28 - લગન ન હોય તો અહીં આવવામાં સાર નથી / આદિલ મન્સૂરી


લગન ન હોય તો અહીં આવવામાં સાર નથી,
જનાબ, આ તો સુરાલય છે, સ્વર્ગદ્વાર નથી.

સજા મળી છે અમોને સિતારા બનવાની,
અમારા ભાગ્ય મહીં રાત છે, સવાર નથી.

સુરાને મ્હોંથી લગાવી છે વ્યર્થ પીનારે,
મરણ સિવાય કોઈ ગમ થકી ઉગાર નથી.

કરે છે પ્રાણના ભોગે જે ફૂલનું રક્ષણ,
સિતમ છે, એના મુકદ્દર મહીં બહાર નથી.

મેં બેશુમાર ગુનાહો કર્યા કબૂલ મને,
પરંતુ એની દયા પણ શું બેશુમાર નથી.


0 comments


Leave comment