ભક્તિબેન, નિશીથ
અને
પારુલ.
– કંદર્પ ૨. દેસાઈ
0 comments
Leave comment