1 - ટૂંકી લીટી – લાંબી લીટી / કંદર્પ ર. દેસાઈ
મિહિર ક્યારનોય એકટક જોઈ રહ્યો હતો. છેક હવે તેણે પૂછ્યું.
‘શું થયું છે સ્વાતિ...? બધું બરોબર તો છે ને ?'
‘હું. હં... ના ના બધું બરોબર છે.’ મને ખબર છે કે તે સારી રીતે જાણે છે કે બધું બરોબર નથી અને તોય હું છૂપાવવાની કોશિશ કરું છું ! નથી શાક સમારવામાં ભલીવાર કે નથી યાદ રહ્યું દાળચોખા સાફ કરતાં નળ બંધ કરવાનું ! થોડીવારે વળી એમણે સૂચન મૂક્યું.
‘સ્વાતિ, જો તું કહે તો હું અનિલને બહાર જમવા લઈ જઉં ? હૉટલમાં ફોન...’
‘ના ના એમ તે થતું હશે ? સાવિત્રીબાઈને રસોઈમાં મદદ કરવાનું કહી દઈશ એટલે બધું સમયસર તૈયાર થઈ જશે. ને અમસ્તીય કોઈ ખામી રહી જશો તો અનિલનો કશો વાંધો નહીં નીકળે, એ તો કંઈક એવું સરલ બોલશે ને હસીને....'
‘તે તું ક્યાંથી એને આટલો બધો ઓળખે ?’ એકદમ શંકા – સાચ્ચા પતિનાં બોલવા-જોવામાં હોય તેવી નરી નીતરી શંકા. એમ જ હોયને ! આજ સુધી મેં ક્યાં કોઈ દી અનિલની વાત કરી છે ? એને તો એમ જ ધરબી દીધો, તો મનનાં મેદાનમાં કે.. ને આમેય એને હું ક્યાં કદી ઓળખી શકી છું ? એ તો ગમે તેટલી સારી રસોઈમાંથી વાંક કાઢતો ને બળેલી દાળ પણ મઝેથી – સબડકા ભરી ભરીને પીતો. જેવો એનો મૂડ પણ એનો મૂડ ક્યારે કેવો હોય એની મને શી ખબર ? હા, મિહિરના મૂડની મને ખબર છે આટલો લાંબો સમય ચૂપ રહ્યા પછી હું એને ગળે ઊતરે તેવો જવાબ નહીં આપું તો – ગુસ્સે તો નહીં થાય, દુઃખી જરૂર થશે; એટલે કહું છું,
‘તમે માધવીને તો ઓળખો છોને ? એનો ભાઈ છે દૂરનો – પણ એ બધી વાતો પછી કરીએ તો ? આ રસોઈ ને જમવાનું પતી જાય પછી.’
‘હં’ કહી ફરીથી મિહિરે માથું છાપામાં નમાવ્યું. મને ખરેખર એમનાથી સંતોષ છે. એના જેવા સજ્જન માણસ મેં ક્યાંય નથી જોયા. નહીં તો જે શંકા દેખાઈ હતી. તે ક્ષણવારમાં ભુંસાઈ થોડી જાય ભલા ?
છેવટે સાવિત્રીબાઈને કહ્યું પણ ખરું, 'બેન તું આજે રોકાઈ જા, જોને મને તો નથી લાગતું કે આજે મારાથી બધું કામ સરખું પાર ઊતરે. એમને કહું તો નાહકના ચિંતા કરવા લાગે. એમ કર તું રોકાઈ જ જા !’
મારા ‘એ’ ખરેખર ભલા છે. પેલા કહે છે ને 'અભિજાત' એવા ! હું હંમેશા એમને સાચવી શકતી નથી. ખાસ તો કેન્વાસ આગળ પીંછી લઈને બેસી જઉં ત્યારે તો નહીં જ. એટલે આમ તો કોઈ ખાસ જરૂર વિના જ એમણે સાવિત્રીબાઈને કામે રાખ્યાં છે; મારી કલાસાધનામાં કોઈ વિક્ષેપ ન આવે માટે સ્તો !
એવું છે, અનિલ સાથેની ઓળખ પણ આર્ટગેલેરીમાં જ થઈ હતી. ત્રણેક દિવસના પ્રદર્શન બાદ એ સાંજ નિર્ણાયક હતી. નિર્ણાયકો તે સમયે પારિતોષિકો ઘોષિત કરવાના હતા. એવું ન હતું કે આ પહેલાં ક્યારેય મેં મારી કૃતિ પ્રદર્શનમાં મૂકી ન હતી. મૂકી હતી અને ક્યારેક તો ઈનામ પણ જીતી લાવી હતી, પણ આ તો નેશનલ લેવલની કૉમ્પિટીશન અને મેં મૂકેલાં ચિત્રો વિશે વળી, મારી અપેક્ષા પણ ઊંચી હતી. વધુ નહીં એક ઈનામ તો.... એટલે એ સાંજે હું પૂરતા પ્રમાણમાં અસ્વસ્થ થઈ ચૂકી હતી. આમથી તેમ ફરતી હતી તે છેવટે કંટાળીને શિરીષનાં એક વૃક્ષ નીચે જઈ ઊભી. ખબર નહીં ક્યાંથી એક અજાણ્યો માણસ ફૂટી નીકળ્યો ને મારી સાથે વાતે વળગ્યો. ગમ્યું. એ બહાને હું ક્યાંક રોકાઈ શકતી હતી, મારી બેચેનીથી દૂર રહી શકતી હતી. એણે જ્યારે મારું નામ ઉચ્ચાર્યું ને હું આશંકિત થઈ ઊઠી.
‘તને ક્યાંથી ખબર પડી ?’
મારા સવાલને સહેજ પણ ગણકાર્યા વિના કહેવા લાગ્યો.
‘સ્વાતિ, તું ખોટી ચિંતા કરે છે. તારા એક ચિત્રને – ‘પાનખર'ને ઈનામ મળવું જોઈએ. પહેલું નહીં તો બીજું તો ખરું જ. એ સિવાય એકાદ કૉન્સોલેશન પ્રાઈઝ મેળવી આવે તો નવાઈ નહીં.'
નિરાંતની એક અવનવીન લાગણી મનમાં ફરી વળી. જાણે નિર્ણાયકોએ નિર્ણય જાહેર કરી દીધો છે અને હું ઇનામ લઈ ઘરે આવી ગઈ છું ! – પણ બીજું તો કંઈ નહીં, મારા પગ તો જમીન પર જ હતા. એટલે હું બોલી,
‘એવી અશક્ય વાત નહીં કર....'
‘અનિલ, મારું નામ અનિલ. પણ જેને તું અશક્ય કહે છે એ શક્ય બને તો... ?
‘એક ફિલ્મ બતાવી દઈશ.’
‘બસ એટલું જ ?’
‘અરે ! એક સાવ અજાણ્યા છોકરાને હું ફિલ્મ માટે કહું છું એ ‘બસ એટલું જ' નથી સમજ્યો ?'
‘પણ સ્વાતિ એ સાવ અજાણ્યોય નથી.’ મેં જોયું તો માધવી. પાછળ ઊભી, ઊભી હસતી હતી.
સાચે જ મારી એ સાંજ બહુ મજાની નીકળી. મને મારા ‘પાનખર’ માટે સેકન્ડ પ્રાઈઝ મળ્યું ! કૉન્સોલેશન પ્રાઇઝ તો એકે ન મળ્યું પણ નોંધપાત્ર ચિત્રકૃતિઓમાં મારાં બે ચિત્રોનો સમાવેશ થયો. તે ઉપરાંત ખ્યાતનામ ચિત્રકાર છગનલાલ જાદવે મને કેટલાંક ઉપયોગી સૂચનો કર્યા અને ભવિષ્ય માટે આશા વ્યક્ત કરી. અવારનવાર મળતાં રહેવાનું – એમનું વિશેષ માર્ગદર્શન મળે એવી વ્યવસ્થા ગોઠવવાનું પણ વિચારાયું. ને પેલો ‘સાવ અજાણ્યો નહીં' તેવા છોકરાની મૌન પ્રશંસાપૂર્ણ નજરો. એ માધવીની માસીની નણંદનો દીકરો. થોડા દિવસ થયે અહીં આવ્યો હતો. મને એ ગમ્યો હતો કેમકે એણે મારી સફળતાની આગાહી કરી હતી. મારી શક્તિમાં અસાધારણ રીતે વિશ્વાસ જાહેર કર્યો હતો.
અનિલ કાંઈ મારો પહેલો પુરુષમિત્ર ન હતો. અમારું આઠ-દસ જણાનું ગ્રુપ હતું. બધાં કંઈ સાથે ભણતાં ન હતા કે બધાંની રસ-રુચિનો વિષય એક ન હતો. એક જ સોસાયટીમાં રહેતાં હોવાથી અમે પરસ્પર જોડાયેલાં હતાં. અઠવાડિયે એકાદ ફિલ્મ સાથે જોતાં, મહિને-દોઢ મહિને ક્યાંક પિકનિકમાં ચાલ્યા જતાં. ક્યારેક વળી પાનાંની, બાજી જમાવતાં. કુમારના ઘરે હોઈએ તો એની કવિતા સાંભળવી ફરજિયાત હતી. તો વળી, નરેનનાં તબલાં ઉપર માધવીની સિતાર સારી સંગત કરતી પરંતુ સારંગ જ્યારે ગઝલ કે કોઈ સુંદર ગીત સંભળાવે ત્યારે બધા એકધ્યાન થઈ જતાં. મોહિની યુનિવર્સિટીમાં બેડમિંટન ચેમ્પિયન થઈ હતી. આંતરયુનિવર્સિટી માટે જબલપુર જવાની છે. ડબલ્સ માટે એણે રાકેશ સાથે પ્રેક્ટિસ શરૂ કરી છે એથી એને આજકાલ ફુરસદ નથી. ગૌતમીને નૃત્ય સરસ આવડે છે, ખાસ તો ભરતનાટયમ્. ને મનેય એની સાથે એકાદ બે ઠેકા લેવા ગમે છે. હું આ બધાંની સાથે છું તોય કઈ અળગી રહી જાઉં છું. મને ગમે છે આ બધાંની સાથે રહેવું પણ એથી વધારે ગમે છે સૂર્યને ઊગતો જોવો, ફૂલોને ખીલતાં જોવાં, સવાર સવારમાં આખો બગીચો ગજાવી મૂકતાં રંગબેરંગી પંખીઓ સાંભળવાં, સાંજ પડે... કેટલો બધો રંગ વિખરાઈ પડયો છે. આ પ્રકૃતિમાં ? કંઈ પાર નથી... કહો, એક લીલા રંગમાં જ કેટલી બધી છટાઓ છે ! વૃક્ષને ફૂટેલી એક કૂંપળ સુકાઈને ખરી પડે ત્યાં સુધીમાં એ કેટકેટલા રંગોની યાત્રા કરે છે ! હા, રંગો મારા માટે તીર્થ સમાન છે.
દેવરપ્પા મારી વાત ધ્યાનથી સાંભળતો ને ક્યારેક ટીકા પણ કરતો. મૂળે એ ક્રિકેટનો ખેલાડી. કહેતો, ‘હું સારો બોલર છે પણ સાથે ચપળ ફિલ્ડર પણ છું, જો હું સારી ફિલ્ડીંગ ન કરતો હોત તો ટીમમાં મારું કોઈ સ્થાન ન હોત. તું સારી ચિત્રકાર જરૂર છે, સારી વ્યક્તિ જરૂર છે પણ તું વ્યવહારું નથી. દુનિયામાં માત્ર શિરીષનાં ફુલો નથી. આર.ટી.ઓ.માંથી લાયસન્સ પણ કઢાવવાનું હોય છે ને ‘હાઉસફૂલ'નું પાટિયું લાગ્યા પછીય ટિકિટો વેચાતી મળે છે. એટલે આમ તું બધાંથી અતડી રહી જાય છે એ મને નથી ગમતું. અમારા સિવાયની પણ એક બીજી દુનિયા છે.’
દેવરપ્પાની આ વાતોનો કોઈ જવાબ મારી પાસે નથી. હું હસી લઉં છું. મને કબૂલ છે મારું એકાંત. કોઈ અજાણ્યું એને દંભ કે આડોડાઈ કહી જાય તો મને વાંધો નથી. પણ મારા આ મિત્રો – ! મારી આટલી ઉણપ સ્નેહથી ચલાવતાં ને મારી મજાક પણ બહુ નહોતાં ઉડાવતાં. પણ આ અનિલ આવ્યો ને... હું જાણે બદલાઈ ગઈ, સાવ તો નહીં, થોડી. એનામાં રહેલી અપૂર્વ પ્રાણશક્તિ મને આકર્ષી ગઈ. એકદમ ઊછળતો, તરવરતો, જુવાનીને સાચા અર્થમાં શોભાવતો ને ઉત્સાહથી ભર્યોભર્યો ! એની એકેય વાતમાં નિરાશા ડોકાતી નથી કે એ ક્યાંય નકારથી પ્રગટતો નથી. સૌની સાથે આત્મીયતાથી વાતે વળગે છે. બધાંને પ્રેમ કરે છે ને બધાંની ચાહના મેળવી જાય છે. અનિલને એકલાં રહેવું લેશમાત્ર ગમતું નથી. અરે, સામે ઊભેલી દીવાલનેય એ હસીને બોલાવે ! ને પાછું એના શોખમાં વૈવિધ્ય પણ ગજબનું છે. નાનાં છોકરાઓ સાથે ગિલ્લીદંડા ને લખોટી રમવાથી માંડી મોટેરાઓ સાથે ટેબલટેનિસ ને બ્રીજ સુધ્ધાં રમે છે. નવરાત્રિના દિવસો તો માત્ર એના જ. વાર્તા કવિતામાંય રસ ને પાછું ટુચકાઓનો તો ખજાનો. માણસ જોઈને વાત કરે. સૌને એની બાજુમાં રહી હસવાનું ગમે, હળવા થવાનું ગમે. જાણે એના લાંબા પાતળા શરીરમાંથી ઉષ્મા વહે છે ને હું એ ઉમામાં વહેતી જાઉં છું, વહેતી જાઉં છું ! એ અનિલ છે, વાયુ ને હું જાણે સુગંધ. અદૃશ્ય ભાવે હું એનામાં તદાકાર થતી ચાલી. વાયુમય સુગંધ તો ક્યાં કદી છુપાઈ છે ! એમ અમારા ગ્રુપમાં એ વાત છાની ન હતી. સૌ જાણતા કે મને અનિલ માટે પક્ષપાત છે, પિકનિક પાર્ટીમાં કે થિયેટરમાં એની બાજુમાં બેસવું મને ગમે છે. વાતે વાતે રીક્ષાનો આગ્રહ કરતી હું એના સ્કૂટર પાછળ ગોઠવાઈ જઉં છું અથવા એ ચાલવાનું કહે તો નાં નથી કહેતી ! પહેલાં જેવી અતડી હું રહી નથી. બહુ હળવાશથી જીવું છું, આનંદ પામું છું. મજા એટલે શું ? એનો શબ્દશ: અનુભવ લઉં છું.
એ દિવસે તો મને ખૂબ મજા આવી હતી. સૌ માધવીની અગાશીમાં બેઠાં હતાં ને મેં કહ્યું, ‘જુઓ જુઓ, તમને હું કંઈક બતાવું.’ ને મેં સૌને અનિલનું કેરિકેચર બતાવ્યું. મોટું બધું માથું ને એવી લાંબી મોંફાડ, ને બે વધારાના હાથ. મારી જિંદગીમાં દોરેલું સૌથી પહેલું કૅરિકેચર હતું એ !
... ને એમ અનિલનો સ્નેહભાવ પણ કોઈથી છાનો ન હતો. મેં દોરેલાં કેરિકેચરથી સૌથી વધુ ખુશ એ થયો હતો. એની એ ખુશી આઇસક્રીમનાં પાર્લર સુધી બધાંને લઈ ગઈ. સૌને ટુટી-ફૂટી ખવડાવ્યો. બધાં જ એ જાણે કે આખાય ગ્રુપમાં મને ટુટી-ફૂટી સૌથી વધુ ભાવે ! સડક પર એની સાથે ચાલવું એટલા માટે ગમે છે કે એને રસ્તે ચાલતાં ચાલતાં મકાઈડોડો ખાવામાં કંઈ વાંધો નથી આવતો.
ક્યારેક મારો મૂડ નથી હોતો એટલે હું આખો વખત ઘરમાં પુરાઈ રહું. ક્યાંય જઉં નહિ કે કોઈને મળું નહિ. પણ આ અનિલ – ઑફિસેથી આવે ને મને ન જુએ એટલે સીધો ધસી આવે મારી રૂમમાં. એ સાંજે એમ જ ધસી આવ્યો અને રીતસરની મને ખેંચી કહે, ‘ચાલ, બહાર જવું છે. સત્તુ !’
મને સમજ ન પડી, મારે શું કરવું ? કેમકે આ મારા માટે તદ્દન નવું હતું. કોઈ પુરુષ આવી મારો હાથ પકડી મને આદેશ આપે ને ઓછું હોય તેમ કોઈ વિચિત્ર ટૂંકા નામે મને સંબોધે ?
...પણ જિદ્દી તો હું જ.
ન ગઈ, એને પણ ન જવા દીધો. મમ્મીને રસોડામાંથી બહાર કાઢીને જાતે રસોઈ બનાવી એને જમાડ્યો. એ રાત્રે પહેલીવાર મને સ્વપ્નમાં એ દેખાયો. એક કાળા અશ્વ પર ઊજળાં દૂધ જેવાં કપડાં પહેરી અમે બેઠાં છીએ. અશ્વ ધીમે ધીમે રવાલ ચાલે દોડી રહ્યો છે !
એને સિગારેટ પીવાની ટેવ છે પણ મને થાય છે કે એણે બીજાથી અલગ દેખાવું જોઈએ. એટલે એક સાંજે હું પાઇપ અને તમ્બાકુ લઈ એની પાસે પહોંચી ગઈ. મારા આશ્ચર્ય વચ્ચે એણે સિગારેટનું પાકીટ ફગાવી દીધું ને પાઈપ પીવાની શરૂ કરી. એના ચહેરા પરની લિપિ ન ઉકેલી શકે એટલી મૂર્ખ નથી. પણ સહસા એ જ ક્ષણે મને ડર લાગ્યો : આ સમય કેટલો ટકશે ? આ સમય વહી જશે તો હું એને કેમ પકડી રાખીશ ? શું કરું તો આ સમય બંધાઈ જાય મારી મુઠ્ઠીમાં ?
સાવિત્રીબાઈ પૂછે છે, ‘ફરસાણમાં શું કરવું છે ?’
આહ... જોઉં તો, શું છે આ બધું ?! ભાન પાછું આવ્યું, સાથે હસવું પણ. શાક સમારતી હતી તે કામ સાવિત્રીબાઈએ પૂરું કર્યું છે. હું ભીંતને અઢેલીને બેસી રહી છું. ક્યારની ? ખબર નથી પણ રસોઈ લગભગ થઈ રહેવા આવી છે. ફરસાણનું કંઈ નક્કી ન હતું એટલે એ બાકી છે. ફૂલવડાં બનાવી દેવાનું કહી મારી રૂમમાં જાઉં છું. એક કોરું કેન્વાસ પડ્યું છે અને અડકું છું. કરકરો સ્પર્શ ગમે છે. એ એક જ વાર મને સભાનતાથી સ્પર્શ્યો હતો. એની હથેળી મારા ગાલ ઉપર ઘસી હતી. આહ ! મને એવો તો રોમાંચ થયો હતો જાણે હું મારા ગાલને કેન્વાસ પર ઘરું છું ! એ એક ક્ષણ મારા આખા જીવનમાં જડાઈ ગઈ. ભૂલવા ગઈ તો આ કેન્વાસે મને યાદ અપાવી છે. પણ એની સ્મૃતિમાં ટકી રહે એવું કશું હું આપી શકી હતી ખરી ? પાઇપ તો એણે છ મહિનામાં છોડી દીધી.
સંબંધની શરૂઆતનો એક દોર મારા હાથમાં છે. એના સહારે હું આગળ જઉં છું, જવાય પણ છે પરંતુ એક સમય એવો આવે છે કે મને ખબર જ નથી પડતી કે મારા હાથમાં શું છે ? દોર કે દોરનો આભાસ ? એક ક્ષણ હોય તો પકડી શકાય, વિચારી શકાય પણ સમયના ધૂંધળા, એક સળંગ પટ્ટાને હું કઈ રીતે વિચારું ?
એક રાત્રે હું એની સમક્ષ ફરિયાદથી વ્યક્ત થઈ. કહ્યું, ‘હમણાંથી તું દરેક - મેં કહેલી દરેક વાતમાં ના કહે છે. કેમ ?' જવાબમાં એ માત્ર હસ્યો હતો. ભૂલ થઈ. ન કહેવાય આવું. કોઈ માણસ આપણી સાથે હસીને વાતો કરે, સાંભળે, સંભાળે કે આપણને સહન કરે એનો અર્થ એ નથી કે એ આપણે કહીએ એમ કરે. એને પણ ઇચ્છા જેવું કંઈ હોય કે નહીં ?
...પણ મારી ઇચ્છાઓ તો બહુ નાની છે. ચકલીનાં ખરી પડતાં પીંછાં જેવી હળવી અને નાની. કશા જ ભાર વિનાની. એવી ભારરહિત ઇચ્છાઓ પૂરી થતી નથી એટલે ટનબંધ વજન ધરાવતા કાળા પથ્થર સમી અપેક્ષામાં ફેરવાઈ જાય છે. મારો એ અનુભવ રંગોમાં પ્રગટ થાય છે. મા પૂછે છે, ‘દીકરી તને શું થયું છે તે આમ બધે કાળું કાળું ચિતરી મારે છે ? અને આ શું ? મોટા જબ્બર પથ્થર નીચે એક સ્ત્રી દબાઈ ગઈ છે કે પુરુષ કાળા અશ્વ પર સવાર થઈ ભાગી રહ્યો છે ! મને નહીં કહે, તને શું થયું છે ?’ માના ખભે માથું મૂકી આંખ મીંચી દઉં છું. શું કહું ? કંઈ કહેવા જેવું તો છે નહીં ! તો પછી આ ભાર શેનો લાગે છે ?
- કદાચ અસંબંધનો ભાર.
તરસનું એક લીલુંછમ વૃક્ષ મારી નસનસમાં ઝૂમે છે. ક્યારેક તરસ મારા પસીનામાં વહી જાય છે તો ક્યારેક શબ્દોમાં, તો ક્યારેક મારાં બંધ પોપચાંના કોઈક ખૂણે ફૂટેલા, અખૂટ ઝરામાં, તો વળી, ક્યારેક એ જ ખુલ્લી આંખના રસ્તે તને જોઉં છું ને તરસનો એક નવો આવિર્ભાવ જાગે છે. તારો રવરવતો અવાજ મારા કાનમાં થઈ શરીર આખામાં પ્રસરી જાય છે ને રોમાંચ થઈ આવે છે સઘન. દરેક ક્ષણે હું તૂટતી હોઉં છું ને દરેક ક્ષણે રચાતી હોઉ છું. પણ એક તું છે, તારા કારણે અહીં એક આખો દરિયો હિલોળા લઈ રહ્યો છે ને તું તો સાવ બેદરકાર થઈ તારામાં જ ડૂબેલો ! તને તો જાણે કશું થતું જ નથી. રુક્ષ, સાવ રુક્ષ એટલો બધો રુક્ષ કે તારી આ રુક્ષતાને વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી ! અશબ્દ એવી તારી રુક્ષતા ને નિ:શબ્દ એવી મારી વેદના. રાજરાણીની જેમ મ્હાલતી મારી વેદના. ઝરૂખે બેઠી બેઠી રાહ જુએ છે. ક્યારે તું આવે અને એને હતી નહતી કરી નાખે ! પણ હવે તો મારી જેમ એનેય જાણે રાહ જોવાની ટેવ પડી ગઈ છે !
*
એ દિવસોમાં સૌ વ્યસ્ત હતાં. અનિલ પણ. એને સર્વિસની સાથે એને લગતી પરીક્ષાનીય તૈયારી કરવાની હતી. એની વ્યસ્તતા મને સમજાતી હતી. એને માટે સમય કેટલો કિંમતી હતો તેમ જાણતી હતી. મેં એને કહ્યું:
‘નીલ, હું તારું પોર્ટ્રેઇટ બનાવવા માગું છું.'
‘ના, સત્તુ ! મારી પાસે સમય નથી.’
‘અરે ! પણ મારે ક્યાં તારો સમય જોઈએ છે ? તું વાંચતો હોઈશ ત્યારે હું રૂમને એક ખૂણે બેસીને મારું કામ કર્યા કરીશ. તને ક્યાંય ડીસ્ટર્બ નહીં કરું !’
‘નહીં, મને નહીં ફાવે.’
બહુ ખરાબ લાગ્યું. મારે એનું સાંનિધ્ય જોઈએ છે તેટલી સાદી વાત એને સમજાતી નથી ? કે એને ગમતું નથી. આ એવી વાત થોડી છે કે ભૂલી જવાય કે ખોટું ન લગાડું ?
દેવરપ્પા મને જુએ છે. હું તરડાયેલી, અભાવના ખડક સાથે અથડાયેલી નૌકા જેવી. મારા ખભે હાથ મૂકી આશ્વાસન આપવા પ્રયાસે છે. પૂછે છે, ‘સ્વાતિ ! તેં આજે નવું શું જોયું ?'
આહ ! આ માણસ ! જોને હું કેવો સામાન્ય વર્તાવ રાખું છું એની સાથે ને તોય એ મારી કેટલી બધી કાળજી રાખે છે ! એને મધુમાલતીના બદલાતા રંગોમાં જરાય રસ નથી તોય મને સાંભળે છે, ધ્યાનથી. હા, એ મારો સાચો મિત્ર છે. કહે છે, ‘તેં આકાશમાં લીલો રંગ શું કામ કર્યો ? તું શું એમ માને છે કે જે અસંભવ છે તે શક્ય બનશો ?’
હું એને સીધું જ કહી દઉં છું. ‘એને શું એટલીય ફૂરસદ નથી કે...’ એ સમયે જ માધવી આવે છે, હસે છે; કહે, ‘અનિલ પણ એ જ કહેતો હતો. હમણાંથી સ્વાતિને મળાયું નથી તે એને બહુ માઠું લાગ્યું લાગે છે. જોને, કેટલા દિવસથી મળવાય નથી આવી.’
કશું કહેવું નથી. હજી ગઈ સાંજે તો મેં એને કુમારની અગાશી પર જોયો, કવિતા સાંભળતો. પરમ દિવસે સવાર સવારમાંય મિતાલી સાથે શોપીંગ કરવા સ્કૂટર લઈ નીકળી પડ્યો હતો.
મમ્મીને કહું છું, ‘મા, શું એક દિવસ પણ હું એને માટે અનિવાર્ય ન બની? મારી ફુરસદે એની પાસે સમય ન હોય પણ એની ફુરસદે તો એ આવીને મને મળી તો શકેને ? તું જ જુએ છે ને કેટલા દિવસથી એ મારાં પેઈન્ટિંગ્સ જોવા નથી આવ્યો. એણે સૂચવેલા વિષય પર આ વસંતનું ચિત્ર બનાવ્યું છે એય એને યાદ નથી. કહે છે : એમ ? આવો કોઈ વિષય મેં બતાવેલો ખરો ? એક ક્ષણ માટેય મા, એણે મને યાદ કરી હોત ને મળવા આવ્યો હોત... પણ આ તો સાવ...’
મા મારા હાથમાંથી પેન્સિલ લઈ લે છે, એક કોરા કાગળ પર એક લીટી દોરે છે પછી બીજી; પહેલાં કરતાં જરા લાંબી.
સ્વાતિ ! આ પહેલી લીટી ટૂંકી થઈ ગઈ. એ કેમ થયું ? એ વિશે એણે ન વિચારવું. એણે શું કરવું જોઈએ તે વિશે વિચાર. એ પરિસ્થિતિ સ્વીકારી લેવી જોઈએ અથવા તો પછી પાગલપન. દીકરી તને શું પસંદ છે ? જે ગમે, પસંદ આવે તેને માણી લેવું. ન ગમે તો તેને સહન કરતાં શીખવું. ને બીજું સમય. સમયને સમજતાં શીખ. આજની પસંદગી આવતીકાલે ન પણ રહે. છેક નિરર્થક જણાય.યાદ છે તને ? નાની હતી ત્યારે તું ટોફી માટે બહુ આગ્રહ કરતી. આજે તને એટલી ગમે છે ખરી ?
‘પણ મા, માણસ અને ટોફી એક છે ?'
‘નથી જ. પણ તીવ્રતાને બાદ કરતાં બીજો શો ફેર હોય છે ? આ એક સહજ બાબત છે, એમ માની એને સ્વીકારતા શીખ. આજે આ ગમ્યું તો કાલે પેલું. પરિસ્થિતિ પ્રમાણે, મૂડ પ્રમાણે પસંદગી હોય, એમાં અકળાવાનું ન હોય, સ્વીકારવાનું હોય.’
મમ્મી થોડીવાર થોભી, પછી બોલી, ‘ને અનિલ બુદ્ધિશાળી તો ખરો. તમે બેઉ જાણતાં હતાં કે તમે માત્ર મિત્રો છો ને એય ખબર હતી કે તમારી વચ્ચે ખાસ્સું અંતર છે, એ અંતર પસાર કરી તમે સાથે રહી શકો એ શક્ય ન હતું. અનિલના ભવિષ્યમાં તારું તો ક્યાંય સ્થાન નથી તો પછી શા કારણે તને સાથે ખેંચી જાય ?’
બરોબર તો છે, મા ક્યાં ખોટી છે ? પવનના ઝપાટામાં વહેતી થયેલી સુગંધ વાયુના અણુઅણુમાં પ્રસરી જાય છે ને પછી એનું તો કોઈ અસ્તિત્વ રહેતું નથી. પવનને ખ્યાલ સુધ્ધાં નથી રહેતો કે આવી કોઈ સુગંધ હતી કે કેમ ?
મમ્મી હજી બેઠી છે. એટલે હજી યે એને કોઈ વાત કહેવાની છે. મેં પૂછ્યું,
‘શું ?’
‘તેં કદી દેવરપ્પા વિશે વિચાર્યું છે ?’
‘એટલે... એમાં શું વિચારવાનું ? એ તો...'
‘બસ. અહીં જ જરા ધ્યાનથી જો. તારી વાતો સૌથી વધુ કોણે સાંભળી છે ? જ્યારે તને કોઈની પણ જરૂર પડી છે ત્યારે તને હંમેશા કોણ મળ્યું છે ? એ એણે કદી કહ્યું નથી, હક્ક નથી કર્યો. પણ એક સીમા બાંધી છે ને ત્યાં રહ્યે રહ્યે એ તને – ’
‘ના બોલીશ મા, ના બોલીશ. મેં તો ક્યારેય...’ પણ મમ્મી ક્યાં ખોટી હતી. ?
એ વરસ. સાચે જ અસાધારણ રહ્યું. હું લાગણીઓનાં જુદાં જુદાં રૂપો ઓળખતા શીખી. એની મર્યાદાઓ, વિશેષતા, ઊંડાણ... એક કલાકારને શોભે એવું તટસ્થ નિરીક્ષણ કરતા શીખી. એક જ રંગનાં અલગ અલગ શેડ્ઝનો અર્થ મને બરોબર સમજાયો. કયા કયા રંગનો કેવો શેડઝ ઉપયોગમાં લેવો... સ્વસ્થતાથી જોઉં છું અનિલને, એનાં વર્તનને. એ એવો જ ઉમળકાભર્યો છે, ઉપરથી ઊછળતો ભીતરથી સ્થિર. લગભગ બધાંની સાથે એકસરખું વર્તે. - કદાચ અમારા જૂથમાંથી. કોઈપણ એની પસંદગીનું નહીં હોય. પછી મારી સાથે કે કોઈનીય સાથે એ કઈ રીતે ‘ખાસ વિશેષ’ વર્તે ? આ બધું સ્વીકારવું આકરું જરૂર પડે છે. પણ જો હું દેવરપ્પાને મિત્રથી વિશેષ ન સ્વીકારું તો એણે મને પણ સ્વીકારવી એવો આગ્રહ કયા આધારે રાખું ? એવા મારા પ્રશ્નનો જવાબ મને મળતો નથી ને મને હસવું આવે છે ! મનમાં હળવાશ લાગે છે.
પછી તો મેં અનિલનું પોર્ટેઇટ બનાવ્યું અને દેવરપ્પાનું પણ. મેં સાથે જ તેઓને આપ્યું તો એક ફરક નોંધી શકી. અનિલે સાવ સહજતાથી સ્વીકારી લીધું. ને દેવરપ્પાએ કદરભરી નજરે મારી સામે જોયું ને સહેજ મલક્યો. એમાં દુ:ખ હતું શું ? મેં ઊંડો શ્વાસ લીધો ને અમે અનિલ સામું જોઈ મલક્યા. અનિલ પણ અમારા હસવામાં જોડાયો.
મા સાચું કહેતી હતી, ‘આથી પણ વધારે લાંબી લીટી તારા માટે આવશે !’ હું મિહિર માટે સર્જાઈ છું કે નહીં તે તો ખબર નથી પણ એ તો મારા માટે જ સર્જાયા છે. માત્ર મારા માટે મારા તરફના એમના સ્નેહની રેખાનો કોઈ અંત નથી.
અનિલ આવવાનો છે. ભલે આવે, જમાડીશ. જૂની ઓળખ તાજી કરીશું ને આનંદ માણીશું. વચ્ચે એકવાર સારંગ અને ગૌતમી આવ્યાં જ હતાંને ! કેટલી બધી મજા આવી હતી. બસ એમ જ સ્તો !
અરે ! કેટલો સમય વીતી ગયો ! સાંજની ચા પીવાની તો રહી જ ગઈ. મારા રૂમની બહાર નીકળી પોર્ચમાં આવું છું. મારા પતિને પૂછું છું, ‘મિહિર, ચા પીશોને ? હું બનાવી લાવું છું.’
[‘સરવાણી’ એપ્રિલ, ૧૯૮૭]
0 comments
Leave comment