73 - ક્લબમાં….. / આદિલ મન્સૂરી


લંબચોરસ ખંડ,
એર-કન્ડીશન્ડ,
કાચની દીવાલ....;
જ્યા હવાની ઢાલ,
ટકરાય
તૂટી જાય
ગાલિચે વેરાય,
દૂધિયલ કો’અશ્વ,
ભીંત પર ડગલું ભારે,
રજકણ ખરે,
પાતાળમાં પગ ખોડીને
ઊભી ઈમારત થરથરે,
‘સ્ટીરિયો’ ના કંઠથી ઉભરાય
આફ્રિકન સંગીત,
ઓરડે ગૂંગળાય
શાહ, રાણી ને ગુલામ,
મ્હોં છુપાવીને રડે
બ્રિજ ટેબલે,
‘થ્રિ ફાઈવ’ સર્જિત ધૂમ્રવર્તુલ
ઊંચે, ઊંચે વિસ્તરે,
એક બે ક્ષણ વિસ્તરી
તૂટી પડે,
ધોળાં; બરફના ચોસલાં
ખડખડ હસે
પ્રત્યેક ‘સોલન’ ઘૂંટડે.


0 comments


Leave comment