4 - સોળ અને સોળ અને... / કંદર્પ ર.દેસાઈ


   આવું કેમ બન્યું તે જ ખબર નથી. ખરેખર તો કશું જ બન્યું નથી. જીવવા સિવાય બીજું કંઈ થઈ શક્યું નહિ. રોજેરોજ નિયત પ્રમાણમાં લેવાતા શ્વાસો, મુકાતા ઉચ્છવાસો, જો આ જ જીવવું હોય તો. હવે તો નવા વિચારો પણ આવતા નથી.

   અટકી જાઉં છું. જેમ કામ કરતાં તેમ વિચારતા. તાક્યા કરું છું કોઈપણ ચીજને, ધ્યાનમાં લીધા વિના. પછી જ્યારે નજર પાછી વળે ત્યારે એમ થાય કે હું પણ પાછી વળી. વળતો પ્રશ્ન થાય કે ક્યાંથી ? તો જવાબ મેળવવા તાકતી હોઉં એમ વળી કોઈ નિમિત્ત પર નજર કેંદ્રિત થાય છે અને..

   ચા ઊકળ્યા કરે છે. પ્રમાણ ઓછું છે તેથી ઊભરાઈ જતી નથી, રેલાઈ જતી નથી. માત્ર ઊકળ્યા કરવું. પણ હંમેશા તો ચા ઊકળતી નથી હોતી ! લેબોરેટરીમાં બીજી ઘણી ચીજો છે જ્યાં આવી બેદરકારી અકસ્માત સર્જે, ઘાતક નીવડે. ડૉ.પંડ્યાના ધ્યાનમાં આવે તો ઠપકો આપ્યા વિના ન રહે. કદાચ સમસ્યા પણ ત્યાં જ છે કે કોઈનાય ધ્યાનમાં નથી આવતું કે હું છું. એક સ્ત્રી છું. બત્રીસ વટાવી ગયેલી. અકાળે મૂરઝાવા લાગેલી. અકારણ શોષાવા લાગેલી... પણ આમ કેમ થયું ? ખરેખર જ મારા પર કોઈનું ધ્યાન નથી ગયું ? કે પછી મેં જ કોઈના પર ધ્યાન ન આપ્યું ? અને હવે શોધું છું... એમ કેમ બને ? નહિ તો મારી નજર સમક્ષ કોઈ તો આકાર ઊભરાયને ! માંસલ, સ્નાયુબદ્ધ દેહ, કઠોર તરડાયેલો અવાજ, રૂંવાટીભર્યા હાથ... ઓહ, આમ વિચારતાં પણ મનની ધડકન વધી જાય છે. રોમ રોમ ખડા થાય છે, પગનો અંગૂઠો સહેજ વળી જાય છે. આ જે મને હાલ થાય છે તે શું સોળ વર્ષની વયે નહીં થયું હોય ? મનની ભીતર ડૂબકી લગાવી ચાલી જઉં છું. કંઈ કેટલીયે વાર હાથ-પગ પસારું છું – ફંફોળું છું, છેવટે કાદવકીચડ પણ મળે – પણ કંઈ નહીં.... થાકીને બહાર આવું છું તો એવી હતાશ લાગું છું મને કે.... આકાશનું પ્રતિબિંબ પાડતી, તરંગિત થતી સ્નાનાગારની પારદર્શી જલસપાટીને દ્વેષથી, ઘૃણાથી જોઈ રહું છું. હજીયે તળિયું દેખાય છે. એ અતાગ નથી. એ ડહોળાયેલું નથી અને મલિન પણ નહિ. એમાં આકાશ સિવાય કોઈનું પ્રતિબિંબ નથી. આકાશ -અમાપ પણ ખાલી; અનંત પણ આકારહીન, તદ્દન પોલું. નક્કરતાનો નિઃશેષ અભાવ. અંદરબહાર બધે જ પ્રસરી ગયું છે આ આકાશ. પંચમહાભૂતમાંનું પહેલું - હજી આરંભ જ છે. પાર્થિવ તત્ત્વ તો પાંચમું છે. ક્યારે સ્પર્શશે માટીની ગંધ ? વચ્ચે એક મુકામ આવે છે આગનો. ભડકતી સ્વાહા કરી જતી આગનો ! કેવી હોય છે આગ ? ગુલમહોર ખિલાવી દે ગુલમહોર, એવી હોય છે આગ ! જાણે ભીતરથી કો’ પોકારી ઊઠે છે. હા, વૃક્ષ એ મારો પહેલો પ્રેમ !

   પ્રેમ શબ્દ તો આજે વાપરું છું, ત્યારે તો સમજ પણ નહોતી કે છોડ- વૃક્ષ- વેલ પરત્વે આટલું ખેંચાણ કેમ છે ? ગુલાબના એક એક રોપને ધ્યાનથી નીરખતી. વધુ ફૂલો મેળવવા કાળજી રાખતી. ચાનો કુચ્ચો સુધ્ધાં પાણીથી સાફ કરી લેતી. તૈયાર કુચામાં તો ખાંડ હોય છે એ ખાંડ તો નુકસાન કરે, માળીકાકાએ એમ કહેલું. મારા બાળમાનસમાં બહુ સીધો તર્ક હતો જો માણસ ખાંડ વધારે ખાય તો દાંત બગડે, ડાયાબિટીસ થાય. તો છોડને શા માટે નહિ ? વૃક્ષો પ્રત્યે આટલી સજીવતાથી વર્તવાનો મારો અભિગમ ખરેખર તો ટીકાને પાત્ર હતો. પણ કોઈએ તેમ ન કર્યું. કેમકે હું બાળક હતી. મોટી થશે એટલે એની મેળે સમજશે. વારું, સમજણ એ ક્યા પંખીનું નામ છે અને ક્યા વૃક્ષની ડાળે જઈ ટહુકો કરે છે ? મેં તો ખૂબ સજાવી ધજાવી રાખ્યો છે મારા મનનો, તનનો બગીચો ! એક ડાળને સુક્કી પડવા નથી દીધી. બધાં ફૂલો સુગંધિત છે અને જે સુગંધિત નથી તે સુરંગી છે, રૂપ આકર્ષક છે. પણ પંખી તો ઠીક એક પતંગિયું પણ ન આવ્યું. ક્યાંક આ મન અને આ તન બનાવટી તો નથીને ?

   બારમાની પરીક્ષામાં હું ધારી સફળતા મેળવી શકી ન હતી. મેડિકલમાં મોકલવાની પપ્પાની મહત્ત્વાકાંક્ષા પૂરી ન થઈ તેથી તેમણે અકળાઈને ‘શોભાનો ગાંઠિયો’ કહી મારું અપમાન કર્યું હતું. તે પછી પણ મેં બીએસસી જોઈન કરેલું. અને મને ગમતા વનસ્પતિશાસ્ત્ર - બોટની – ને મુખ્ય વિષય બનાવ્યો હતો. આજ સુધી જે વૃક્ષો ને છોડ મારા બગીચામાં હતાં તે હવે મારા અભ્યાસખંડમાં પણ આવી પહોંચ્યાં. જ્યાં માત્ર સંવેદના ને ભાવનાનો જ સ્પર્શ હતો ત્યાં હવે તર્કની ધાર પણ ચાલવા લાગી. માઇક્રોસ્કોપની નીચે આડા ઊભા છેદની સ્લાઇડ્સમાં કેદ થઈ પડેલાં મારાં મિત્રો હવે તેમનું આંતરિક રૂપ મને બતાવી રહ્યાં હતાં અને હું એ આંતરજગતની લીલામાં એવી તો ડૂબતી ચાલી કે બીજું બધું જ વિસારે પડવા આવ્યું. બોટાનિકલ ટૂરમાં અમે ગઢવાલપ્રાંતની વનસ્પતિઓનો અભ્યાસ કરવા નીકળ્યાં હતાં. રાનીખેતમાં બહુ મોટી સરસ સંસ્થા છે. વળી, વેલી ઑફ ફ્લાવર્સનો. પણ મોહ હતો. બહુ ઉમંગથી હું ઘૂમી રહી હતી. બધું એટલું સરસ અને વાસ્તવિક લાગતું કે જાણે આ બધું મારા અસ્તિત્વનાં ભાગરૂપે ન હોય ! અસીમ મારી સાથે જ રહેતો. મારા એકેએક ઊછળતા શબ્દોને એ ઝીલી લેતો અને એ કંઈક કહેવા ઉત્સુક પણ રહેતો પણ મારા કાનમાં તો ક્યાં કોઈ બીજો સૂર જ પ્રવેશતો હતો ? છેવટે અમે વેલીમાં પહોંચ્યા. આગલા દિવસે ઠીક ઠીક વરસાદ થયો હતો. વાતાવરણમાં ખાસ્સી ઠંડક હતી. બરફનાં ગ્લેશિયરો પર અસીમના હાથનો ટેકો લઈ પસાર થતાં થતાં ફૂલોની વચ્ચે આવી ગયાં. અદ્દભુત આકારો અને રંગોમાં મુખરિત થતાં આ પુષ્પોએ જાણે મને રીતસર મુગ્ધ જ બનાવી દીધી ! એટલાં અસંખ્ય પુષ્પો... ઝીણાં ઝીણાં ટપકાંથી લઈ હરિતાભશ્વેત બ્રહ્મકમલ સુધી. પણ એક ચોક્કસ જાતનાં ફૂલને જોતાં જ હું ભડકી. મારી બાજુમાં જ હતો છતાં અસીમના નામની બૂમ પાડી ઊઠી. કહેવા લાગી, ‘જો જો અસીમ, આ પેલાં ફૂલ જુએ છે ? આ ફૂલો વિશે જ મેં એક સંશોધનલેખમાં વાંચ્યું હતું કે વેલીનો સર્વનાશ કરવામાં એ નિમિત્ત થશે. ધીરે ધીરે પ્રતિવર્ષ તેનો ફેલાવો એટલો વધી રહ્યો છે કે બીજાં ફૂલોને ખીલવા માટે પૂરતી જગ્યા નથી રહેતી. જાણે એક આક્રમણખોરની જેમ ચોમેર છવાઈ રહ્યો છે ! ઓહ કેટલી ભદ્દી ને છતાં કરુણ વાત હશે નહીં ? આ આખી વેલીનું વૈવિધ્ય નષ્ટ થઈ જાય અને એ માત્ર આ કદરૂપાં ફૂલોથી જ છવાયેલી રહે ?

   ‘આપણે શું કરી શકીએ ? આ અભદ્રતા માત્ર વેલીમાં જ થોડી છે ? બીજે પણ છે; જ્યાં કોઈ એક જ વાત ચોમેર એવી રીતે છવાઈ જતી હોય છે કે બીજા કોઈ માટે સ્થાન જ નથી રહેતું. કહે, ખોટી વાત છે ? સ્થાન છે ખરું ?’ હું કંઈ જ સમજી નહોતી ને મેં પ્રયત્ન પણ નહોતો કર્યો કેમ કે મારી નજરમાં તો ત્યારે પેલી વેલી અને ફૂલો જ હતાં જે એનું સૌંદર્ય હતાં. એમાંથી મુક્ત થઈ મેં નજર ફેરવી જોયું તો એ બાજુમાં ન હતો. ફૂલોના અસીમ દરિયા વચ્ચે હું કોઈ ખડક જેમ ઊભી હતી ! આ ખડકાળપણું !

   આ ખડકાળપણું ત્યારે જેટલું નહોતું અખરતું, આજે એથી વધારે પીડા આપે છે. અસીમ અને સાવિત્રી. તેનાં બે બાળકો સાથે સ્કુટર પર સવાર થઈ પસાર થતાં તેમને જોઉં છું ત્યારે તો ખાસ. પણ ફૂલો તો પથ્થર તોડીનેય ઊગી નીકળે છે. સડકની વચ્ચે ઊગી જતું ઘાસ કે બહુમાળી મકાનની કોઈ ધાર પર ઊગી નીકળતો પીપળો ક્યાંય પણ ખીલી શકે છે.... અને કુંઠિત રહી જાય છે, જલદીથી નષ્ટ પામી જાય છે, અદૃષ્ટ રહી જાય છે. એમ જ ચિમળાઈ જાય છે ને નાશ પામી જાય છે. કેમકે જ્યાં અને જ્યારે ખીલવાનું હતું ત્યારે તે એમ નહોતું કરી શક્યું, નહોતું કરી શક્યું !

   પરંતુ આમ નક્કી કરવું એ શું આપણા હાથની વાત છે ? જો એમ નક્કી કરી શકતી હોત તો...... આ છપાયેલાં અક્ષરોમાંથી પ્રસ્ફુટ આકારોમાંથી કોઈ એકને મારો ન બનાવી લેત ? મુનશીનો કાક કે પછી અશ્વિની ભટ્ટનો ઇશાન સારંગ ! પણ ત્યાં મારી તકલીફ એ છે કે હું મંજરી નથી બની શકતી કે નથી બની શકતી હું શચી. હું તો હું જ રહી જઉં છું. કઈ રીતે કોઈ આવશે મારા ‘હું’ની દીવાલ કુદાવીને ? ક્યારેક થાય છે પપ્પાએ કરેલા અપમાનનો બદલો લેવા જ હું આમ જીવી ગઈ. એવું નહોતું કે મમ્મી-પપ્પાએ કાળજી નહોતી રાખી. મારે માટે યોગ્ય વર શોધવા પૂરતા પ્રયત્નો કર્યા હતા. કોઈ ડૉક્ટર, કોઈ બેંક ઓફિસર, કોઈ... કેટલાકે તો વળી સામેથી ઑફર મુકાવી હતી. પણ મેં દરેક વખતે એક જ જવાબ વાળ્યો હતો... ત્યારે મેં એમ.એસ.સી. પૂર્ણ કરી લીધેલું ને એમ.ફિલ્. શરૂ કર્યું હતું. આ કામ હાથ પર લીધું છે તે પતાવી લઉં ! ઊંડે ઊંડે એમ પણ ખરું કે પછી ડૉક્ટરેટ માટે રજિસ્ટર્ડ થઈ પપ્પાને બતાવી આપવું કે મારા એ અભ્યાસકાળ દરમ્યાન જ મને એક પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ કંપનીની લેબોરેટરીમાં આસિસ્ટંટ રીસર્ચ ઓફિસરની જોબ મળી જતાં આર્થિક સ્વતંત્રતા પણ પ્રાપ્ત થઈ. હર્બલ મેડિસિન્સ ! વૃક્ષો. અહીં સુધી ખેંચાઈ આવ્યાં. પહેલાં જે સંવેદનોનાં સાથી હતાં, અભ્યાસનો વિષય હતાં તે હવે ઉપયોગનો કાચો માલ બની ગયાં. આખરે હું કોઈ હેતુ શોધું છું તેમનાં હોવાનો ! એક એક અંગ, ખબર નહીં કેવાં કેવાં કેમિકલ્સ અને આલ્કલોઇડસ ભરીને બેઠું છે ? કોણ જાણે છે કયું અંગ ક્યારે કામમાં આવી જાય ! ને એ શોધવાનું છે, જાણવાનું છે. કેટલું બધું કામ છે ? વળી પાછી વ્યસ્તતા વળી પાછી ખોવાતા જવાની આદત. – પણ આ વખતે જુદી વાત બની. ઉપયોગ- હેતુ શોધવાની રઢે ચઢેલાં મને ખણખોદ કરતાં કરતાં છેવટે એ પ્રશ્ન પણ પૂછી લીધો કે મારા હોવાનો શો મતલબ છે ? શો અર્થ છે ? આ જીવું છું તે. કેવડું મોટું શોધકાર્ય કરું છું ! જીવન તો માધ્યમ છે તે હેતુ નથી. ને શોધ કરે છે તે બુદ્ધિ. પણ મનનું શું. શરીરનું શું ? સમગ્રતાથી જીવવાને બદલે આમ છૂટાં પડી પડીને... આ જે શોધકાર્ય થાય છે તે ક્યાં સમગ્ર વૃક્ષનું છે ? નેતિ નેતિ કરતાં જ કોઈ એક ચોક્કસ ભાગની સ્પષ્ટતા થાય છે ને ! પણ તેથી બીજા હિસ્સા નકામા તો સાબિત થતા નથી. તેમની અપેક્ષિત ક્રિયાને બદલે કોઈ બીજી ક્રિયા તો હોય જ છે ને ?

   પ્રશ્નોનાં જાળાં... એકવાર પગ મૂકો એટલે... મને અચાનક સમનું રણ સાંભરી આવ્યું. ફૉરિન ડેલિગેશનની સાથે આકડાની દુર્લભ જાતની ભાળ મેળવવા અમે જેસલમેર- બિકાનેરના રણપ્રદેશની સફર ખેડી હતી. લાંબા દિવસની થકાવટભરી કામગીરી પતાવ્યા બાદ હું ઊંટ પર સવાર થઈ હતી. મારે તાજગી જોઈતી હતી, થોડી વધુ ગતિ. ઊંટ દોરનાર ઊંટવાળાને કહ્યું દોડાવ તારી આ સાંઢણી પણ દોરતાં દોરતાં દોડાવવું એ શક્ય નહોતું તેથી એણે સોંઢણીને નીચે બેસાડી, પોતે પણ સવાર થયો. તેની આગળ હું. પછી તો એવી ગતિ આવી કે... ઊડતી રેત, ગતિ, સતત સ્પર્શતો રણના પુરુષનો દેહ. સેન્ડડ્યૂન્સ ચઢતાં તો સાંઢણી હાંફી ગઈ તેથી નીચે બેસી પડી અને અમે બેઉ ગબડી પડ્યાં.

   મને આજે પણ એ સાંજ વિશે અફસોસ છે કે અમે પૂરું ગબડ્યાં કેમ નહિ ? કેમ કોઈ એક ક્ષણે એ પાછો વળી ગયો ને મારા હોઠ પર માત્ર રેતનો જ કોરો સુક્કો સ્પર્શ રહી ગયો ? આગની એક સિહરન મનમાં ફરી વળી હતી. જે દઝાડતી હતી, બાળતી હતી, કોલસો થઈ થઈને. હીરાની ચમક ધરાવતું મન ક્યાં ગયું ? ક્યાં ગયું?

   સફર પૂરી થઈ રહી હતી ત્યારે અમે બડાબાગ પહોંચ્યા. ઊંટવાળો જ લઈ ગયો હતો. રણ વચ્ચેની આ જગ્યા એવી હતી જ્યાં પુષ્કળ લીલાં ઊંચાં વૃક્ષો હતાં. એવાં વૃક્ષો જે સ્વાભાવિક જંગલોમાં જ જોવા મળતાં. ત્યાંનાં કૂવામાંનું પાણી ખેંચી ઊંટવાળાએ કહ્યું હતું. ‘બહેનજી, લિજીએ અબ યહાં પાની પીઓ.’

   પાણી પીતાં અને એ ઠંડા પાણીથી ચહેરો છંટકારી તાઝગી પરત મેળવી હતી ત્યારે મેં ઊંટવાળા સામે જોયું. એની આંખો હીરા જેમ ચમકતી હતી. રણના જરઠ દેહ પર એક બડાબાગ લહેરાઈ રહ્યું હતું. ને મારે પણ એક આવા બડાબાગની રાહ જોવાની છે. હા, મારે એવા પુરુષની રાહ જોવાની છે જેની આંખોમાં મારી તરસનું પ્રતિબિંબ હોય.

   એકલા હોવાની સઘન અનુભૂતિ. એકલા હોવાની કે પછી એકલા પડી ગયાની ? લમણામાં ઝિંકાતા પથ્થરની જેમ પ્રશ્ન અથડાયો. ચીસ પાડું છું તો અવાજ નથી નીકળતો. રડું છું તો આંસુ નથી વહેતાં. ચાલું છું પણ ગતિ નથી આવતી. શ્વાસ લઉં છું પણ... બાલ્કનીમાં બેસી સાંજના ઊતરતા ઓળા જોતાં જોતાં ક્યારે કોળી મસ્સ રાત વીતી અને પ્રભાતનાં ઊજમાળાં કિરણો આવી લાગ્યાં તેની ખબર નથી. ઊંઘી ગઈ હતી કે શું ? નથી જાણતી. પણ એટલી ખબર છે કે આ રોજ થતી સવારે મારે કશું કરવાનું નથી. સ્કૂટર લઈ લઈને નીકળી પડતાં. આ બાળકોના પિતાઓની રાહ જોતી સ્ત્રીની જેમ મારે કશું નથી કરવાનું. સશક્ત પુરુષો. એક એકથી વધારે. કોઈનો કોલર ઊંચો છે, કોઈની છાતી ખુલ્લી, કોઇ નાઈટડ્રેસમાં તો કોઈ લુંગી ચઢાવીને જ નીકળી પડ્યું છે અને હજી રાતનો ઉજાગરો આંખો પર ચોંટ્યો છે. કોઈ સાઇકલની વહેતી ગતિ સાથે ઉપર આવતો અને પછી નીચે જતાં સાથળની ગતિ તેના શરીરની મજબૂતાઈ - સખ્તાઈ સ્પષ્ટ કરે છે. કાશ ! એક આવું શરીર પણ મારું હોત.... ધોળા દિવસે પણ મારો કલ્પનાવિલાસ ચાલુ થઈ જાય છે. મારો શ્વાસ ઊછળવા લાગે છે. છાતી હાંફવા લાગે છે. અંગેઅંગમાં સખ્તી આવી જાય છે. દરેક સ્નાયુ ટોન અપ થાય છે ને એકાએક બધું તૂટી પડે છે. ન કરેલા કામનો થાક શરીરને વીંટાઈ વળે છે. આ શરીર ! એટલું નકામું એટલું તુચ્છ લાગે છે – એક ઇચ્છા પણ પૂરી કરવા અસમર્થ ? બગીચામાં ચાલી જઉં છું. મેં રોપેલા ચંપાના વૃક્ષ સાથે શરીરને ઘસવા લાગું છું. પર્ણરહિત માત્ર ફૂલો ખીલવી રહેલું ચંપાનું શુષ્ક બરછટ થડ. શું આવો હોય છે પુરુષનો સ્પર્શ ? મમ્મી બૂમ પાડે છે તો તેને જવાબ નથી આપતી. નજીક આવી ચા આપતાં તે મધુમાલતીની છાયા હેઠળ રાખેલ હીંચકા પર બેસી કહે છે ‘આજે નથી જવું ?’
   ‘ક્યાં ?’
   ‘લે ઑફિસે વળી ? આજકાલ વળી, તારું ચિત્ત ઠેકાણે નથી રહેતું. કેમ આમ થાય છે ? તબિયત સારી ન રહેતી હોય તો ડૉક્ટરને બતાવી આવ બેટા !’ મને બૂમો પાડવાની, મા સાથે ઝઘડવાની ઈચ્છા થાય છે. ગુસ્સો કરી લઉં, મોં તોડી લઉં ? પણ કંઈ જ નથી કરી શકતી. મોંના સ્નાયુઓ માત્ર ખેંચાઈ રહે છે અને ઢગલો થઈ બાજુમાં બેસી પડું છું. પૂછી લઉં એકાદવાર કે મા હું તો નાદન હતી. તેં શા માટે મને બળજબરી કરીને ચોરી -માયરામાં ન બેસાડી દીધી?

   મારી આ વિહ્વળતાથી ચોંકી ઊઠું છું. આજે તો મા છે પણ એનીય વય થઈ છે. કાલે એ નહીં હોય, પછી – એક પછી એક આકારો – પુરુષના, સુખી ઘરના, બાળકોના પસાર થતા જોઉં છું. એવી રીતે વીતી જાય છે જાણે આ સુખ મારા હિસ્સામાં નથી. રેવલીને લારીમાં બેસાડીને લારી ખેંચી જતો રામજી નજરે પડે છે. આ તરફ જોતાં આંખ મળી. એ ઊભો રહી જઈ હાથ જોડી આદર આપતાં નમસ્તે કહે છે. ને પાછો ચાલવા માંડે છે. રેવલી તો ધીમું ધીમું મલક્યા કરે છે, લાગે છે જાણે શરીર પર સોળ ઊપસી રહ્યા છે ! આ પણ.... મારા માટે તો બડાબાગ જ નિમાર્યું છે. આ કે આનાં જેવાં ઝાંખરાંથી મારો બગીચો નહીં શોભે. ભલે આખું જીવન રણ જેવું વીતી જાય પણ જરૂર આવશે કે બડાબાગ.... વળી, પાછું હું ઇચ્છાના, આશાના જોરે જીવતી રહી ગઈ.

   છેવટે નીકળું છું નોકરીએ જવા. મા નિરાંતથી જોઈ રહે છે. કંઈ કંઈ બોલે છે પણ સાંભળે છે કોણ ? બહાર નીકળી સ્કૂટરને કિક મારી ચાલુ કરું છું ને રસ્તા પર નજર માંડું છું. સોસાયટીની વચ્ચમાં કંઈક તમાશો છે. કોઈ ઢોલ પર દાંટી પીટે છે ને એક સશક્ત માણસ પોતાના શરીર પર ચાબુક વીંઝે છે. સટાક્....સટાક્.... શરીર પર ઊઠતા સોળ દેખાય છે. આંખ મીંચી જવાની ઇચ્છા થાય છે પણ જોવાનો લોભ ટાળી શકાતો નથી. વળી, એક સટાકો ને વળી, શરીર ઉપર સોળ... કઈ ભૂલની સજા વેઠતો હશે આ? ને પીડા નહીં થતી હોય શું એને ? નજીક જઈ ધ્યાનથી જોઉં છું. ચાબુક ખાનારના ચહેરા પર છે રાહતનો ભાવ. આજુબાજુ તમાશબીનોના ચહેરાઓ પણ આ બધું જુએ છે સંતોષપૂર્વક. ને પોતે ? સહેજ હસવું આવ્યું, કડવું કડવું. એક ચાબુક પોતાની પાસે પણ છે – બડાબાગ. આશાની, ઇચ્છાની ચાબુક... સોળ... સોળ અને સોળ અને....
[‘શબ્દસૃષ્ટિ ડિસેમ્બર, ૧૯૯૫]


0 comments


Leave comment